: ૧૭૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૦૦૧ :
બાહ્ય સામગ્રી છોડી માટે ધર્મી–એમ ધર્મીનું સ્વરૂપ નથી. પોતે પુણ્યવંત હોય અને કોઈ ધર્માત્મા બહુ
પુણ્યવંત ન હોય છતાં પોતે ધર્માત્માને વંદન–નમસ્કાર કરે છે એટલે કે તે ધર્માત્મા પાસે પુણ્ય કરતાં જુદી જાતની
કોઈ ચીજ છે કે જે પુણ્ય કરતાં ઊંચી છે–તેને લીધે જ તે ધર્માત્મા વંદનીય છે. આ રીતે ધર્મ પાસે પુણ્ય હેય છે, અને
ધર્મીને પુણ્યનો આદર નથી. જો શ્રદ્ધામાં પુણ્યનો આદર હોય તો તે ધર્મી નથી. શ્રદ્ધામાં પુણ્યનો આદર ક્યારે ટળે?
કે– ‘હું જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્મા છું, પુણ્ય–પાપ બંને વિકાર છે તે મારૂં સ્વરૂપ નથી’ આવું ભાન હોય તો શ્રદ્ધામાંથી
પુણ્યનો આદર ટળે એટલે જેને આત્માની ઓળખાણ હોય તે ધર્મી છે અને તે જ વંદનીય છે. કોઈ જીવ બાહ્યમાં
ત્યાગી હોય પરંતુ શ્રદ્ધામાં પુણ્યભાવનો આદર હોય તો તે ધર્મી નથી અને તેથી તે વંદનીય નથી.
તું જેને વંદન કરે છે તેનામાં અને તારામાં શું ફેર છે–કઈ રીતે સામા વંદનીક છે તે નક્કી કરવું જોઈએ.
સામો બાહ્ય ત્યાગી થયો માટે વંદનીક–એમ નથી. જે ભાવે બાહ્ય સામગ્રી મળે તે ભાવનો જો શ્રદ્ધામાં આદર
હોય તો તે ત્યાગી જ નથી–ધર્મી નથી, પણ તારા જેવો જ છે. ધર્મી તો તે કહેવાય કે જેને સામગ્રી કે સામગ્રીનું
કારણ જે પુણ્ય–પાપ તેનો આદર ન હોય. ભવ અને ભવનું કારણ પુણ્ય પાપના વિકાર ભાવ તેનો આદર
ધર્માત્માને ન હોય. આ રીતે પરીક્ષાથી ધર્માત્માને ઓળખ્યા વગર, માત્ર બાહ્ય સામગ્રીનો ત્યાગ જોઈને જે
આદર કરે છે તે ધર્મનો આદર નથી પણ બાહ્ય ત્યાગનો આદર કરે છે, તેને ધર્મના સ્વરૂપની ઓળખાણ નથી.
પોતે બાહ્ય સગવડો છોડી શકતો નથી અને સામાને બાહ્ય સામગ્રીનો ત્યાગ દેખાય છે તેથી તે બાહ્ય ત્યાગનો
આદર કરી રહ્યો છે. પરંતુ અંદરમાં શું ફેર છે તે જાણતો નથી. બાહ્યમાં ત્યાગ હોવા છતાં જે શુભભાવથી લાભ
થવો માને છે તેને અંદરમાં જે ભાવે બાહ્ય સામગ્રી મળે તે પુણ્યભાવનો આદર છે–અને જેને પુણ્યનો આદર છે
તેને પુણ્યના ફળનો પણ આદર હોય જ. માટે તે જીવ ધર્માત્મા નથી.
ધર્મ ચીજ અપૂર્વ છે, પુણ્ય–પાપથી પાર છે. પુણ્યપાપ બંને સરખાં છે, ધર્મી જીવ શ્રદ્ધામાં તે બંનેને સરખાં
ગણે છે અર્થાત્ તે બંનેને હેય ગણે છે–પણ પાપ ખરાબ અને પુણ્ય સારૂં એમ તેઓ માનતા નથી. ધર્મીને પાપી
જીવ ઉપર તિરસ્કાર નથી તેમ જ પુણ્યવંત જીવને દેખીને ધર્મી રાજી થતા નથી–કેમકે તે બંને વિકારનું ફળ છે;
ધર્માત્માએ પુણ્ય–પાપને વિકારી તરીકે અંતરમાં જાણ્યા છે, તેથી વિકાર ભાવના કરનાર અને તેના ફળને
ભોગવનાર બંને ઉપર સમભાવ છે. તેમ જ અસ્થિરતાના કારણે પોતાને પુણ્ય–પાપના ભાવ થઈ જાય તેનો પણ
ધર્મીને આદર હોતો નથી. જો કે તેઓ પાપભાવથી બચવા શુભભાવ કરે છે પરંતુ તે ભાવનો તેમને અંતરથી
આદર નથી. આ જ ધર્મીનું લક્ષણ છે કે તેઓ પુણ્ય–પાપ રહિત આત્માના શુદ્ધ જ્ઞાયક સ્વભાવને જાણતા હોવાથી
પુણ્ય કે પાપ ભાવનો તેમને આદર હોતો નથી.
ધર્માત્માને વંદન કરવામાં ઉપરનું સ્વરૂપ સમજવાની જવાબદારી વંદન કરનારની છે. જો ઉપર પ્રમાણે
ધર્મનું સ્વરૂપ સમજ્યા વિના વંદન કરે તો તે વંદન ધર્માત્માને કર્યું નથી, કેમકે ધર્માત્માનું સ્વરૂપ સમજ્યા વિના
તેને વંદન કેવી રીતે કરે?
ઉપરના લખાણનો ટૂંક સાર
૧–પુણ્ય કરતાં ધર્મ જુદી ચીજ છે. ૨–બાહ્ય ત્યાગ તે ધર્માત્માનું લક્ષણ નથી.
૩–જેને વંદન કરે તેનું સ્વરૂપ જાણવું જોઈએ. ૪–પુણ્ય–પાપ બંને ધર્મ દ્રષ્ટિમાં સમાન છે. કેમકે બંને વિકાર છે.
પ–વંદનીક અને વંદન કરનાર એ બંનેને શ્રદ્ધામાં પુણ્યનો આદર હોવો જોઈએ નહિ, તો જ તે સાચું વંદન હોઈ શકે.
૬–ધર્માત્માનું અંતર સ્વરૂપ જાણ્યા વગરના નમસ્કાર સાચા હોઈ શકે નહિ.
• પર્યુષણ પર્વ •
મુમુક્ષુઓની સગવડતા ખાતર, સુવર્ણપુરીમાં દર વર્ષે જે રીતે
પર્યુષણ ઉજવાય છે તે રીતે શ્રાવણ વદ ૧૩ થી
ભાદરવા સુદ પ સુધી ઉજવાશે.