Atmadharma magazine - Ank 021
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
: : : પહેલાં નક્કી કર કે તારે કરવું છે શું? : : :
આત્મહિત કે કજીયા!
૧– ‘ઊંહું’ તારું ક્યાંથી
ઉપડ્યું તે જો... અર્થાત્ ‘જ્ઞાન સ્વરૂપ
આત્માનો નકાર કયા જ્ઞાનમાંથી
ઉપડ્યો તે તપાસ કર. જે જ્ઞાન,
જ્ઞાનસ્વરૂપ આત્માનો નકાર કરે છે
તે જ્ઞાન પોતે જ જ્ઞાનસ્વરૂપી આત્મા
છે... માટે તું તારા જ્ઞાનસ્વરૂપની હા
પાડ અને ‘ઊંહું’ તારું છોડી દે...
[કલશ ૩૪]
૨–જ્ઞાયક સ્વરૂપનો સાચો
નિર્ણય થઈ ગયો કે–પુણ્ય–પાપ મારૂં
સ્વરૂપ નથી, હું તો જ્ઞાયક છું, આ
નિર્ણય થતાં પુરુષાર્થ સમ્યક્રૂપે
પરિણમી જાય છે અને પુરુષાર્થ દ્વારા
ક્રમેક્રમે જ્ઞાયક સ્વરૂપની દ્રઢતા થતાં
પુણ્ય–પાપનો અભાવ થઈ જાય છે,
અને જ્ઞાયકસ્વરૂપની પૂર્ણતા પ્રગટી
જાય છે... [કલશ–૩૪]
તીવ્ર રાગ કે મંદરાગ એ કોઈ,
આત્માનો સ્વભાવ નથી; આત્માનો
સ્વભાવ તો તીવ્રરાગ કે મંદરાગ
બન્નેથી પાર વીતરાગ સ્વરૂપ જ્ઞાયક છે.
૩–નજીક કે દૂર રહેલ પરવસ્તુ
કે પરભાવો માત્ર તારે જ્ઞાન કરવા માટે
છે. પુણ્ય–પાપના ભાવ પણ ક્ષણ પુરતા
સંયોગરૂપે છે, તેનો પણ તું જાણનાર જ
છો; અને તારા જ્ઞાયક સ્વરૂપનો જ તું
ભોગવનાર છો, ક્ષણિક પુણ્ય–પાપ થાય
તેને તારા જ્ઞાયકસ્વભાવ વડે જાણી
લેજે અને તારા જ્ઞાયક સ્વરૂપમાં દ્રઢ
રહેજે. [કલશ–૩૪]
૪–રાગ–દ્વેષ ક્ષણિક છે,
આત્માના ત્રિકાળી સ્વરૂપમાં તે નથી,
રાગદ્વેષથી તારૂં ત્રિકાળી સ્વરૂપ
દબાઈ જતું નથી માટે રાગ–દ્વેષ થાય
છતાં તે વખતે પણ તારા જ્ઞાયક
સ્વરૂપમાં શંકા લાવીશ નહિ. રાગ–
દ્વેષને પણ સ્વરૂપના જોરે જાણી લેજે.
[ગાથા–૪પ]
પ–એકલું આત્મદ્રવ્ય સંસારનું
કારણ છે જ નહિ; આત્મદ્રવ્યમાં
એકપણ ભવ કે ભવનો ભાવ
નથી–એવી ભેદજ્ઞાન શક્તિનો
વિકાસ તે જ મુક્તિનું કારણ છે.
જેના જ્ઞાનમાં આત્માનો સ્વીકાર
થયો તેને ભવની અને સંસારની
શંકા ઊડી જ ગઈ. ત્રિકાળી
સ્વભાવની દ્રષ્ટિ કર તો ભવનો
અંત આવે. [ગાથા–૭૨]
૬–પહેલાંં નક્કી કર કે તારે
આત્મહિત કરવું છે કે કજીયા જ
કરવા છે? જો તારે કજીયા કરવા
હોય તો અહીં તે વાત નથી. અને
જો તારે આત્મહિત કરવું હોય તો
તારી બધી પૂર્વની માન્યતા છોડીને
જ્ઞાનીઓ કહે છે તે રીતે તારા
આત્મસ્વરૂપને માનીને તેમાંજ
નિશ્ચળ થા અને તેની જ નિઃશંક
શ્રદ્ધા કર. આમ કરવાથી જ તારું
આત્મહિત થશે અને અલ્પ કાળમાં
જ તારી મુક્તિ થશે.
[કલશ–૩૪]
૭–શુદ્ધ જ્ઞાયક સ્વરૂપની
રમણતારૂપ અખંડ ચારિત્ર
જવાલાની હોળીમાં હિંસા કે દયા–
ભક્તિના સમસ્ત વિભાવભાવરૂપી
લાકડાં સળગી જવાનાં છે. માટે એ
વિભાવભાવમાં આત્માની શોભા
માનવી રહેવા દે!
[ગાથા–૯૧]
૮–અરે! આત્મા! રાગને
તારો માની રહ્યો છો તેમાં આખા
જ્ઞાયક સ્વભાવના ખૂનનું કલંક
આવે છે! તું તારા જ્ઞાન સ્વભાવની
શુદ્ધિને જો; આ રાગભાવ તો ઉપાધિ
છે–કલંક છે. અનંત–અનંત જ્ઞેયો છે
તેનો મહિમા નથી, પણ તે અનંત
અનંત જ્ઞેયોને વિકલ્પ રહિત, શંકા
રહિત જાણનાર જ્ઞાન સ્વભાવનો
મહિમા છે. [ગાથા–૯૧]
૯–પર વસ્તુઓ અનંતી
હોવાથી, જેણે પરનો કર્તા પોતાને
માન્યો તેનું અનંત વીર્ય પર
લક્ષમાં રોકાઈ ગયું, અને તેણે
અનંતા પર પદાર્થના કર્તૃત્વનો
અહંકાર કર્યો તેથી તે અનંત
સંસારમાં રખડશે; અને જેણે
પરથી ભિન્ન પોતાનું જ્ઞાયક સ્વરૂપ
જાણીને પરનું કર્તૃત્વ ઊડાડી દીધું
તેનું અનંત વીર્ય પર તરફથી
ખેંચાઈને સ્વ તરફ ઢળ્‌યું એટલે
સ્વની અનંત દ્રઢતા થઈ; સ્વની
અનંત દ્રઢતા થતાં અલ્પકાળમાં જ
તેની મુક્તિ છે.
[કલશ–પપ]
ભગવાન કહે છે કે વિચાર
કર! વિચાર કર! અનાદિ
સંસારમાં રખડતાં એકેન્દ્રિયાદિ
પર્યાયમાં તેં કેવા કેવા દુઃખો સહન
કર્યા તેની તને ખબર નથી, પણ
અમે જાણીએ છીએ; ભાઈ! એ
દુઃખો કહ્યાં જાય તેમ નથી. હવે
મનુષ્ય થયો છો તો ધ્યાન
રાખજે–સ્વરૂપ સમજી લેજે. આ
અપૂર્વ અવસર ન ચૂકીશ. જો
સ્વરૂપની દરકાર ન કરી તો તારા
દુઃખોનો અંત નથી. નિગોદથી
ઊંચે ચડયો છો તો હવે તારા સિદ્ધ
સ્વરૂપનો સત્ત્વર આધાર લઈ લે,
જો સ્વરૂપનો આધાર ન લીધો તો
પાછો હેઠો પડીને જઈશ
નિગોદમાં! અને જો સ્વરૂપનો
આશ્રય લઈશ તો અનંત–અક્ષય
સુખની પ્રાપ્તિ થશે–આવી
ભગવાનની ભલામણ છે; ચેત,
ચેત, પ્રભુ ચેત! આત્માનો
સ્વભાવ પૂર્ણ જાણવા–દેખવાનો
છે, પૂર્ણ જાણવું–દેખવું હોય ત્યાં
પૂર્ણ સુખ હોય જ... માટે સ્વભાવ
એ જ સુખ છે... સુખ માટે
સ્વભાવની શ્રદ્ધા કરવી.
[મોક્ષમાર્ગ પ્રકાશક]