ATMADHARAM With the permissdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31-10-44
શક્તિ પ્રાપ્ત કરી હોવા છતાં, તેનો સદુપયોગ કરવાને બદલે અનાદિના અગૃહીત મિથ્યાત્વ સાથે નવું લફરૂં
લગાડી તેને પોષણ આપ્યું તેનું ફળ જ્યાં વિચારશક્તિનો અભાવ છે એવી હલકી દશા જીવને પ્રાપ્ત થાય.
પોતાની વિચારશક્તિને ગીરો મૂકીને, બાપ જો કુદેવને માને તો પોતે પણ તેને માને–એમ ધર્મના નામે અનેક
પ્રકારે ઊંધી ઊંધી માન્યતાઓ મનવાળા જીવો પોષે છે. અર્થાત્ પોતાની મનની શક્તિનો ઘાત કરે છે–પોતે
પોતાના માટે નિગોદની તૈયારી કરે છે –જેમ નિગોદના જીવને વિચારશક્તિ નથી તેમ ગૃહીતમિથ્યાત્વી જીવ
પોતાની વિચારશક્તિનો દુરુપયોગ કરી–પોતાની વિચારશક્તિનો ઘાત કરી, જ્યાં વિચારશક્તિ નથી એવા
નિગોદની તૈયારી કરે છે.
દેવમૂઢતા–સાચો ધર્મ સમજાવનાર કોણ હોઈ શકે તેની વિચારશક્તિ હોવા છતાં તેનો નિર્ણય કર્યો નહિ.
(દેવ = પુણ્યના ફળના–સ્વર્ગના દેવ નહિ પણ જ્ઞાનની દિવ્યશક્તિ ધરાવે તે સર્વજ્ઞદેવ.)
પોતાને ઊંધુ જ્ઞાન હોવાથી જેને સાચું પૂરું જ્ઞાન થયું છે તેવા દિવ્યશક્તિવાળા દેવ પાસેથી સાચું જ્ઞાન
મળી શકે. પરંતુ જીવ તેને ઓળખતો નથી અને દેવના સંબંધમાં એટલે કે સંપૂર્ણ સાચું જ્ઞાન કોને પ્રાપ્ત થયું છે
તેના સંબંધમાં તે મૂર્ખતા ધારણ કરે છે એટલે કે દેવ સંબંધમાં પણ પોતાની વિચારશક્તિનું મહાન દેવાળું કાઢે છે.
તે દેવમૂઢતા છે.
ગુરુમૂઢતા–માંદો માણસ ડોકટરની તપાસ કરે કે કયા ડોકટરની દવા લઈશું તો રોગ મટશે! કુંભારને ત્યાં
તાવડી લેવા જાય ત્યાં ત્રણ ટકોરા મારી તાવડીની પરીક્ષા કરે, વિગેરે અનેક સંસારના પ્રસંગોમાં પરીક્ષા કરે,
પણ અહીં આત્મામાં અજ્ઞાનનો નાશ કરવા માટે અને દુઃખ ટાળવા માટે કોણ નિમિત્ત (ગુરુ) થઈ શકે તેનો
પરીક્ષાદ્વારા નિર્ણય કરવામાં વિચારશક્તિને લગાવતો નથી અને બાપે કહ્યું તે પ્રમાણે અથવા કુળની પરંપરા
પ્રમાણે આંધળી દોડે માને છે. તે જીવની ગુરુમૂઢતા છે.
આ પ્રમાણે જીવ કાંતો વિચારશક્તિનો ઉપયોગ કરતો નથી. અને ઉપયોગ કરવા જાય છે તો ઉપર કહ્યા
પ્રમાણે (૧) લોકમૂઢતા, (૨) દેવમૂઢતા અને ગુરુમૂઢતા ત્રણ રીતે લૂંટાઈ જાય છે. કુગુરુ તો કહે કે દાન દેશો તો
ધર્મ થશે, પણ ભલા! એવું તો ગામના ભંગીઆ પણ કહે છે કે ‘મા બાપ! એક બીડી આપશો તો ધર્મ થશે’
એમાં કુગુરુએ અપૂર્વ શું કીધું? વળી શીલનો ઉપદેશ બાપ પણ આપે છે. તો પછી બાપ પણ ધર્મ ગુરુ ઠરે.
નિશાળમાં પણ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય સેવવાનું કહેવાય છે તો પછી નિશાળના માસ્તર ધર્મગુરુ ઠરે અને
નિશાળના પુસ્તકો ધર્મશાસ્ત્ર ઠરે–પણ તેમ બનતું નથી. ધર્મનું સ્વરૂપ અપૂર્વ છે.
‘અપવાસ’ થી ધર્મ માને પરંતુ અપવાસ શબ્દનો અર્થ જ ન સમજે. અપ=માઠો અને વાસ=રહેવું. હવે
ઊંધો વાસ કરવાથી કાંઈ ધર્મ થતો હશે? વળી કોઈ કહે કે મૂળ શબ્દ ‘ઉપવાસ’ છે–તો પણ ત્યાં ઉપવાસનો અર્થ
‘રોટલા ન ખાવા’ એમ માને છે પણ તે જૂઠું છે. ઉપવાસ શબ્દનો ભાવ ઉપવાસ કરવાનું માનનાર કે કહેનાર
સમજતાં ન હોય ત્યાં ધર્મ કેમ થાય? અનાજનો સંયોગ શરીરને ન થયો એમાં ઉપવાસ માની લીધો, પણ જીવ
તો કદી રોટલા ખાતો નથી બહુ તો જીવ અજ્ઞાનદશામાં અજ્ઞાન અને દુઃખ ખાય છે [ભોગવે છે]. જ્ઞાનદશામાં
સાચું જ્ઞાન અને તેનું અવિનાભાવી સુખ ભોગવે છે.
ત્રણ પ્રકારની મૂઢતામાં ગુરુમૂઢતા વિશેષ છે. તેમાં ધર્મને નામે પોતે અધર્મ કરતો હોય છતાં તેમાં ધર્મ
માને છે. દા. ત. દુકાને બેઠેલો માણસ હું અત્યારે સામાયિક–ધર્મ કરૂં છું એમ ન માને પણ ધર્મસ્થાને આવીને
પોતે માનેલા ગુરુ કે વડીલે કહેલા અમુક શબ્દો બોલી જાય કે જેના અર્થ પણ પોતે જાણતો ન હોય તેમાં
સામાયિક ધર્મ કર્યો એમ તે જીવ માને છે, વળી શુભ ભાવ હોય તો પુણ્ય થાય અને તે શુભમાં ધર્મ માન્યો–
એટલે ત્યાં અધર્મને ધર્મ માન્યો છે તે જ ગૃહીત મિથ્યાત્વ છે.
ગૃહીત મિથ્યાત્વ એટલે પોતે વિચારશક્તિવાળો થયા પછી નવાં લફરાં ગ્રહણ કર્યા છે. અહીં ભૂલ–
મિથ્યાત્વ સંબંધી આપણે બે વાત કરી, (૧) અનાદિથી ચાલ્યું આવતું પુણ્યથી ધર્મ થાય અને શરીરનું કાર્ય હું
કરી શકું એ માનવારૂપ ઊંધી માન્યતા તે અગૃહીતમિથ્યાત્વ છે. (૨) લોકમૂઢતા, દેવમૂઢતા અને ગુરુમૂઢતાના
સેવનથી કુદેવ–કુગુરુદ્વારા જીવ ઊંધી માન્યતાને પોષણ આપનારાં લફરાં ગ્રહણ કરે છે તે ગૃહીત મિથ્યાત્વ છે.
સાચા દેવ–ગુરુ–ધર્મની તેમ જ પોતાના આત્મસ્વરૂપની સાચી સમજણ દ્વારા એ બંને મિથ્યાત્વને ટાળ્યા વગર
જીવ કદી પણ સમ્યકત્વ પામી શકે નહિ, અને સમ્યગ્દર્શન વગર કદી ધર્માત્માપણું થાય નહિ; માટે ધર્માત્માને
પ્રથમ ભુમિકામાં જ ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વનો ત્યાગ તો જરૂર હોય જ.