: માહ : ૨૪૭૨ આત્મધર્મ : ૮૫ :
દ્રવ્યમાં તે નિર્ણયની તાકાત પ્રગટી છે એટલે નિર્ણય કરનારે દ્રવ્યને પ્રતીતમાં લઈને નિર્ણય કર્યો છે. આવો
નિર્ણય કરનાર જીવ જ સર્વજ્ઞનો સાચો ભક્ત છે, તેનું વલણ પોતાના સર્વજ્ઞસ્વભાવ તરફ ઢળ્યું છે અને કયાંય
અટક્યા વગર અલ્પકાળમાં તે સપૂર્ણ સર્વજ્ઞ થશે. આનાથી વિરુદ્ધ એટલે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકે
એમ જે માને છે તેણે ૧–પોતાના આત્માને, ૨–સર્વજ્ઞના જ્ઞાનને, ૩–ન્યાયને કે ૪–દ્રવ્ય–પર્યાયને ખરેખર માન્યા
નથી. ૧–પોતાનો આત્મા પરથી ભિન્ન છે છતાં તે પરનું કરે એમ માન્યું એટલે આત્માને પરરૂપે માન્યો એટલે કે
આત્માને માન્યો જ નહિ. ૨–વસ્તુની અવસ્થા સર્વજ્ઞદેવે જોયા પ્રમાણે થાય છે તેને બદલે હું તે ફેરવી શકું એમ
માન્યું એટલે તેણે સર્વજ્ઞના જ્ઞાનને સાચું ન કબુલ્યું. ૩–વસ્તુની જ ક્રમબદ્ધ અવસ્થા થાય છે, ત્યાં નિમિત્ત કાંઈ
કરે કે નિમિત્ત ફેરફાર કરી નાંખે એ વાત કયાં રહી? નિમિત્ત પરનું કાંઈ જ કરતું નથી, છતાં મારા નિમિત્તથી
પરમાં કાંઈ ફેરફાર થાય એમ જેણે માન્યું તેણે સાચા ન્યાયને માન્યો નથી. અને ૪–દ્રવ્યની પર્યાય દ્રવ્યમાંથી જ
આવે છે તેને બદલે પરમાંથી દ્રવ્યની પર્યાય આવે છે એમ જેણે માન્યું [અર્થાત્ હું પરની પર્યાય કરૂં એમ માન્યું]
તેણે દ્રવ્ય–પર્યાયના સ્વરૂપને માન્યું નથી; આ રીતે એક ઊંધી માન્યતામાં અનંત અસત્નું સેવન આવી જાય છે.
વસ્તુમાંથી ક્રમબદ્ધપર્યાય આવે છે, તે બીજું કોઈ કરતું નથી, છતાં તે વખતે નિમિત્ત હાજર હોય છે ખરૂં,
પરંતુ નિમિત્તદ્વારા કાંઈ પણ કાર્ય થતું નથી, નિમિત્ત મદદ કરે એમ પણ નથી અને નિમિત્તની હાજરી ન હોય
એમ પણ બનતું નથી. જેમ જ્ઞાન બધી વસ્તુને માત્ર જાણે છે પણ કોઈનું કાંઈ કરતું નથી, તેમ નિમિત્ત માત્ર
હાજર હોય છે પણ ઉપાદાનને તે કાંઈ અસર, મદદ કે પ્રેરણા કરતું નથી.
જે સમયે સ્વલક્ષના પુરુષાર્થ વડે આત્માની સમ્યગ્દર્શન પર્યાય પ્રગટે તે વખતે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર
નિમિત્તરૂપ હોય જ છે.
પ્રશ્ન:–જીવને સમ્યગ્દર્શન પ્રગટવાની તૈયારી હોય અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર ન મળે તો સમ્યગ્દર્શન ન
થાય ને?
ઉત્તર:–જીવની તૈયારી હોય અને સાચા દેવ–ગુરુ શાસ્ત્ર ન હોય એ વાત બને જ નહિ. ઉપાદાનકારણ
તૈયાર થાય ત્યારે નિમિત્તકારણ સ્વયં આવી મળે છે, પરંતુ કોઈ કોઈના કર્તા નથી. ઉપાદાનના કારણે નિમિત્ત
આવ્યું નથી, તેમજ નિમિતના કારણે ઉપાદાનનું કાર્ય થયું નથી. બંને સ્વતંત્રપણે પોતપોતાના કાર્યના કર્તા છે.
અહો! વસ્તુની કેટલી સ્વતંત્રતા! સમસ્ત વસ્તુઓમાં ક્રમવર્તીપણું ચાલી જ રહ્યું છે, એક પછી એક
પર્યાય કહો કે ક્રમબદ્ધપર્યાય કહો, જે પર્યાય થવાની તે પર્યાય થયા જ કરે છે, જ્ઞાની જીવ જ્ઞાતાપણે જાણ્યા જ કરે
છે અને અજ્ઞાની જીવ કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે; જે પરનાં અભિમાન કરે છે તેની પર્યાય ક્રમબદ્ધ
હીણી પરિણમે છે અને જે જ્ઞાતા રહે છે તેની જ્ઞાન પર્યાય ક્રમબદ્ધ ખીલીને કેવળજ્ઞાન થાય છે.
વસ્તુની અનાદિ અનંત સમયની પર્યાયમાંથી એકે પર્યાયનો ક્રમ ફરે નહિ. જેટલા અનાદિ અનંતકાળના
સમય તેટલી દરેક વસ્તુની પર્યાયો છે, પહેલાં સમયની પહેલા પર્યાય, બીજા સમયની બીજી, ત્રીજા સમયની
ત્રીજી–એમ જેટલા સમય તેટલી પર્યાયો ક્રમબદ્ધ છે. જેણે આમ સ્વીકાર્યું તેની દ્રષ્ટિ એકેક પર્યાય ઉપરથી ખસીને
અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ અને પરથી તે ઉદાસ થઈ ગયો. જો કોઈ એમ કહે કે હું પરની પર્યાય કરી દઊં, તો
તેણે વસ્તુની અનાદિઅનંતકાળની પર્યાયોમાં ફેરફાર કરવાનું માન્યું એટલે કે વસ્તુસ્વરૂપને વિપરીતપણે માન્યું,
તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે.
વસ્તુ અને વસ્તુના ગુણ તો અનાદિ અનંત છે, અનાદિઅનંતકાળના જેટલા સમયો છે તેટલી તે તે
સમયની પર્યાયો વસ્તુમાંથી ક્રમબદ્ધ પ્રગટે છે. જે સમયની જે પર્યાય છે તે સમયે તે જ પર્યાય પ્રગટ થાય છે;
આડી અવળી ન થાય તેમજ પહેલાંં–પછી ન થાય. પર્યાયના ક્રમમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આ
ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતમાં તો કેવળજ્ઞાન ખડું થઈ જાય છે. આ તો દ્રષ્ટિના અજર પ્યાલા છે, તે પ્યાલા પચાવવા
માટે શ્રદ્ધા–જ્ઞાનમાં અનંત પુરુષાર્થ જોઈશે. અનાદિઅનંત અખંડ દ્રવ્યને પ્રતીતમાં લ્યે ત્યારે ક્રમબદ્ધપર્યાયની
શ્રદ્ધા થાય છે; કેમકે ક્રમબદ્ધપર્યાયનું મૂળ તો તે જ છે. જેણે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરી તે અનાદિઅનંત
પર્યાયોનો જ્ઞાયક અને ચૈતન્યના કેવળજ્ઞાનની પ્રતીતિવંત થઈ ગયો. મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ
દ્રવ્ય તરફ ઢળતાં, સાધક પર્યાયમાં અધૂરાશ રહી છે તોપણ હવે તેને દ્રવ્ય તરફ જ જોવાનું રહ્યું, અને તે દ્રવ્યના
જ જોરે પૂર્ણતા થઈ જવાની છે.
વસ્તુનું સત્ય સ્વરૂપ તો આમ જ છે, આ સમજ્યે જ છૂટકો છે! વસ્તુનું સ્વાધીન પરિપૂર્ણ સ્વરૂપ
ખ્યાલલમાં લીધા વગર પર્યાયમાં શાંતિ આવશે કયાંથી? સુખ દશા જોઈતી હોય તો એ વસ્તુસ્વરૂપ જાણવું પડશે
કે જેમાંથી સુખ દશા પ્રગટી શકે છે.