Atmadharma magazine - Ank 029
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
િશ્વર્ • દ્રદ્રવ્ર્
દ્રવ્ય–ગુણ–પર્યાયમાં સમસ્ત વિશ્વના પદાર્થોનું સ્વરૂપ આવી જાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાય તે જૈનદર્શનનો એકડો છે.
‘દ્રવ્ય’ એટલે સદાય એક સરખી રીતે ટકી રહેનાર વસ્તુ તે દ્રવ્ય છે. ગુણ એટલે દ્રવ્યનું વિશેષણ, અથવા તો દ્રવ્યના પૂરા
ભાગમાં અને તેની બધી દશામાં જે શક્તિ રહેલી હોય તેને ગુણ કહેવાય છે; અને દ્રવ્ય–ગુણની ક્ષણે ક્ષણે બદલતી હાલત–દશા તે
પર્યાય છે. વિશ્વની કોઈ પણ ચીજ કાં તો દ્રવ્ય હોય, કાં તો ગુણ હોય અને કાં તો પર્યાય હોય, આ ત્રણમાંથી જ એક અવશ્ય
હોય, આ ત્રણથી બહાર એવું આ વિશ્વમાં કાંઈ જ નથી. તેથી દ્રવ્ય–ગુણ–પર્યાયની ઓળખાણમાં આખા વિશ્વની ઓળખાણ
સમાઈ જાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની ઓળખાણ માટે અહીં કેટલાક બોલની વ્યાખ્યા આપવામાં આવે છે.
૧ જીવ (આત્મા) :– દ્રવ્ય છે, જ્ઞાન વડે તે ઓળખાય છે.
૨ શરીર:– પર્યાય છે; ‘અનંત પુદ્ગલ પરમાણુ ભેગા મળીને તે પર્યાય થયેલી છે.
૩ તાવ (માંદગી) :– પર્યાય છે, પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ ગુણની ઉષ્ણ પર્યાય છે.
૪ સિદ્ધ:– પર્યાય છે, જીવ દ્રવ્યની સંપૂર્ણ શુદ્ધ પર્યાય છે.
૫ દયા:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની મલિન પર્યાય છે.
૬ ધર્મ:– પર્યાય છે; જીવ દ્રવ્યની શુદ્ધ પર્યાય છે.
૭ પુણ્ય–પાપ:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની મલિન પર્યાય છે.
૮ દુઃખ:– પર્યાય છે; જીવ દ્રવ્યના સુખગુણની મલિન પર્યાય છે.
૯ ઉપવાસ:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની શુદ્ધદશા છે. જીવ દ્રવ્યની ઓળખાણ કરીને તેમાં એકાગ્રતા કરવી
તે જ નિશ્ચય ઉપવાસ છે. (અન્નનો ત્યાગ થવો તે જડ દ્રવ્યની પર્યાય છે.) આત્માના ભાન સહિત આહાર સંબંધી રાગનો
ઘટાડો તે શુભરાગ છે તેને વ્યવહારથી ઉપવાસ કહેવામાં આવે છે. તે ચારિત્રની વિકારી દશા છે.
૧૦ ભક્તિ–પૂજા:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની રાગવાળી મલિન પર્યાય છે. (શરીરની હલનચલનાદિ ક્રિયા
કે શબ્દો તે જડ દ્રવ્યની પર્યાય છે.)
૧૧ દાન:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની રાગવાળી મલિન પર્યાય છે. (પૈસાનું જવું તે જડ દ્રવ્યની પર્યાય છે.)
૧૨ કર્મ:– પર્યાય છે; પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે.
૧૩ કેવળજ્ઞાન:– પર્યાય છે; જીવ દ્રવ્યના જ્ઞાનગુણની શુદ્ધ પર્યાય છે.
૧૪ મોક્ષ:– પર્યાય છે; જીવ દ્રવ્યના બધા ગુણની શુદ્ધ પર્યાય તો મોક્ષ છે.
૧૫ સંસાર–પર્યાય છે; જીવ દ્રવ્યના ગુણોની અશુદ્ધ પર્યાય તે સંસાર છે.
૧૬ ચારિત્રદશા:– પર્યાય છે; જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય છે. (ચારિત્રપર્યાય શરીરમાં રહેતી નથી પણ
આત્મામાં રહે છે).
૧૭ શ્રાવક:– પર્યાય છે; જીવ દ્રવ્યની અંશે શુદ્ધ પર્યાય છે. જ્યારે આત્માની ઓળખાણ વડે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન કરે
છે અને પછી કેટલોક રાગ ટાળે છે ત્યારે શ્રાવકદશા કહેવાય છે. સમ્યગ્દર્શન વગર શ્રાવક દશા હોતી નથી.
૧૮ દોડવું–બેસવું–ચાલવું–પર્યાય છે; પુદ્ગલ દ્રવ્યમાં ગમન કરવાની શક્તિ (ગુણ) છે તેની પર્યાય છે. (પુદ્ગલની
પર્યાય જીવમાં થતી નથી.)
૧૯ મિથ્યાત્વ:– પર્યાય છે; જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણની ઊંધી પર્યાય છે. આ મિથ્યાત્વદશા જ જીવને ઘોર સંસાર દુઃખનું
કારણ છે અને મહાપાપ છે.
૨૦ સમ્યક્ત્વ:– પર્યાય છે; જીવ દ્રવ્યના શ્રદ્ધાગુણની સવળી પર્યાય છે; આ સમ્યક્ત્વ જ જીવને અલ્પકાળમાં મોક્ષનું
કારણ છે.
૨૧ સ્વતંત્રતા:– પર્યાય છે; જીવના પોતાના ગુણની પૂરેપૂરી ખીલવટ (શુદ્ધદશા) તે સ્વતંત્રતા છે; સ્વતંત્રતારૂપ પર્યાય
જીવમાં થાય છે. આ સ્વતંત્રતારૂપ દશા તે સુખ છે.
૨૨ પરાધીનતા:– પર્યાય છે; જીવના પોતાના ગુણનો વિકાસ પર લક્ષે અટકવો (અશુદ્ધ દશા) તે પરાધીનતા છે.
પરાધીનતારૂપ દશા તે દુઃખ છે. પરાધીનતારૂપ દશા જીવમાં થાય છે.
૨૩ જ્ઞાન:– જીવ દ્રવ્યનો ગુણ છે.
૨૪ રૂપ–રંગ–રસ:– પુદ્ગલ દ્રવ્યના ગુણ છે.
૨૫ જૈન–પર્યાય છે; જીવદ્રવ્યના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયને ‘જૈન’ તરીકે ઓળખાવાય છે; જે
જીવને સમ્યક્શ્રદ્ધા ન હોય તે ‘જૈન’ નથી.
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૨–૩–૪૬