જ્ઞાની અને અજ્ઞાનીમાં આકાશ પાતાળ જેટલો મહાન તફાવત છે
આત્મા પોતાના ઉપયોગને જ કરી શકે છે, પર દ્રવ્યનું કાંઈ પણ કરી જ શકતો નથી–એ સિદ્ધાંતને શ્રી
સમયસારજીના કર્તાકર્મ અધિકારમાં અત્યંત સ્પષ્ટ અને સચોટ રીતે બહુજ સુંદર સમજાવવામાં આવેલ છે–ત્યાં કહ્યું છે
કે:–
૧– [ગાથા ૮૬ ભાવાર્થ:–] “આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો
તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલની–બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે.
જડ–ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય–એ મોટો દોષ ઉપજે.” [પાનું–૧૨૬]
૨– [કલશ પ૩ ભાવાર્થ:–] બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને
પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી–એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક
થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.”
[કલશ પ૪ અર્થ:–] “એક દ્રવ્યના બે કર્તા ન હોય વળી એક દ્રવ્યનાં બે કર્મ ન હોય અને એક દ્રવ્યની બે ક્રિયા
ન હોય, કારણકે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.” [પાનું–૧૨૭]
૩– [કલશ–પ૬ અર્થ:–] “આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે અને પરદ્રવ્ય પરના ભાવોને કરે છે; કારણ કે
પોતાના ભાવો છે તે તો પોતે જ છે અને પરના ભાવો છે તે પર જ છે (એ નિયમ છે).” [પાનું–૧૨૮]
૪– [કલશ–૬૧–અર્થ:–] “આ રીતે ખરેખર પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો પોતાના જ ભાવોનો જીવ
કર્તા છે, પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો કદી નથી.”
[કલશ ૬૨–અર્થ:–] “આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા
પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે.” (પાનું–૧૪૩)
આ રીતે જીવ પરની ક્રિયા કરી શકતો નથી, પણ પોતાની ક્રિયાનો જ જીવ કર્તા છે. –જીવ પોતે કઈ ક્રિયા કરી
શકે અને કઈ ક્રિયા ન કરી શકે એ જો તે જાણે તો, ––પર દ્રવ્યની કોઈ ક્રિયા પોતે નહિ કરી શકતો હોવાથી, –પર દ્રવ્યના
કર્તૃત્વપણાનો મહા અહંકાર ટળે, અને પોતાની પરિણામ ક્રિયાને જોતાં શીખે, જ્યારે જીવ પોતાની પરિણામ ક્રિયાને
જોતાં શીખે ત્યારે પોતાનાં જે પરિણામોથી પોતાને નુકસાન થતું જાણે તે પરિણામોને છોડે અને પોતાનાં જે
પરિણામોથી પોતાને લાભ થતો જાણે તે પરિણામોને આદરે; અને એમ કરતાં દુઃખ ટળીને સુખ થાય. પરંતુ જ્યાં સુધી
જીવ પોતે શું કરી શકે છે અને શું કરી શકતો નથી–એ ન જાણે ત્યાં સુધી તે પોતાના સુખનો સાચો ઉપાય કરી શકે નહિ.
આ સંબંધમાં પૂ. ગુરુદેવશ્રી અનેક વખત ભાર દઈને કહે છે કે–
૧–અનાદિથી માંડીને આજ સુધી કોઈ પર જીવને કે જડને કિંચિત્ માત્ર લાભ કે નુકશાન તેં કર્યું જ નથી.
૨–આજ સુધી કોઈ પર જીવે કે જડે તને કિંચિત્ માત્ર લાભ કે નુકશાન કર્યું જ નથી.
૩–આજ સુધી તેં તારા માટે સતત્ એકલો નુકશાનનો જ ધંધો કર્યો છે, અને જ્યાં સુધી તું સાચી સમજણ નહિ
કર ત્યાં સુધી તે નુકશાનનો ધંધો ચાલશે જ.
૪–તેં જે નુકશાન કર્યું છે તે નુકશાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે–તારી ત્રિકાળી વસ્તુમાં થયું નથી.
પ–તારી ચૈતન્ય વસ્તુ ધ્રુવ અવિનાશી છે, તે સ્વભાવ તરફ લક્ષ કર તો શુદ્ધતા પ્રગટે અને અશુદ્ધતા ટળે–એટલે
નુકશાન ટળે અને અટળ લાભ થાય.
ઉપરના પાંચ બોલોમાં મહાન સિદ્ધાંત રહેલો છે. જીવ અનાદિથી આજ સુધી રખડયો–તેમાં તેણે શું કર્યું અને હવે
શું કરે તો તે રખડપટ્ટી ટળે એ ઉપરના બોલોમાં બતાવ્યું છે. મુમુક્ષુ જીવોએ એ પાંચે બોલોને હૃદયમાં નિરંતર કોતરી
રાખવા જોઈએ–અને તેનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં જે સિદ્ધાંત–સૂત્રો ચોડેલાં છે તેમાં
પણ એકસિદ્ધાંત છે કે–“ચૈતન્ય પદાર્થની ક્રિયા ચૈતન્યમાં હોય–જડમાં ન હોય.”
વળી આ બાબત આત્મધર્મના પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં એવી મતલબે લખ્યું છે કે –“કોઈ આત્મા જ્ઞાની કે
અજ્ઞાની–એક પરમાણુ માત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી, તો પછી દેહાદિની ક્રિયા આત્માના
હાથમાં ક્યાંથી હોય? જ્ઞાનીને અજ્ઞાનીમાં આકાશ–પાતાળના અંતર જેવડો મહાન તફાવત છે, અને તે એ
છે કે–અજ્ઞાની પરદ્રવ્યોનો તથા રાગ–દ્વેષનો કર્તા થાય છે. અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો
કર્તા થતો નથી. તે કર્તૃત્વપણાની માન્યતા છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કર્તૃત્વ બુદ્ધિ
સમ્યકજ્ઞાન વિના છૂટશે નહિ–માટે તમે જ્ઞાન કરો! ”