Atmadharma magazine - Ank 026
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 17

background image
માગશર : ૨૪૭૨ આત્મધર્મ : ૫૭ :
૨૬. જેણે એક આત્માની પરિપૂર્ણ દશા જ્ઞાનમાં કબુલી તેણે પોતાના જ્ઞાનમાં અનંતા સિદ્ધ આત્માઓનો
સ્વીકાર કર્યો અને પોતાનું પણ તેવું જ સ્વરૂપ છે એમ કબુલ્યું એટલે તેણે ભંગ–ભેદનો નકાર કર્યો. “જેવી મારા
જ્ઞાનમાં જણાણી છે તેવી જ સિદ્ધદશા સ્વરૂપે પરિણમવું તે જ મારો સ્વભાવ છે, ઊણીદશા કે ભંગભેદરૂપે
પરિણમવું તે મારૂં સ્વરૂપ નથી; સિદ્ધને હું જાણું છું એમ બોલાય છે પણ ખરેખર તો હું મારી જ પર્યાયને જાણું છું
તેમાં તેઓ જણાઈ જાય છે–એવું મારૂં સામર્થ્ય છે” આમ સ્વનું બહુમાન આવવું જોઈએ.
૨૭. દરેક જીવ જો કે પોતાની જ પર્યાયના સામર્થ્યને જાણે છે પરંતુ તેને પોતાના જ્ઞાનનો ભરોસો
આવતો નથી તેથી તે પરનું બહુમાન કરવામાં રોકાય છે અને સ્વને ભૂલી જાય છે; પરંતુ “હું મારા
જ્ઞાનસામર્થ્યને જાણું છું, પરને હું ખરેખર જાણતો નથી, અને મારૂં જ્ઞાનસામર્થ્ય તો પરિપૂર્ણ છે.” એમ સ્વનો
મહિમા આવે તો કોઈ પરનો મહિમા આવે નહિ. આત્મા પોતે અસંખ્ય પ્રદેશે અનંત ગુણનો પિંડ છે, તેને
સંભારતાં તે આખો પિંડ પર્યાયમાં આવી જાય છે. એક સમયની અવસ્થામાં અનંત ગુણનો પિંડ વર્તમાનરૂપ
આવી જાય છે અને તેનો એક સમયમાં ખ્યાલ કરનાર મારી પર્યાય છે. આ રીતે જ્ઞાનની પોતાની અવસ્થાના
સામર્થ્યના ગાણાં ગવાણાં છે.
૨૮. અહો! આજ તો અપૂર્વ ભાવો આવ્યા છે, આત્મામાં આ ભાવોને ઓગાળવા જેવા છે. પોણી કલાક
એકધારી અપૂર્વ વ્યાખ્યા આવી છે, આવી સરસ વાત કોઈ વખતે થઈ નથી. આજે તો કોઈ જુદી જ જાતથી
ઘૂંટાણું છે...અલૌકિક અમૃત નીકળ્‌યું છે..........આ રીતે અપૂર્વ મંગળિક થયું...........
પાત્રતાનું પહેલું પગથિયું ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વનો : : : ત્યાગ
રા. મા. દોશી
મિથ્યાત્વનો અર્થ
પ્રથમ આપણે મિથ્યાત્વ એટલે શું અને મિથ્યાત્વ કોને કહેવાય, તેનું વાસ્તવિક લક્ષણ (ચિહ્ન) શું છે તે
વિચારીએ.
મિથ્યાત્વમાં બે શબ્દો રહેલાં છે. (૧) મિથ્યા અને (૨) ત્વ. મિથ્યા એટલે ખોટું અને ત્વ એટલે પણું.
એટલે કે ખોટાપણું, ફોગટપણું, જુઠાપણું, ઊંધાપણું, વિપરીતપણું આદિ અનેક મિથ્યાત્વના અર્થો થાય છે.
અહીં જીવમાં પોતામાં મિથ્યાપણું–ઊંધાપણું શું છે તે જોવાનું છે. કારણ કે જીવને અનાદિ કાળથી દુઃખ
થયા કરે છે અને તેને અનાદિથી મટાડવાનો પ્રયત્ન પણ તે કરે છે, પણ તે મટતું કે ઓછું થતું નથી. વળી તે દુઃખ
સમયે સમયે અનંતુ છે અને અનેક પ્રકારનું છે. પૂર્વના પુણ્યના યોગે કોઈ એક સામગ્રીનો સંયોગ થતાં કોઈ એક
પ્રકારનું દુઃખ ઓછું થયું હોય એમ તેને લાગે છે પણ વાસ્તવિક રીતે જોઈએ તો ખરેખર તેને દુઃખ ઓછું થયું
નથી કારણ કે જ્યાં એક પ્રકારનું દુઃખ ગયું ન હોય ત્યાં તો બીજા દુઃખની લાળ થયા જ કરે છે.
હવે મૂળભૂત ભૂલ વગર દુઃખ હોય નહિ, દુઃખ છે તેથી ભૂલ પણ છે જ અને તે ભૂલ જ આ મહાદુઃખનું
કારણ છે વળી જો તે ભૂલ નાની હોય તો દુઃખ થોડું અને અલ્પકાળનું હોય, પણ મોટી ભૂલ છે તેથી દુઃખ મોટું
અને અનાદિનું છે. હવે દુઃખ તો અનાદિકાળનું છે–અનંતુ છે માટે એમ નક્કી થયું કે મિથ્યાત્વ એટલે કે જીવ
સંબંધીની ઊંધી સમજણરૂપ–ભૂલ મોટામાં મોટી અને અનંતી છે કેમકે જો ભયંકર ભૂલ ન હોય તો ભયંકર
દુઃખ ન હોય. મહાન ભૂલનું ફળ તે મહાન દુઃખ છે; માટે મહાન દુઃખ ટાળવાનો સાચો ઉપાય મહાન ભૂલ
ટાળવી એ છે.
દુઃખ છે તે નક્કી કરીએ
કોઈ કહે કે જીવને દુઃખ કેમ કહેવાય? પૈસા, ખાવાપીવાની સગવડ, જોઈએ તે મળતું હોય છતાં તેને
દુઃખી કેમ કહેવાય?
તેને ઉત્તર:–ભાઈ! તને પરવસ્તુ મેળવવાની ઈચ્છા થાય છે કે નહિ? મને પર સામગ્રી, પૈસા વગેરે હોય
તો ઠીક! એ બધા હોય તો મને સુખ થાય એવી તને અંતરથી ઈચ્છા થાય છે કે નહિ! બસ! ઈચ્છા થાય છે