Atmadharma magazine - Ank 031
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૨૭ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ ત્રીજું વૈ શા ખ
અંક સાત ૨ ૪ ૭ ૨
શ્રદ્ધા – જ્ઞાન – ચારિત્ર
સમ્યક્દર્શનનું પરમ માહાત્મ્ય છે. દ્રષ્ટિનું માહાત્મ્ય કરવા માટે સમ્યગ્દ્રષ્ટિના ભોગને પણ નિર્જરાનું કારણ
કહ્યું છે. સમયસાર ગાથા–૧૯૩ માં કહ્યું છે કે–સમ્યગ્દ્રષ્ટિ જીવ જે ઈન્દ્રિયો વડે ચેતન તથા અચેતન દ્રવ્યનો
ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે; અને તેમાં જ મોક્ષઅધિકારમાં છઠ્ઠા ગુણસ્થાને મુનિને જે
પ્રતિક્રમણાદિની શુભવૃત્તિ ઉઠે તેને વિષકુંભ કહેલ છે. સમ્યગ્દ્રષ્ટિની અશુભ લાગણી તે નિર્જરાનું કારણ અને
મુનિની શુભ લાગણી તે ઝેર–આનો મેળ કઈ રીતે છે?
જ્યાં સમ્યગ્દ્રષ્ટિના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે ત્યાં ‘ભોગ સારાં છે’ એમ બતાવવું નથી પણ દ્રષ્ટિનું
મહાત્મ્ય બતાવવું છે. અબંધસ્વભાવની દ્રષ્ટિનું જોર બંધને સ્વીકારતું નથી–તેનો મહિમા કર્યો છે એટલે કે દ્રષ્ટિ
અપેક્ષાએ તે વાત કરી છે.
જ્યાં મુનિની વ્રતાદિની શુભ લાગણીને ઝેર કહ્યું છે ત્યાં ચારિત્ર અપેક્ષાએ વાત કરી છે. અરે, મુનિ! તેં
શુદ્ધાત્મચારિત્ર અંગીકાર કર્યું છે, પરમ કેવળજ્ઞાનની ઉત્કૃષ્ટ સાધકદશા પ્રાપ્ત કરી છે અને હવે જે વ્રતાદિની
લાગણી ઉઠે તે તારા શુદ્ધાત્મ ચારિત્રને અને કેવળજ્ઞાનને રોકનાર છે માટે તે ઝેર છે.
સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવદ્રષ્ટિનું જોર છે તે નિર્જરાનું કારણ છે, અને દ્રષ્ટિમાં તેઓ બંધને પોતાનું સ્વરૂપ
માનતા નથી, રાગના કર્તા પોતે થતા નથી તેથી તેમને અબંધ કહ્યા છે, પરંતુ ચારિત્ર અપેક્ષાએ તો તેમને બંધન
છે. જો ભોગથી નિર્જરા થતી હોય તો વધારે ભોગથી વધારે નિર્જરા થાય!! એમ તો હોય નહિ. સમ્યગ્દ્રષ્ટિને જે
રાગની વૃત્તિ ઉઠે છે તેને દ્રષ્ટિ અપેક્ષાએ તો તે પોતાની માનતા જ નથી, જ્ઞાન અપેક્ષાએ ‘પોતાના પુરુષાર્થની
નબળાઈ છે તેથી રાગ થાય છે’ એમ જાણે છે અને ચારિત્ર અપેક્ષાએ તે રાગને ઝેર માને છે, દુઃખ–દુઃખ લાગે છે.
આ રીતે દર્શન–જ્ઞાન અને ચારિત્રમાંથી જ્યારે દર્શનની મુખ્યતાથી વાત ચાલતી હોય ત્યારે સમ્યગ્દ્રષ્ટિના ભોગને
પણ નિર્જરાનું જ કારણ કહેવાય છે. સ્વભાવદ્રષ્ટિના જોરે સમયે સમયે તેની પર્યાય નિર્મળ થતી જાય છે એટલે
ક્ષણે ક્ષણે તે મુક્ત જ થતા જાય છે. રાગ થાય છે તેને જાણે છે ખરા, પરંતુ સ્વભાવમાં તેને અસ્તિપણે માનતા
નથી; અને આ માન્યતાના જોરે જ રાગનો સર્વથા અભાવ કરે છે. તેથી સાચી દ્રષ્ટિનો અપાર મહિમા છે.
સાચી શ્રદ્ધા હોવા છતાં જે રાગ થાય છે તે રાગ ચારિત્રને નુકશાન કરે છે પરંતુ સાચી શ્રદ્ધાને નુકશાન
કરતો નથી, માટે શ્રદ્ધાઅપેક્ષાએ તો સમ્યગ્દ્રષ્ટિને રાગ થાય તે બંધનું કારણ નથી પણ નિર્જરાનું જ કારણ છે–
એમ કહેવામાં આવે છે, પરંતુ શ્રદ્ધા સાથે ચારિત્રની અપેક્ષા ભૂલવી ન જોઈએ.
ચારિત્ર અપેક્ષાએ છઠ્ઠાગુણસ્થાને વર્તતા મુનિની શુભવૃત્તિને પણ ઝેર કહ્યું તો પછી સમ્યગ્દ્રષ્ટિના
ભોગના અશુભભાવની તો વાત જ શું? અહો! પરમ શુદ્ધસ્વભાવના ભાનમાં મુનિની શુભવૃત્તિને પણ જે ઝેર
માને તે અશુભ લાગણીને તો સારી કેમ માને? જેણે સ્વભાવના ભાનમાં શુભવૃત્તિને પણ ઝેર માન્યું છે તે જીવ
સ્વભાવના જોરે શુભવૃત્તિને તોડીને પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરશે, પરંતુ અશુભને તો કદાપિ આદરણીય નહિ માને.
સમ્યગ્દ્રષ્ટિ જીવ શ્રદ્ધા અપેક્ષાએ તો પોતાને પૂર્ણ પરમાત્મા જ માને છે; છતાં ચારિત્ર અપેક્ષાએ, અધૂરી
પર્યાય હોવાથી તરણાંતુલ્ય માને છે એટલે કે હજી અનંત અધૂરાશ છે એમ જાણીને સ્વભાવની સ્થિરતાના
પ્રયત્નવડે તે ટાળવા માંગે છે, જ્ઞાન અપેક્ષાએ, જેટલો રાગ છે તેનો સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાતા છે પણ રાગને નિર્જરા કે
મોક્ષનું કારણ માનતા નથી, અને જેમ જેમ પર્યાયની શુદ્ધતા વધારતાં રાગ ટળતો જાય છે તેમ તેમ તેનું જ્ઞાન
કરે છે. આ રીતે શ્રદ્ધા–જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે અપેક્ષાએ આ સ્વરૂપ સમજવું જોઈએ.
(સં. ૨૦૦૨ માગસર સુદ–૯ સમયસાર)