કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૭ :
એવી ઊંધી માન્યતાનું વેદન પડ્યું જ છે, જો અસંયોગી આત્મસ્વભાવને જાણે તો ઊંધી માન્યતાના દુઃખનું વેદન
ટળે. જીવના વિકાર પરિણામ અનુસાર જડ–કર્મો સ્વયં બંધાય છતાં તેની સાથે જીવને કર્તા કર્મ સંબંધ નથી.
અજ્ઞાન દશામાં પણ જીવ જડ કર્મને કરતો કે ભોગવતો નથી પણ પોતાના વિકારીભાવને કરે છે અને તેના
ફળરૂપ આકુળતાના દુઃખને ભોગવે છે.
અપૂર્વ પુરુષાર્થ
જેણે સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદી નહિ કરેલો એવો અનંતો સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન
પ્રગટ કર્યું છે અને એ રીતે સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ કોઈ પણ સંયોગોમાં, ભયથી, લજ્જાથી,
લાલચથી કે કોઈપણ કારણથી અસતને પોષણ નહિ જ આપે........એ માટે કદાચ કોઈ વાર દેહ છૂટવા સુધીની
પ્રતિકૂળતા આવી પડે તો પણ તે સતથી ચ્યૂત્ નહિ થાય–અસત્નો આદર કદી નહિ કરે...સ્વરુપના સાધકો
નિઃશંક અને નિડર હોય છે. સત્ સ્વરૂપની શ્રદ્ધાના જોરમાં અને સત્ના માહાત્મ્ય પાસે તેને કોઈ પ્રતિકૂળતા છે
જ નહિ. જો સતથી જરાપણ ચ્યૂત થાય તો તેને પ્રતિકૂળતા આવી કહેવાય, પણ જે ક્ષણેક્ષણે સતમાં વિષેશ
વિષેશ દ્રઢતા કરી રહ્યો છે તેને તો પોતાના બેહદ પુરુષાર્થ પાસે જગતમાં કાંઈ પણ પ્રતિકૂળ જ નથી. એ તો
પરિપૂર્ણ સતસ્વરૂપ સાથે અભેદ થઈ ગયો–તેને ડગાવવા ત્રણ જગતમાં કોણ સમર્થ? અહો! આવા સ્વરૂપના
સાધકોને ધન્ય છે!!
દ્રવ્યત્વગુણ
પ્રશ્ન:–જ્ઞાનીઓ કહે છે કે ‘શરીર વગેરે પરવસ્તુના પરિણમનનો આત્મા કર્તા નથી, પણ તે વસ્તુઓ
સ્વતંત્રપણે પરિણમ્યા કરે છે.’ પરંતુ શરીર વગેરે પદાર્થો તો જડ છે, તેમાં જ્ઞાન નથી, તો જ્ઞાન વગર તેઓનું
પરિણમન કેમ થાય? માટે જ્ઞાનવાળો જીવ તેનું પરિણમન કરે છે.
ઉત્તર:–જ્ઞાન હોય તો જ વસ્તુનું પરિણમન થાય એમ નથી, કેમકે પરિણમન તે જ્ઞાનગુણનું કાર્ય નથી
પણ દ્રવ્યત્વગુણનું કાર્ય છે. વસ્તુમાં અનંતગુણો છે, જ્ઞાનગુણ અને દ્રવ્યત્વગુણ એ બંને જુદા છે. ‘જ્ઞાન’ તે
જીવદ્રવ્યનો વિશેષ ગુણ છે અને તે જાણવાનું કાર્ય કરે છે. ‘દ્રવ્યત્વ’ તે સામાન્યગુણ છે અને તે જગતના બધા
દ્રવ્યોમાં રહેલો છે, દ્રવ્યત્વ ગુણનું કાર્ય પરિણમન છે. બધા દ્રવ્યોનો દ્રવ્યત્વગુણ જુદો હોવાથી બધા દ્રવ્યોનું
પરિણમન જુદું છે.
જ્ઞાન અને દ્રવ્યત્વ એ બંને ગુણ જુદા હોવાથી બન્નેનું કાર્ય સ્વતંત્ર છે, તેથી જ્યારે જીવના જ્ઞાનની
અવસ્થા ઊંધી હોય અર્થાત અજ્ઞાનરૂપ હોય ત્યારે પણ દ્રવ્યત્વગુણને કારણે તેનું પરિણમન તો સ્વતંત્રપણે જ
થાય છે. કોઈ પર વસ્તુ જીવને અજ્ઞાનરૂપે પરિણમાવતી નથી; આ જીવ દ્રવ્યની વાત કરી. હવે પુદ્ગલ દ્રવ્યમાં
જ્ઞાન ગુણ નથી, પરંતુ તેમાં દ્રવ્યત્વ ગુણ તો છે. તે દ્રવ્યત્વગુણની શક્તિથી જડવસ્તુનું પરિણમન સ્વતંત્રપણે
તેના પોતાના કારણે સમયે સમયે થયા જ કરે છે, તેનો કર્તા કોઈ બીજો નથી.
જગતના દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વગુણ હોવાથી દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર જ છે, કોઈ બીજું દ્રવ્ય તેને
પરિણમાવતું નથી. એટલે કે એક વસ્તુ બીજી વસ્તુનું કિચિંત પણ કરી શકતી નથી. ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ
કરે છે’ એમ જે માને છે તે વસ્તુના દ્રવ્યત્વગુણને જાણતા નથી અને જે ગુણને જાણતા નથી તેણે વસ્તુનુ સ્વરૂપ
પણ જાણ્યું જ નથી, તેથી તેની માન્યતા ખોટી છે. આથી નીચેના પાંચ મહા સિદ્ધાંતો સિદ્ધ થાય છે.
૧–અનાદિથી માંડીને આજ સુધી કોઈ પર જીવને કે જડને કિચિંત માત્ર લાભ કે નુકશાન કોઈ જીવે
કર્યું નથી.
૨–અનાદિથી આજ સુધી કોઈ પર જીવે કે જડ વસ્તુએ કોઈ જીવને લાભ કે નુકશાન કર્યું નથી.
૩–અનાદિથી આજ સુધી અજ્ઞાની જીવોએ પોતામાં સતત એકલો નુકશાનનો ધંધો કર્યો છે અને જ્યાં
સુધી આત્માની સાચી સમજણ નહિ કરે ત્યાં સુધી તે નુકશાનનો ધંધો ચાલ્યા કરશે.
૪–જીવે અનાદિથી જે નુકશાન કર્યું છે તે નુકશાન પોતાની ક્ષણિક અવસ્થામાં થયું છે, ત્રિકાળી વસ્તુમાં
નુકશાન થયું નથી.
૫–આ પ્રમાણે જાણીને જીવ પોતાના ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ ધુ્રવસ્વભાવ તરફ લક્ષ કરે તો શુદ્ધતા પ્રગટે
અને અશુદ્ધતા ટળે–એટલે કે અનાદિનું નુકશાન ટળે અને અટળ લાભ થાય.