Atmadharma magazine - Ank 026
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
માગશર : ૨૪૭૨ આત્મધર્મ : ૫૫ :
યાદ કરતો નથી પણ દ્રષ્ટિના જોરથી પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરીને [ભૂત ભવિષ્યની પર્યાયને દ્રવ્યમાં
વર્તમાન સમાવીને] સિદ્ધદશાને વર્તમાનરૂપ જ કરે છે.
૧૫. આ અપૂર્વ ભાવો કહેવાયા છે, આ ભાવોને આત્મા સાથે પરિણમાવવા જેવા છે, આત્માના ભાવ
સાથે આ ભાવોને ગોઠવી દેવા. જેને સિદ્ધ ભગવાનની બધા ભવિષ્યકાળની પર્યાયના સામર્થ્યની કબુલાત આવી
તેને સ્વપર્યાયના સ્વસન્મુખપણાવડે વિકલ્પ તૂટયા વગર રહે નહિ. મહોત્સવ કરતાં પ્રથમ સ્વભાવનો મહિમા
આવવો જોઈએ. સ્વભાવને ભૂલીને એકલો બહારનો મહિમા કરે તે આત્માને લાભનું કારણ નથી. પણ
સ્વભાવના મહિમા સહિત બહારમાં પણ મહોત્સવ ઊજવે એમાં તો ઉપાદાન–નિમિત્તનો મેળ છે. પોતાના
સ્વભાવનો મહિમા કરે ત્યાં બહારમાં પણ ભગવાનના નિર્વાણકલ્યાણક મહોત્સવ વગેરે નિમિત્તો હોય છે. એક
પોતાના સિદ્ધ સ્વભાવને કબુલતાં અનંત સિધ્ધોની કબુલાત તેમાં આવી ગઈ છે; આ સામર્થ્ય જ્ઞાનની કળાનું છે,
બહારના ઠાઠ–માઠનું નથી.
૧૬. લાખો–કરોડો મનુષ્યો આજના દિવસનો મહિમા કરે છે, અને ‘અહો! આજ પ્રભુજી મુક્ત થયા’
એમ ઘણાને પરનો મહિમા આવે છે, પરંતુ તે સર્વેને જાણનાર એવા પોતાના જ્ઞાન સામર્થ્યનું મહાત્મ્ય આવતું
નથી. પોતાનું જ્ઞાન સામર્થ્ય પોતાના ખ્યાલમાં તો આવે છે પરંતુ અંતરમાં પોતે તેનો વિશ્વાસ કે રુચિ કરતો
નથી, પરિણતિને સ્વસામર્થ્ય તરફ વાળતો નથી પણ પરનો મહિમા કરવામાં અટકે છે તેથી જ કેવળજ્ઞાનદશા
પ્રગટતી નથી.
૧૭. ખરી રીતે દરેક વખતે જ્ઞાનની જ ક્રિયા થાય છે. જ્યાં જ્યાં મન–વચન–કાયાની ક્રિયા થાય છે ત્યાં
ત્યાં સર્વત્ર જ્ઞાનની ક્રિયા થાય છે. મન, વચન, કાયા તો જડ છે. ભગવાન પ્રત્યે મનથી વિકલ્પ, વચનથી સ્તુતિ
કે શરીરથી વંદન થાય છે તેમાં કયા ટાણે જ્ઞાનનું કાર્ય નથી? કયા આત્મપ્રદેશે જ્ઞાનનું કાર્ય નથી? દરેક વખતે
જ્ઞાન તો સર્વ આત્મપ્રદેશે પોતાનું જ કાર્ય કરે છે, જ્ઞાન સર્વવ્યાપક છે, વિકલ્પ વખતે પણ તેનાથી જુદું રહીને તે
પોતાનું કાર્ય કરે છે. ભગવાન તરફના લક્ષ વખતે જ્ઞાન ખરેખર તો ભગવાનને જાણતું નથી પણ ભગવાનનો
નિર્ણય કરનાર જે જ્ઞાન સામર્થ્ય છે તે જ્ઞાનસામર્થ્યને જ પોતે જાણે છે. જે જ્ઞાનના ખ્યાલમાં ભગવાનનું સામર્થ્ય
આવ્યું તે જ્ઞાનના સામર્થ્યનું જેને માહાત્મ્ય ન આવે તે અંતર સન્મુખતા કરીને ભગવાન શી રીતે થાય? સ્વરૂપ
સન્મુખ થઈને જુએ તો દરેક વખતે પોતાના જ્ઞાનનું જ પોતે માહાત્મ્ય કરે છે, ક્યારેય પરનું માહાત્મ્ય કરતો
નથી. પોતાના જ્ઞાનમાં સિદ્ધ પર્યાયની પ્રતીત કરીને તેને જ જે ધન્ય માને તે બીજા કોઈને પણ ધન્ય કેમ માને?
જેણે સિદ્ધદશા અને કેવળજ્ઞાનને ધન્ય માન્યાં તે ઈન્દ્રની સામગ્રીને, રતનના દીપકોને, પુણ્યના વિકલ્પ વગેરે
કોઈને પણ ધન્ય માને નહિ.
૧૮. આજ તો પૂર્ણાનંદી સ્વરૂપ પ્રસન્ન થઈને કેવળજ્ઞાન પ્રગટે તે ધન્ય છે, પુણ્યથી સ્વભાવની મોટપ
નથી. શું ધર્મનું ફળ પુણ્ય હોય? જેમ છ ખંડનો ધણી ચક્રવર્તી રાજા રીઝે અને પ્રસન્ન થઈને કહે કે મારા સરખું
કોઈ કામ બતાવ! માગ, જેટલું જોઈએ તેટલું માગ! તું જે માગ તે હું આપવા સમર્થ છું માટે મારી પાસેથી
માગવું હોય તે માગ. આમ ચક્રવર્તી રાજા પ્રસન્ન થાય અને માગવાનું કહે ત્યારે તેને કહે કે “આ મારા
આંગણાનું વાસીદું કાઢી નાખ”–એ તે કાંઈ માગ્યું કહેવાય? અરે ભાઈ! તેં શું માગ્યું? વાસીદા કાઢવાનાં કામ તે
શું ચક્રવર્તી રાજા પાસેથી લેવાતાં હશે? તેમ અહીં આખો આત્મસ્વભાવ પ્રસન્ન થાય છે; કોને પ્રસન્ન થાય છે?
જે જીવે સિધ્ધ ભગવાનનો નિર્ણય કર્યો અને પોતાના તેવા પરિપૂર્ણ સ્વભાવનો નિર્ણય કર્યો તે જીવને સ્વભાવ
પ્રસન્ન થાય છે. જ્યાં સ્વભાવને નિર્ણયમાં લીધો ત્યાં પૂર્ણ સ્વભાવ પ્રસન્ન થઈને કહે છે કે, માગ! માગ!
જે દશા જોઈએ તે આપવા તૈયાર છું, તારાથી થવાય તેટલો થા, જેટલી હદે થવું હોય તેટલી હદે થા, પૂરું
સિધ્ધપદ માગ! હું આ જ ક્ષણે તે તને દઊં...આ રીતે જે પર્યાયરૂપે પોતે થવા માગે તે પર્યાય સ્વભાવમાંથી
પ્રગટી શકે છે. જ્યાં આખો સ્વભાવ રીઝયો છે ત્યાં કેવળજ્ઞાન અને સિધ્ધપદરૂપે થવાને બદલે “મારે તો પુણ્યરૂપે
થાવું છે” એમ જે કહે છે તેને માગતા જ નથી આવડયું. ચક્રવર્તીને વાસીદાનું કહે તેમ પૂર્ણ જ્ઞાન સ્વભાવ પાસેથી
તે વિકારનાં ફોતરાંની માગણી કરી! ભાઈરે! તેં શું માંગ્યું? પૂર્ણ સ્વભાવને જેણે નથી જાણ્યો તે પુણ્યની માગણી
કરે છે, પૂર્ણ સ્વભાવમાં તો એક સમયમાં કેવળજ્ઞાન અને સિધ્ધપદપણે થવાની તાકાત છે, તારાથી થવાય તેટલો
થા, પુણ્યપણે થવું છે એમ ન માગ, સિધ્ધપણે થવાની ભાવના કર, અને જેટલો થઈ શક તેટલો થા, અસ્થિરતા
રહી જાય તેને જાણ, પણ તે રૂપે થવાની ભાવના ન કર....!