: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૦૧ :
પરંતુ આત્મા શું અને શરીર શું એના જાુદાપણાના ભાન વગર આત્મા શું કરે છે તેની
અજ્ઞાનીને ખબર શું પડે?
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે તે શ્રી સમયસારજીના કર્તાકર્મ અધિકારમાં અત્યંત સ્પષ્ટપણે સમજાવવામાં
આવ્યું છે તેથી તે અધિકારની ૯૯ મી ગાથા અને તે ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું વ્યાખ્યાન અત્રે આપવામાં આવે છે. (તા.
૧૯–૩–૪૫)
પર દ્રવ્યોને આત્મા કરે છે એવી વ્યવહારી લોકોની માન્યતા સત્યાર્થ નથી–એમ હવે કહે છે:–
जदि सो परदव्वाणि य करिज्ज
णियमेण तम्मजो होज्ज।
जह्मा ण तम्मओ तेण सो ण
तेसिं हवदि कत्ता।।९९।।
–:હરિગીત:–
પરદ્રવ્યને જીવ જો કરે તો
જરૂર તન્મય તે બને,
પણ તે નથી તન્મય અરે!
તેથી નહિ કર્તા ઠરે. ૯૯.
અન્વયાર્થ:– જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ
તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી.
ટીકા:–જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે તો, પરિણામ પરિણામીપણું બીજી કોઈ રીતે
બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પર દ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી,
કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય
વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.
ભાવાર્થ:– એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તા–કર્મપણું
અથવા પરિણામ–પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તે
દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે, માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત્ત નથી. [જુઓ
ગુજરાતી સમયસાર–પાનું–૧૪૪]
આ આત્મા પરદ્રવ્યનું કિંચિત્ પણ કરી શકતો નથી. જો આત્મા પરદ્રવ્યનું કાંઈ પણ કરે તો તે બન્ને
દ્રવ્યો નિયમથી એક થઈ જાય. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, કેમકે દરેક દ્રવ્ય ત્રિકાળ જુદાં
છે.
એક આત્મા જો પરનું કાંઈ કરે તો તે પર દ્રવ્ય અને આત્મા બન્ને એક દ્રવ્ય થઈ જાય. કેમકે જે સમયે
આત્માએ પરદ્રવ્યનું કાંઈ પણ કર્યું તે સમયે સામા દ્રવ્યની સ્વતંત્ર અવસ્થા રહી નહિ એટલે અવસ્થાનો લોપ
થતાં તે દ્રવ્યનો પણ લોપ થયો, કેમકે અવસ્થા વગર કોઈ દ્રવ્ય હોય નહિ. આ રીતે જીવ જો પરવસ્તુની અવસ્થા
કરે તો તે પરદ્રવ્ય સાથે એક થઈ જાય, અને દ્રવ્યના લોપનો પ્રસંગ આવે, પણ એમ ત્રણકાળમાં બનતું નથી.
દરેકે દરેક આત્મા અને દરેકે દરેક રજકણ જુદાં સ્વતંત્ર પદાર્થ છે. આત્માની અવસ્થા આત્માથી થાય
અને જડની અવસ્થા જડથી થાય–એમ માનવું તે જ પહેલો ધર્મ છે.
આત્મા કોઈ પરવસ્તુમાં પેસી જતો નથી. શરીરમાં પણ આત્મા પેસી ગયો નથી; શરીર જડ છે અને
આત્મા ચેતન છે; શરીર અને આત્મા એ ત્રિકાળ ભિન્ન પદાર્થો છે. શરીરની અવસ્થા રૂપ, રસ, ગંધ,
સ્પર્શસહિત જડરૂપ થાય છે અને આત્માની અવસ્થા જ્ઞાનરૂપ થાય છે–બંને દ્રવ્યો તથા તેની અવસ્થા જુદી જ છે.
પ્રશ્ન:–જો આત્મા પરનું કરી શકે છે એમ માનવવામાં આવે તો શું વાંધો છે?
ઉત્તર:–એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે એમ માનવામાં આવે તો દ્રવ્યના નાશનો પ્રસંગ આવે
છે–તે મહાન દોષ આવી પડે છે. જગતમાં અનંત પદાર્થો છે, જેમ આ આત્મા વસ્તુ છે તેમ સામું દ્રવ્ય પણ વસ્તુ
છે. વસ્તુ હોય તે સમયે સમયે પોતાની અવસ્થાનું કાર્ય કરે છે. હવે જો આત્માએ તે દ્રવ્યનું કાંઈ કર્યું એમ
માનવામાં આવે તો તે વખતે સામા દ્રવ્યે તેની પોતાની અવસ્થામાં શું કર્યું? કેમકે સામું દ્રવ્ય સામાન્ય સ્વરૂપ છે
તેનું વિશેષ પણ દરેક સમયે હોવું જ જોઈએ. હવે જો આત્મા તે દ્રવ્યની અવસ્થા કરે તો તે વખતે સામા દ્રવ્યની
પોતાથી શું અવસ્થા થઈ? અવસ્થા વગર તો દ્રવ્ય જ હોઈ શકે નહિ, માટે આત્માએ તે દ્રવ્યની અવસ્થામાં કાંઈ
પણ કર્યું નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ ટકીને ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા પોતાથી બદલાવે છે, તેમાં
બીજું દ્રવ્ય કિંચિત માત્ર પણ કરી શકતું નથી. જો એક દ્રવ્યની અવસ્થા બીજું દ્રવ્ય કરે એમ માનવામાં આવે તો
તે વખતે તે દ્રવ્યની વિશેષ અવસ્થા રહેતી નથી