Atmadharma magazine - Ank 019
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૯૯ :
શ્વ ર્ ર્ િ
વર્ષ ૨ અંક ૭ : દ્વિતિય ચૈત્ર ૨૦૧
આત્મધર્મ
આત્માની ક્રિયા
પ્રશ્ન:–આત્મા શું કરી શકે?
ઉત્તર:–આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તે ચૈતન્યના ઉપયોગ સિવાય બીજું કાંઈ
પણ કરી શકે નહીં.
પ્રશ્ન:–જો આત્મા ઉપયોગ સિવાય બીજું કાંઈ ન કરી શકતો હોય તો આ
સંસાર–મોક્ષ શા માટે?
ઉત્તર:–ઉપયોગ સિવાય બીજું તો કાંઈ જ આત્મા કરી શકતો નથી.
ચૈતન્યનો ઉપયોગ પર લક્ષ કરીને પરભાવમાં દ્રઢ કરે છે તે સંસાર છે
અને જ્યારે સ્વ તરફ લક્ષ કરીને સ્વમાં દ્રઢતા કરે ત્યારે મુક્તિ છે. કાં તો
સ્વ તરફનો ઉપયોગ અને દ્રઢતા, અથવા તો પર તરફનો ઉપયોગ અને
દ્રઢતા એ સિવાય બીજું કાંઈ પણ અનાદિથી કોઈ જીવ કરી શક્યો નથી
અને અનંત કાળમાં કદી પણ કરી શકશે નહિ.
પ્રશ્ન:–આત્મા જો માત્ર ઉપયોગ સિવાય કાંઈ નથી જ કરી શકતો તો
શાસ્ત્રો શા માટે છે?
ઉત્તર:–બાર અંગ અને ચૌદ પૂર્વ એ બધાનો હેતુ માત્ર એક જ છે કે
ચૈતન્યનો ઉપયોગ જે પર તરફ ઢળ્‌યો છે તેને સ્વ તરફ વાળીને સ્વમાં
દ્રઢતા કરવી. એ રીતે ઉપયોગ ફેરવવાની વાત છે–અને તે વાતને
શાસ્ત્રોમાં અનેક પડખેથી સમજાવવામાં આવે છે.
પ્રશ્ન:–સંસારીની અને સિદ્ધની ક્રિયામાં શું ફેર?
ઉત્તર:–ચૈતન્યનો ઉપયોગ તે જ આત્માની ક્રિયા છે. નિગોદથી માંડીને
સિદ્ધ ભગવાન સુધીના બધા જીવો ઉપયોગ જ કરી શકે છે–ઉપયોગ
સિવાય બીજું કાંઈ કોઈ જીવ કરી શકતો નથી. ફેર એટલો છે કે–નિગોદ
વગેરે સંસારી જીવો પોતાનો ઉપયોગ પર તરફ કરીને પર ભાવમાં એકાગ્ર
થાય છે–જ્યારે સિદ્ધ ભગવાન વગેરે પોતાના શુદ્ધસ્વભાવમાં ઉપયોગ
ઢાળીને સ્વભાવમાં એકાગ્ર થાય છે. પરંતુ સિદ્ધ કે નિગોદ કોઈ પણ જીવ
ઉપયોગ સિવાય પરનું કાંઈ પણ કરી શકતો નથી. સ્ત્રી–કુટુંબ–લક્ષ્મી કે
દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે બધા પર છે–તેનું આત્મા કાંઈ કરી શકે નહિ.
આત્મા માત્ર તે તરફનો શુભ કે અશુભ ઉપયોગ કરે. પરંતુ શુભ કે
અશુભ એ બંને ઉપયોગ પર તરફના હોવાથી તેને ‘અશુધ્ધ ઉપયોગ’
અને સ્વતરફનો ઉપયોગ તે ‘શુદ્ધ ઉપયોગ’ કહેવાય છે. આ સંબંધમાં
એવો સિદ્ધાંત છે કે–પર લક્ષે બંધન અને સ્વલક્ષે મુક્તિ. જ્યાં પરલક્ષ થયું
ત્યાં શુભભાવ હોય તોપણ તે અશુદ્ધ ઉપયોગ જ છે અને તે સંસારનું
કારણ છે, અને સ્વલક્ષ હોય ત્યાં શુદ્ધોપયોગ જ છે અને તે મુક્તિનું કારણ
છે.
[તા. ૨૫–૧૨–૪૪ ની ચર્ચા]