Atmadharma magazine - Ank 031
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૩૫ :
કાઢી નાંખ્યું. (અહીં પહેલાંં માન્યતા–શ્રદ્ધા કરવાની વાત છે.) પર દ્રવ્યનું કરવાની માન્યતા, શુભરાગથી ધર્મ
થાય એવી માન્યતા, નિમિત્તથી લાભ–નુકશાન થાય એવી માન્યતા, આ બધું ટળી ગયું કેમકે અરિહંતના
આત્માને તે કાંઈ નથી.
દ્રવ્ય – ગુણ – પર્યાયનું સ્વરૂપ જાણ્યા પછી શું કરવું?
અરિહંતના આત્માને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે જાણનાર જીવ ત્રિકાળી આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપને
એક ક્ષણમાં કળી લે છે; બસ! અહીં આત્માને કળી લેવા સુધીની વાત કરી ત્યાંસુધી વિકલ્પ છે, વિકલ્પવડે
આત્મલક્ષ કર્યું છે. હવે તે વિકલ્પ તોડીને, દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદને છોડીને અભેદ આત્માનું લક્ષ કરવાની વાત
કરે છે. આ અભેદનું લક્ષ કરવું તે જ અરિહંતને જાણવાનું ખરું ફળ છે, અને અભેદનું લક્ષ કરે તે જ ક્ષણે મોહનો
ક્ષય થાય છે.
જે અવસ્થાવડે અરિહંતને જાણીને ત્રિકાળિક દ્રવ્યનો ખ્યાલ કર્યો તે અવસ્થામાં જે વિકલ્પ વર્તે છે તે પોતાનું
સ્વરૂપ નથી, પણ જે ખ્યાલ કર્યો છે તે ખ્યાલ પોતાનો સ્વભાવ છે. ખ્યાલ કરનાર જે જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાનની
જાતનું છે; પણ હજી પરલક્ષ છે તેથી અહીં સુધી સમ્યગ્દર્શન પ્રગટરૂપ નથી. હવે તે ખ્યાલરૂપ અવસ્થાને પર લક્ષથી
ખસેડીને સ્વભાવમાં સંકેલે છે, –ભેદનું લક્ષ છોડી અભેદના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટરૂપ કરે છે.
જેમ મોતીનો હાર ઝુલતો હોય, તે ઝુલતા હારને લક્ષમાં લેતાં તેના પહેલેથી છેલ્લે સુધીના બધા મોતીઓ
તે હારમાં જ સમાઈ જાય છે, પણ હાર અને મોતીનો ભેદ લક્ષમાં આવતો નથી. એકેક મોતી છૂટું છે પણ જ્યારે
હારને જોવામાં આવે ત્યારે એકેક મોતીનું લક્ષ છૂટી જાય છે. પરંતુ પહેલાંં હારનું સ્વરૂપ જાણવું જોઈએ કે હારમાં
અનેક મોતીઓ છે, તેમજ હાર ધોળો છે; આ રીતે પ્રથમ હાર, હારનો રંગ અને મોતી એ ત્રણેનું સ્વરૂપ જાણ્યું
હોય તો તે ત્રણેને ઝુલતા હારમાં સમાવીને હારને એકપણે લક્ષમાં લઈ શકાય, મોતીઓનું સળંગપણું તે હાર છે.
પ્રત્યેક મોતી તે હારનું વિશેષ છે, અને તે વિશેષોને એક સામાન્યમાં સંકેલવામાં આવે તો હાર લક્ષમાં આવે છે.
હારની જેમ આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયોને જાણીને પછી બધી પર્યાયોને અને ગુણોને એક ચૈતન્યદ્રવ્યમાં જ
અંતર્ગત કરતાં દ્રવ્યનું લક્ષ થાય છે–આ જ ક્ષણે સમ્યગ્દર્શન થઈને મોહક્ષય પામે છે.
અહીં ‘ઝૂલતો હાર’ કેમ લીધો છે? કેમકે વસ્તુ કુટસ્થ નથી પણ સમયે સમયે ઝુલી રહી છે એટલે કે
પર્યાયે પર્યાયે દ્રવ્યમાં પરિણમન થઈ રહ્યું છે. જેમ હારના લક્ષે મોતીનું લક્ષ છૂટે છે તેમ દ્રવ્યના લક્ષે પર્યાયનું
લક્ષ છૂટી જાય છે. પર્યાયોમાં બદલનારો તો એક આત્મા છે, બદલનાર ઉપરના લક્ષે બધા પરિણામોને તેમાં
અંતર્ગત કરવામાં આવે છે. પર્યાયપણે એકેક પર્યાય જુદી જુદી છે પરંતુ જ્યારે દ્રવ્યને જોવામાં આવે ત્યારે બધા
પર્યાયો તેમાં અંતર્ગત થઈ જાય છે, આ રીતે આત્મદ્રવ્યને ખ્યાલમાં લેવું તે જ સમ્યગ્દર્શન છે.
પ્રથમ આત્મા દ્રવ્ય, આત્માના ગુણો અને આત્માની અનાદિઅનંત કાળની પર્યાયો એ ત્રણેનું વાસ્તવિક
સ્વરૂપ (અરિહંતના સ્વરૂપ સાથે સરખાવીને) નક્કી કર્યું હોય તો પછી તે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને એક
પરિણમતા દ્રવ્યમાં સમાવીને દ્રવ્યને અભેદપણે લક્ષમાં લઈ શકાય. પહેલાંં સામાન્ય–વિશેષ (દ્રવ્ય–પર્યાય)
જાણીને પછી વિશેષોને સામાન્યમાં અંતર્ગત કરવામાં આવે છે; પરંતુ જેણે સામાન્ય–વિશેષનું સ્વરૂપ જાણ્યું ન
હોય તે વિશેષને સામાન્યમાં અંતર્લીન કેવી રીતે કરે?
પ્રથમ અરિહંત જેવા દ્રવ્ય–ગુણ–પર્યાયપણે પોતાના આત્માને લક્ષમાં લઈને પછી જે જીવે ગુણ–પર્યાયોને
એક દ્રવ્યમાં સંકેલ્યા તેણે આત્માને સ્વભાવમાં ધારી રાખ્યો, જ્યાં આત્માને સ્વભાવમાં ધારી રાખ્યો ત્યાં મોહને
રહેવાનું સ્થાન ન રહ્યું એટલે મોહ નિરાશ્રયપણાને લીધે તે જ ક્ષણે ક્ષય પામે છે, પહેલાંં અજ્ઞાનને લીધે દ્રવ્ય–
ગુણ–પર્યાયના ભેદ પાડતો તેથી તે ભેદના આશ્રયે મોહ રહ્યો હતો. પરંતુ જયાં દ્રવ્ય–ગુણ–પર્યાયને અભેદ કર્યા
ત્યાં દ્રવ્ય–ગુણ–પર્યાયનો ભેદ ટળી જતાં મોહ ક્ષય પામે છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતા તે જ ધર્મ છે અને દ્રવ્ય–
ગુણ–પર્યાય વચ્ચે ભેદ તે જ અધર્મ છે.
છૂટા છૂટા મોતી તે વિસ્તાર છે કેમકે તેમાં અનેકપણું આવે છે, અને બધા મોતીઓના અભેદપણારૂપ એક
હાર તે સંક્ષેપ છે. જેમ પર્યાયના વિસ્તારને દ્રવ્યમાં સંકેલી દીધો તેમ વિશેષ્ય–વિશેષણપણાની વાસનાને પણ દુર
કરીને–ગુણને પણ દ્રવ્યમાં જ અંતર્હિત કરીને એકલા આત્માને જ જાણવો, અને એ પ્રમાણે આત્માને જાણતાં
મોહ ક્ષય પામે છે. પહેલાંં ‘મનવડે