Atmadharma magazine - Ank 029
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૧૦૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
૩૦. પ્ર–મિથ્યાદ્રષ્ટિ મુનિને વધારે પાપ કે લડાઈમાં ઉભેલા સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તીને વધારે પાપ?
ઉ–મિથ્યાદ્રષ્ટિ મુનિને મિથ્યાત્વનું અનંત પાપ ક્ષણે ક્ષણે લાગે છે અને સમ્યગ્દ્રષ્ટિને લડાઈ વખતે પણ તે અનંત
પાપ તો ટળી જ ગયું છે તેથી તે બેમાંથી મિથ્યાદ્રષ્ટિ મુનિને જ વધારે પાપ છે. મિથ્યાદ્રષ્ટિને સાચું મુનિપણું હોય નહિ.
૩૧. પ્ર–જીવ અરૂપી છે અને ધર્મ–અધર્મ–આકાશ–કાળ દ્રવ્યો પણ અરૂપી છે તો પછી તેમને જીવ કેમ ન
કહેવાય?
ઉ–જીવ અરૂપી છે એ ખરૂં, પરંતુ જીવનું લક્ષણ અરૂપીપણું નથી, જીવનું લક્ષણ તો ચેતના છે; બીજા ચાર અરૂપી
દ્રવ્યોમાં ચેતના નથી માટે તે જીવ નથી.
૩૨. પ્ર– ‘કાગળમાં અક્ષર લખાણા’ ત્યાં કાગળમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ થયું કે નહિ? કઈ રીતે?
ઉ–ઉત્પાદ–વ્યય–ધુ્રવ તો બધી વસ્તુમાં હોય જ છે. કાગળમાં જ્યારે અક્ષર લખાણા ત્યારે તેમાં લખાણરૂપ
દશાની ઉત્પત્તિ થઈ, કોરી દશાનો વ્યય થયો અને કાગળપણે ધુ્રવપણે ટકી રહ્યો છે; આ રીતે ઉત્પાદ–વ્યય–ધુ્રવ થયા છે.
૩૩. પ્ર–છ દ્રવ્યના લક્ષણ શું? છએ દ્રવ્યોના લક્ષણ જુદા શા માટે?
ઉ–જીવનું લક્ષણ ચેતના, પુદ્ગલનું લક્ષણ વર્ણ–ગંધ–રસ–સ્પર્શ, ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિમાં નિમિત્ત થવું તે,
અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિર થવામાં નિમિત્ત થવું તે, આકાશ દ્રવ્યનું લક્ષણ બધાને જગ્યા આપવી તે અને કાળ
દ્રવ્યનું લક્ષણ પરિણમનમાં નિમિત્ત થવું તે છે; છએ દ્રવ્યો જુદા જુદા હોવાથી તે છએનાં લક્ષણ જુદાં છે. જુદી જુદી
વસ્તુનું લક્ષણ જુદું જુદું જ હોય.
૩૪. પ્ર–કાળ દ્રવ્યની કેટલી સંખ્યા છે અને તે કઈ રીતે રહે છે? તથા કાળ દ્રવ્યના કેટલા ભેદ છે?
ઉ–લોકાકાશના જેટલા અસંખ્ય પ્રદેશો છે તેટલા કાળ દ્રવ્યો છે અને એક લોકાકાશના એક પ્રદેશ ઉપર એકેક
કાળ દ્રવ્ય રહેલ છે. કાળ દ્રવ્યના બે ભેદ છે, કાળ દ્રવ્યને નિશ્ચયકાળ કહે છે અને મિનિટ, કલાક, દિવસ વગેરે કાળ
દ્રવ્યના સ્થૂળ ભેદો છે તેને વ્યવહારકાળ કહે છે.
૩૫. પ્ર–અસ્તિત્વ ગુણમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ હોય કે નહિ?
ઉ–હોય; નવી પર્યાયના અસ્તિત્વનો ઉત્પાદ, જુની પર્યાયના અસ્તિત્વનો વ્યય અને અસ્તિત્વગુણનું સળંગ
ધુ્રવપણે ટકી રહેવું–આ રીતે અસ્તિત્વગુણમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ થાય છે.
૩૬. –કોઈએ તમને મોક્ષના બે રસ્તા બતાવ્યા, એક બલુન અને બીજું સલુન, તમે ક્યો રસ્તો પસંદ કરશો?
ઉ–મોક્ષનો સાચો માર્ગ એક જ પ્રકારનો છે અને તે આત્મામાં જ છે, મોક્ષનો માર્ગ બહારની કોઈ વસ્તુમાં–
બલુનમાં કે સલુનમાં–ક્યાંય નથી. બહારના કોઈ સાધનથી જે મોક્ષનો માર્ગ બતાવે તે અજ્ઞાની છે.
મોક્ષ કોઈ બહારના ક્ષેત્રમાં નથી તેથી મોક્ષ માટે બહારના સાધનની જરૂર નથી. મોક્ષ તો આત્મામાં થાય છે
અને તેથી આત્માની સાચી સમજણ એ જ મોક્ષનો માર્ગ છે.
૩૭. પ્ર–પરમાણુના જથ્થાને સ્કંધ કહેવાય છે તો પછી સ્કંધના જથ્થાને શું કહેવાય?
ઉ–સ્કંધના જથ્થાને સ્કંધો (પણ) કહેવાય છે.
૩૮. પ્ર–છ દ્રવ્યો છે તેમાંથી અરૂપી કેટલા અને જડ કેટલા? અરૂપી અને જડમાં શું ફેર? તે ફેર ક્યાં પડ્યો?
ઉ–છ દ્રવ્યોમાં પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો અરૂપી છે અને જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે; અરૂપી એટલે
વર્ણ–ગંધ–રસ–સ્પર્શ જેમાં ન હોય તે, અને જડ એટલે જેમાં જ્ઞાન ન હોય તે, જીવ દ્રવ્ય અરૂપી છે પણ જડ નથી,
પુદ્ગલ દ્રવ્ય જડ છે પણ અરૂપી નથી, અન્ય ચારે દ્રવ્યો જડ અને અરૂપી છે.
૩૯. પ્ર–અરિહંતપ્રભુને કેટલા પ્રતિજીવી ગુણો પ્રગટ્યા હોય? –શા માટે?
ઉ–અરિહંતપ્રભુને એકેય પ્રતિજીવી ગુણો પ્રગટ્યા હોય નહિ કેમકે તેમને હજી ચાર અઘાતિ કર્મનો સદ્ભાવ છે;
પ્રતિજીવી ગુણ તો સર્વ કર્મના નાશથી પ્રગટે છે.
૪૦. પ્ર.–જ્ઞાન અને ચેતનામાં શું ફેર?
ઉ–જ્ઞાન તે ચેતનાનો એક ભાગ છે; ચેતનાના બે પ્રકાર છે એક દર્શન અને બીજો જ્ઞાન.
૪૧. પ્ર–અસ્તિત્વ અને ધ્રૌવ્યમાં શું ફેર છે?
ઉ–અસ્તિત્વમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય ત્રણે આવી જાય છે, પણ ‘ધ્રૌવ્ય’ કહેતાં તેમાં ઉત્પાદ–વ્યય આવતાં નથી.