Atmadharma magazine - Ank 022
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૧૬૬ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો
આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે.
વ્યવહાર અનેક ભેદરૂપ છે તે ભેદોને આ નિશ્ચયગ્રંથ ભેદે છે. આ કથનમાં વ્યવહારનું સ્વરૂપ પણ સિદ્ધ
થાય જ છે. વ્યવહાર છે ત્યારે તેને ભેદે છે ને? જો વ્યવહાર હોય જ નહિ તો તોડે કોને? વ્યવહાર છે ખરો, પણ તે
ભેદરૂપ હોવાથી તેના લક્ષે અખંડ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. તે ભેદરૂપ વ્યવહારને ભેદતાં ભેદતાં અભેદ
સ્વરૂપને પમાય છે, આ પરમાગમ સમયપ્રાભૃત ભેદને ગૌણ કરી અભેદ સ્વરૂપને સમજાવે છે તેથી નિશ્ચયગ્રંથ છે.
જ્ઞાનીને પણ સાધક દશામાં શુભભાવ હોય પણ તેમાં તેઓ ધર્મ માનતા નથી. જ્ઞાની થાય એટલે તે જ ક્ષણે સર્વથા
શુભ ભાવ ટળી જ જાય તેમ નથી. સાધર્મી પ્રત્યેનો પ્રેમ ધર્મનાં ટાણાં આવ્યે ઊછળી જાય–એવા જ્ઞાનીઓ હોય.
પદ્મનંદી આચાર્ય દાન અધિકારમાં લોભીયા પ્રત્યે કહે છે કે, કાગડો ઊખડિયા (દાઝેલી રસોઈ) મળે તે
એકલો ન ખાય, પણ ક્રો ક્રો કરીને બીજા જાતી–બંધુઓને ભેગા કરીને ખાય, દાઝેલી રસોઈ કાગડો પણ એકલો
ખાય નહિ.... તેં પૂર્વે પુણ્ય કર્યાં અને તારા નિર્વિકાર ગુણ દાઝયા– (પુણ્ય તે વિકાર છે તે વડે આત્માના
નિર્વિકાર ભાવને હાનિ પહોંચે છે) ગુણની હાનિ થઈ અને તેના ફળમાં પૈસાનો સંયોગ મળ્‌યો અને જો એકલો
ખાઈશ તો કાગડામાંથી યે જાઈશ...! પુણ્ય થયા તે દોષથી થયા છે. ગુણથી થયા નથી, એ ગુણની હાનિમાં જે
પુણ્ય થયાં, તેના ફળમાં પૈસા મળ્‌યા અને જો રાગ તૃષ્ણા ઘટાડી ધર્મ પ્રભાવના વગેરેમાં તે ન વાપર અને
એકલો ખા તો તું કાગડામાંથી પણ ગયોં–અર્થાત્ તને અત્યંત લોભ છે. અહીં લોભના કુવામાં પડતાં જીવોને
બચાવવા માટે કહ્યું છે... જ્ઞાનીને સાધર્મ વાત્સલ્ય, ધર્મ પ્રભાવના વગેરેના શુભ ભાવ હોય, પણ તેઓ
શુભભાવમાં ધર્મ માને નહિ.... આ ગ્રંથ આત્માના અભેદ સ્વરૂપને બતાવનાર નિશ્ચયગ્રંથ છે... વળી ‘તું પ્રજ્ઞા
છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા’
હે સમયસાર! તારી વાણી સ્વભાવ અને પરભાવને ભિન્નપણે ઓળખાવે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે,
અને રાગાદિભાવ તે કર્મના નિમિત્તે થતા હોવાથી ઉદય ભાવ છે, એ બે વચ્ચે ભેદજ્ઞાનરૂપી છીણી મારીને, બંનેનું
સ્વરૂપ ભિન્ન બતાવે છે. મારું જ્ઞાનાનંદ સ્વરૂપ બતાવનાર તું છો, તારો મહાન ઉપકાર છે.
‘સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો’ તું સાધકનો સાથીદાર છો, જગતનો તું સૂર્ય છો.
અજ્ઞાન અંધકાર ટાળવા માટે તું કેવળજ્ઞાન દીપક છો. તું જ મહાવીરનો સંદેશ છો. દિવ્યધ્વનિનાં રહસ્ય તારામાં
ભર્યાં છે. ‘વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિતણો’ ચોરાશીના અવતારના જેને થાક લાગ્યા હોય,
જન્મ–મરણના દુઃખોથી છૂટી જેને સ્વરૂપની શાંતિ લેવી હોય તેને, હે સમયસાર! આપ વિસામારૂપ છો. સંસારથી
થાકેલા જીવો તારા આશ્રયે વિશ્રામ કરે છે. અને તું જ મુક્તિનો પંથ છો.
– વસંતતિલકા –
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય, જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય,
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
આ સમયસારની–શુદ્ધઆત્મસ્વરૂપની વાત સાંભળતાં કર્મોનું રસ–બંધન ઢીલું થઈ જાય છે–ટળી જાય છે.
આ ગ્રંથમાં દર્શાવેલા સમયસારરૂપ શુદ્ધાત્માને જાણતાં જ જ્ઞાનીઓના અંતર–હૃદય જણાય છે. શુદ્ધ–આત્માની
રુચિ થતાં જ પરિપૂર્ણ આત્મસ્વરૂપ સિવાય જગતમાં કોઈની રુચિ રહેતી નથી. અને તું રીઝતાં–પ્રસન્ન થતાં
કેવળજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા રીઝે છે અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટે છે.
– અનુષ્ટુપ –
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી,
તથાપિ કુંદ સુત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
અહો સમયસાર! તારા માહાત્મ્ય કઈ રીતે કરીએ? અરે! આ ચાંદીની તો શું કિંમત? પણ સુવર્ણના
પાના કરીને તેમાં રત્નોના અક્ષરો લખું તોય તારાં મૂલ્ય ન અંકાય...બહારથી કોઈ રીતે તારો મહિમા અંકાય
તેમ નથી, અંતર સ્વરૂપમાં શુદ્ધાત્મારૂપ સમયસારની સમજણ થતાં તેનો જે મહિમા જાગે તથા જે પરિપૂર્ણાનંદી
સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને આનંદમાં એક–બે ભવમાં જ સંસારનો અંત આવીને પૂર્ણાનંદી દશા પ્રગટે એવા
ભગવાન સમયસારનો શું મહિમા થાય? અર્થાત્ આત્માના સ્વરૂપની ઓળખાણ થાય તો જ તેનો યથાર્થ મહિમા
સમજાય, અને ત્યારે જ આ સમયસારની કિંમત સમજાય..........
આ રીતે સમયસાર પરમાગમની સ્તુતિ પૂર્ણ થઈ
– ः जय समयसार ः –