: ૧૦૦ : આત્મધર્મ : ચૈત્ર ૨ : ૨૦૦૧
દરેકે દરેક આત્મા અને દરેકે દરેક રજકણ તદ્ન જાુદે જાુદાં સ્વતંત્ર પદાર્થ છે એથી આત્માની
અવસ્થા આત્માથી અને જડની અવસ્થા જડથી જ થાય એમ માનવું તેજ પહેલો ધર્મ છે.
દરેક વસ્તુનું કાર્ય અંતરંગ કારણથી જ થાય છે; બહારના કારણથી કોઈ કાર્ય થતું નથી. જો બહારના
કારણથી કાર્ય થતું હોય તો ચોખાના બીમાંથી ઘઊં અને ઘઊંના બીમાંથી ચોખા થવાનો પ્રસંગ આવશે, એમ
થતાં વસ્તુનો કોઈ નિયમ રહેતો નથી–માટે કહ્યું છે કે–
“कहीं पर भी अंतरंग कारणसे
ही कार्यकी उत्पत्ति होती है”
એટલે કે બધી વસ્તુઓનાં કાર્યની ઉત્પત્તિ અંતરંગ કારણથી જ [વસ્તુની પોતાની શક્તિથી જ] થાય
છે–એ નિયમ છે. આમાં અનેક પ્રશ્નોના સમાધાન આવી જાય છે.
અંતરંગકારણ= દ્રવ્યની શક્તિ, ઉપાદાન કારણ.
બહિરંગકારણ=પર દ્રવ્યની હાજરી નિમિત્ત કારણ.
કોઈ કાર્યો બાહ્ય પદાર્થોના કારણથી ઉત્પન્ન થતાં નથી એ નિશ્ચય છે. જો બહારના કારણે કાર્યની ઉત્પત્તિ
થતી હોય તો ચોખામાંથી ઘઊં થવા જોઈએ–પણ તેમ ક્યાંય થતું નથી; માટે કોઈ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યના
કારણથી ઉત્પન્ન થતું નથી પણ તે દ્રવ્યની પોતાની શક્તિથી જ થાય છે.
ત્રણકાળ, ત્રણલોકમાં એવું દ્રવ્ય નથી કે જે દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થતું હોય! જો કોઈપણ દ્રવ્યનું કાર્ય
બીજા દ્રવ્યથી થતું હોય તો જીવમાંથી જડ અને જડમાંથી જીવ થઈ જવાનો પ્રસંગ આવી પડશે; પરંતુ કાર્ય અને
કારણ એક જ દ્રવ્યમાં હોય એ સિદ્ધાંતથી દરેક દ્રવ્યનું કાર્ય તે દ્રવ્યના કારણથી જ સ્વતંત્રપણે થાય છે, તેથી
ઉપર્યુક્ત દોષ આવતો નથી. આમાં દરેક કાર્ય થવામાં ઉપાદાન નિમિત્તનો ખુલાસો આવી જાય છે.
હવે ઉપર પ્રમાણે વસ્તુ સ્વરૂપ હોવાથી–આત્મદ્રવ્યનું કાર્ય–અવસ્થા તો આત્માના જ અંતરંગ કારણથી
ઉત્પન્ન થાય છે; અને આત્મદ્રવ્યમાં તો વીતરાગભાવ જ પ્રગટવાની શક્તિ છે. વીતરાગતા–શુધ્ધતારૂપી કાર્ય
ઉત્પન્ન થાય એવી જ દ્રવ્યની અંતરંગ શક્તિ છે.
પ્રશ્ન:–જો દ્રવ્યની અંતરંગ શક્તિ માં તો વીતરાગતા અને શુધ્ધતા જ પ્રગટવાની શક્તિ છે તો પછી
પર્યાયરૂપી કાર્યમાં અશુદ્ધતા કેમ છે?
ઉત્તર:–પર્યાયમાં જે અશુધ્ધતા છે તે, તે પર્યાયની વર્તમાન યોગ્યતા છે. આત્મા અરૂપી જ્ઞાનઘન
સ્વભાવ–કે જે અંતરંગ કારણ છે–તેમાંથી તો, ગમે તેવા બહારના નિમિત્ત હોય કે ગમે તેવા સંયોગ હોય તોપણ
જ્ઞાન અને વીતરાગતા જ આવે છે, છતાં પર્યાયમાં જે વિકાર–અશુદ્ધતા છે તે પર્યાયના અંતરંગ કારણે છે.
વિકારનું અંતરંગકારણ એક સમય પૂરતી પર્યાય છે તેથી વિકારરૂપી કાર્ય પણ એક જ સમય પૂરતું છે. પહેલા
સમયનો વિકાર બીજા સમયે ટળી જાય છે. રાગાદિ વિકારરૂપ અશુદ્ધ અવસ્થા તે પર્યાયના અંતરંગ કારણે છે,
રાગાદિનું અંતરંગ કારણ દ્રવ્ય નથી પણ અવસ્થા છે; એટલે કે દ્રવ્યના સ્વભાવમાં રાગાદિ નથી, માટે દ્રવ્ય
રાગાદિનું કારણ પણ નથી.
જેમ ચેતન દ્રવ્યની અવસ્થા ચેતનના અંતરંગ કારણે થાય છે તેમ જડ દ્રવ્યની અવસ્થા પણ જડ દ્રવ્યના
અંતરંગ કારણથી જ થાય છે. શરીરના પરમાણુઓ ભેગા થયા છે તે આત્માના કારણે આવ્યા નથી, પણ જે જે
પરમાણુઓની અંતરંગ શક્તિ હતી તેજ પરમાણુઓ ભેગા થયા છે, બીજા બધા પરમાણુઓ પેશાબ, વિષ્ટા વગેરે
મારફત જુદા પડી ગયા. પરમાણુઓમાં ક્રોધકર્મરૂપ અવસ્થા થાય છે તે પરમાણુની તે સમયની યોગ્યતા છે–જીવે
તે અવસ્થા કરી નથી. જીવની ક્રોધાદિ ભાવરૂપ અવસ્થા થાય છે તેમાં જીવની તે સમયની અવસ્થાની યોગ્યતા
છે. જીવની અવસ્થામાં વિકારભાવ અને પુદ્ગલની અવસ્થામાં કર્મરૂપ પરિણમન એ બન્ને પોતપોતાના અંતરંગ
સ્વતંત્ર કારણે થાય છે, કોઈ એક–બીજાનું અંતરંગ કારણ નથી.
સમયે સમયે અવસ્થા થવી તે વસ્તુનો સ્વભાવ છે; વસ્તુની અવસ્થા વસ્તુના કારણે નીકળે છે, બહારના
સાધનને કારણે કોઈ દ્રવ્યની અવસ્થા નીકળતી નથી, આમ હોવાથી પોતાની અવસ્થાનો સુધાર કે બગાડ દ્રવ્ય
પોતે જ કરી શકે છે. ચૈતન્યની પર્યાય ચૈતન્યપણે રહીને બદલે છે અને જડની પર્યાય જડપણે રહીને બદલે છે.
દ્રવ્યની અવસ્થાનો કર્તા કોઈ બીજો નથી.
શ્રી ધવલાશાસ્ત્ર વોલ્યુમ છઠ્ઠું પાનું ૧૬૪
પૂજ્ય સદ્ગુરુદેવ પાસેના વાંચનમાંથી
રાજકોટ