Atmadharma magazine - Ank 027
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૬૮ : આત્મધર્મ : પોષ : ૨૪૭૨ :
રાગ ટાળવો એ જ પોતાનું કર્તવ્ય છે, પણ સામા જીવનું દુઃખ મટાડવાનું કર્તવ્ય આ જીવ કરી જ શકતો નથી. જો
પર જીવને દુઃખી દેખીને દયાનો રાગ આવતો હોય તો કેવળી પણ તેને દેખે છે માટે તેમને પણ દયાનો રાગ
આવવો જોઈએ, પરંતુ તેમ કદી થતું જ નથી. કેમકે પર જીવના કારણે રાગ થતો નથી. વળી સામો જીવ દુઃખી
હોય ત્યાં સુધી તેના ઉપરનો રાગ ટળે નહિ એમ પણ નથી. સામો જીવ દુઃખી હોવા છતાં પોતે પોતાના
જ્ઞાયકસ્વભાવમાં રહીને વીતરાગ થઈ શકે છે. જીવને અસ્થિરતા વખતે બીજા જીવને દુઃખી ન કરવાના શુભભાવ
આવે છે તે શુભભાવ પરને માટે નથી પરંતુ પોતાનું જોડાણ તીવ્રરાગમાં ન થઈ જાય તે માટે–તીવ્ર અશુભથી
બચવા માટે પોતે શુભરાગ કરે છે, ત્યાં જેટલો રાગ ટળ્‌યો તેટલો પોતાને લાભ છે અને જે કાંઈ રાગ રહ્યો છે
તેનું પોતાની અવસ્થામાં નુકશાન છે, અને સંપૂર્ણ જ્ઞાનસ્વભાવમાં રાગનો સર્વથા અભાવ છે એવા સ્વભાવની
પ્રતીત અને સ્થિરતાના જોરે તે રહેલો રાગ પણ અલ્પકાળમાં ટળીને મુક્ત દશા થઈ જવાની..!
આ હું આત્મા જ્ઞાન–આનંદમૂર્તિ છું, કોઈ પર સાથે મારે સંબંધ નથી, વિકાર વખતે પણ મારું જ્ઞાન
તેનાથી જુદું ને જુદું રહે છે આમ જો પોતાના સ્વરૂપની પ્રતીત અને સ્થિરતા જીવ કરે તો તે બંધાતો નથી; અને
મારે કોઈ પણ પર સાથે સંબંધ છે કે વિકાર વખતે મારૂં જ્ઞાન પણ વિકારરૂપ થઈ જાય છે–આવી માન્યતારૂપ
અજ્ઞાન ભાવથી જ જીવ બંધાય છે, પરંતુ કોઈ પર જીવ તેને મુક્તિ કે બંધન કરી શકતો નથી. આ વાત જ્યાંસુધી
બરાબર ન સમજાય ત્યાંસુધી પ્રથમ જ આ નિર્ણય કરવાનો પ્રયત્ન વારંવાર કર્યા કરવો. આમાં આચાર્ય
ભગવાને બંધભાવ અને અબંધ ભાવને ઓળખાવીને ભેદજ્ઞાન કરાવ્યું છે. પોતાના અબંધ સ્વભાવને લક્ષમાં
લઈ સાચી શ્રદ્ધા–સાચું જ્ઞાન અને સ્વરૂપ–રમણતા કરી જીવ મુક્તદશારૂપે પરિણમે છે.
“અહો! આચાર્ય ભગવંતોએ મહાન–મહાન શાસ્ત્રોની રચના કરી જગતના જીવો ઉપર પરમ ઉપકાર
કર્યો છે.” આમ વિનયથી બોલાય છે પરંતુ ખરી રીતે જીવોના કારણે આચાર્યોએ શાસ્ત્રોની રચના કરી નથી,
કેમકે કોઈ જીવની અસર પર જીવો ઉપર પડે જ નહિ. ત્યારે પછી એ પ્રશ્ન થાય છે કે આચાર્યોએ શા માટે શાસ્ત્રો
રચ્યાં? તેનો ઉત્તર આ છે––આચાર્ય ભગવંતો આત્મ સ્વરૂપ રમણતામાં સાતમા–છઠ્ઠા ગુણસ્થાને ઝુલતા
હતા...જ્યારે પોતે પોતાના સ્વરૂપાનુભવમાં નિર્વિકલ્પપણે ટકી નથી શકતા ત્યારે તેમને વિકલ્પ ઊઠે છે અને તે
છઠ્ઠી ભૂમિકાને યોગ્ય મુખ્યત: શાસ્ત્રરચનાનો વિકલ્પ ઊઠે છે કેમકે આચાર્યદેવને પોતાનું જ્ઞાન કાયમ ટકાવીને
અત્રૂટ જ્ઞાનધારાથી કેવળજ્ઞાન પ્રગટાવવાની ભાવના છે, તેથી નિમિત્તરૂપે બાહ્યમાં પણ જ્ઞાનપ્રવાહને અવિચ્છિન
ટકાવી રાખવાના હેતુરૂપ શાસ્ત્રની રચનાનો વિકલ્પ ઊઠે છે અને તેથી શાસ્ત્ર રચના થાય છે. જે જીવ શાસ્ત્રના
ભાવ સમજે છે તે ભક્તિથી એમ કહે છે કે અહો! આચાર્ય ભગવંતોએ શાસ્ત્ર રચીને મહાન ઉપકાર કર્યો–આમ
વિનય કરવાની રીત છે.
‘જીવો પશુ હિંસા કરતા હતા તે શ્રી ભગવાન મહાવીરે અટકાવી.’ આ કથન પણ પરમાર્થે યથાર્થ નથી.
એક જીવના પશુહિંસાના ભાવ બીજો જીવ અટકાવી શકે નહિ, પર જીવોની અવસ્થામાં ભગવાનના કારણે
ફેરફાર થયો જ નથી. પરંતુ જે જીવો પોતે યોગ્યતાવાળા હતા તેઓએ પોતાના ભાવથી કષાય ઘટાડયો અને
તેથી તેઓ પશુ હિંસાના ભાવ કરતા અટક્યા; ભગવાન મહાવીરે તેમને અટકાવ્યા નથી. પરંતુ તે જીવોને
ભગવાનનો ઉપદેશ માત્ર નિમિત્તરૂપ થયો હોવાથી, તે ઉપદેશની હાજરીનું જ્ઞાનમાત્ર કરાવવા માટે નિમિત્તથી
એમ કથન કરવામાં આવે છે કે મહાવીર ભગવાનના ઉપદેશથી પશુહિંસા અટકી; પરંતુ એક જીવ બીજા જીવના
પરિણામમાં કાંઈ જ કરી શકે નહિ એ મૂળભૂત વસ્તુસ્વરૂપને લક્ષમાં રાખીને તેના અર્થ સમજવા જોઈએ.
આ સ્વતંત્ર સત્ય છે, આવું જ વિશ્વની વસ્તુઓનું સ્વરૂપ છે અને આ સમજવું તે જ ધર્મ છે. આનાથી
વિરુદ્ધ કોઈ પણ ભાવે ધર્મ થાય જ નહિ, અને ધર્મ વગર સુખ હોય નહિ. આત્મા પોતે પોતાની રુચિ અનુસાર
પુરુષાર્થ વડે પોતાના આધારે ધર્મરૂપ થાય છે. આત્માનો ધર્મ આત્મામાં જ છે, કોઈ પરના આધારે આત્માનો
ધર્મ નથી; આ આત્મા પોતે જ ધર્મ સ્વરૂપ હોવા છતાં પોતાને પોતાના સ્વરૂપની જ અનાદિથી ખબર નથી.
શ્રદ્ધા નથી તેથી જ તેને પોતાનો ધર્મ પ્રગટ અનુભવમાં આવતો નથી. પોતાના ધર્મ સ્વરૂપમાં શંકા–વિપર્યય કે
અનિર્ણય એ જ અધર્મ છે અને તે અધર્મનું ફળ સંસાર છે; તે અધર્મને ટાળવા માટે અનંત જ્ઞાનીઓએ કહેલો
એક માત્ર ઉપાય પોતાના સ્વાધીન ધર્મસ્વભાવની ઓળખાણ જ છે. અને જે સમયે પોતાના આત્મધર્મની
ઓળખાણ કરે તે સમય આત્માનો ‘યુગધર્મ’ છે અર્થાત્ સ્વ–પર્યાય છે. ‘યુગ’ =કાળ, પર્યાય, હાલત. ‘ધર્મ’
=સ્વભાવ. પોતાની જે સ્વભાવરૂપ દશા તે જ પોતાનો ‘યુગધર્મ’ છે, કાળના કોઈ પરિણમન સાથે આત્માના
ધર્મનો સંબંધ નથી..