ધન્ય ભાગ્ય અમારા આજ પધાર્યા સીમંધર ભગવાન,
વિભુ તુજ શા કરીએ સન્માન સુરપુરી સુરતરુ ફળીયા આજ.
વીતરાગ પ્રભુ અમ આંગણ આવ્યા એ દિન, એ દિન આજ,
હૃદયમાં હર્ષ અપરંપાર, દીઠા તુમ દિવ્ય લોયણ આજ.
હે નાથ અમારે આંગણ આવ્યા, સાક્ષાત્ પ્રભુ વીતરાગ
ભવ્યોના તારણહાર ભગવાન, દીઠા તુમ જ્ઞાન લોયણ આજ.
એ દિવ્ય ધ્વનિના દિવ્ય પ્રકાશક, પ્રભુજી પધાર્યા આજ
હે દેવ સદ્ભાગ્ય ખીલ્યા અમ આજ, વિભુ તુજ શા કરીએ સન્માન
પ્રભુ દેવ તણા તમે દેવ પધાર્યા, ધન્ય ભૂમિ થઈ આજ
પ્રભુ અમ ધન્ય ભૂમિ થઈ આજ, દીઠા તુજ ઉપશમ લોયણ આજ
સુવર્ણપુરીમાં પ્રભુજી પધાર્યા, વર્તે જય જયકાર
પ્રભુ તુજ વર્તે જય જયકાર, ભવ્યના ભાગ્ય ખીલ્યા છે આજ.
નેમ પદ્મ ને શાંતિ જિણંદજી સીમંધર પ્રભુ ભગવાન
પધાર્યા સુવર્ણપુરી સદ્ભાગ્ય, જય જયકાર જગતમાં આજ.