Atmadharma magazine - Ank 031
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૧૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૭૨ :
શ્રશ્રરુ ન્િ
વૈશાખ સુદ–૨.......... આજે ભક્તમંડળના હૃદય આનંદથી ઉલ્લસી
રહ્યાં છે...બધાની મૂદ્રા ઉપર ભક્તિ રેલાઈ રહી છે......આજે ભક્તોને આટલો
બધો ભક્તિતો ઉલ્લાસ કેમ છે?...અહા, આજે તો સંપૂર્ણ આત્મસ્વરૂપની
પ્રાપ્તિનો અપ્રતિહતમાર્ગ દર્શાવનારા શ્રી સદ્ગુરુજીનો ભેટો થયો
છે...આજના દિવસે તેઓશ્રીએ ભારતભુમિને પાવન કરી છે...


હે સ્વરૂપદાન દાતાર પરમ કૃપાળુ દયાનિધિ શ્રી સદ્ગુરુદેવ! આજના મહા પવિત્ર મંગળિક પ્રસંગે
આપશ્રી પ્રત્યે વિનયપૂર્વક અર્પણતા કરીએ છીએ–ભાવ–અંજલિ અર્પિએ છીએ....
શુદ્ધાત્મસ્વરૂપમાં આપશ્રીનો ઉત્સાહભાવ, જ્ઞાયકસ્વરૂપ પ્રત્યેની આપની ભક્તિ અને પવિત્ર કરુણાથી
ભરપૂર આપનો શાસનપ્રેમ–એ સર્વે ગુણો પર અમારૂં શીર નમી પડે છે.
હે ગુરુદેવ! આપશ્રીના ઉપકારોને કેવી રીતે વર્ણવીએ? જ્યારે જ્યારે આપશ્રીના ઉપકારોને સ્મરણમાં
લઈએ છીએ ત્યારે ત્યારે આપશ્રીના પાવનકારી સાક્ષાત્ દર્શનના મહાભાગ્યને લીધે અમારૂં હૃદય હર્ષથી ખીલી
ઊઠે છે. આપશ્રીના પવિત્ર યોગે, આજે શ્રી કુંદકુંદપ્રભુજીના જીવંત અક્ષરદેહરૂપ “સમયસાર” ચેતનવંત થઈને,
ભવ્યાત્માઓને શુદ્ધાત્માનું દર્શન કરાવે છે... અમસારીખડાં અનેક જીવો પર આપશ્રીના પરમ ઉપકારની અપાર
ભક્તિથી અમે–સમસ્ત ભક્ત મંડળ આપશ્રીને ભાવ–અંજલિ અર્પિએ છીએ.
અહા! આપ તો સ્વરૂપ–જીવન જીવનારા છો. એ અધ્યાત્મજ્ઞાનથી ઊછળતા આપશ્રીના આત્મજીવનને–
આપશ્રીના સ્વરૂપ–જીવનને અમે કઈ રીતે વર્ણવીએ? નાથ! આપશ્રી સ્વયં જ જ્ઞાની પુરુષોનું પવિત્ર જીવન–
રહસ્ય અમને અહર્નિશ દર્શાવી રહ્યા છો–એ અંતર્જીવનને ઓળખવાની અમોને શક્તિ પ્રગટો!
હે ગુરુદેવ! આપે વહાવેલી અધ્યાત્મજ્ઞાનની સરિતાએ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પ્યું છે અને
આજે અર્પે છે. ઘણા વર્ષોના દુષ્કાળ પછી અમૃતવર્ષા વરસતાં તૃષાતૂર જીવોને કેટલો આનંદ થાય અને કેટલી
હોંશથી તે અમૃતવર્ષા ઝીલે...?...તેમ–અનાદિ અનાદિ કાળથી બેભાનદશામાં અમૃતસ્વરૂપ પરમશુદ્ધાત્માના વિરહ
પડ્યા, સ્વરૂપના પાન વગર વર્ષોનાં વર્ષો અને ભવોનાં ભવો વીતી ગયાં...અનંત કાળથી જન્મ–મરણના આતાપમાં
રખડતાં ક્યાંય સ્વરૂપના પાનનો છાંટોય ન મળ્‌યો અને જીવન શોષાવા લાગ્યું...દુઃખનું અસહ્યવેદન થઈ
પડ્યું...હવે...શાંતિસ્વરૂપના પાનની અતિ ઝંખના જાગૃત થઈ...એવા ટાણે...,હે ગુરુદેવ! આપશ્રી પવિત્ર વાણીદ્વારા
સ્વરૂપાનુભવના ધોધમાર વરસાદ વરસાવીને આત્મતૃષિત જીવોને સંપૂર્ણ સ્વરૂપામૃતનું પાન કરાવી રહ્યાં છો!....
હે પરમ ઉપકારી શ્રી સદ્ગુરુદેવ! અનંત સંસારમાં રખડતા જીવોને આપ અપૂર્વ કરુણાપૂર્વક આત્મસ્વરૂપનો
ભેટો કરાવો છો....સ્વરૂપને ભેટતાં કયા જીવને ઉલ્લાસ ન જાગે? કોણ જીવ સ્વરૂપનું પાન ન કરે? અમ જીવોને
વર્તમાનકાળે દિવ્યધ્વનિના સંદેશનો બોધ આપનાર આપ જ છો. સંસારના થાકથી થાકેલા જગતના ભવકલાંત
જીવોને આપ વિસામારૂપ છો...અને જ્ઞાનામૃતના પાનદ્વારા તેમને શાંતિ આપીને સ્વરૂપના અમૃતમાર્ગમાં આપે જ
સ્થિત કર્યાં છે,–આપ સ્થિત કરો છો. આપશ્રીના પુનિત પ્રતાપે આજે શાસનનો જયકાર વર્તી રહ્યો છે.
હે ગુણભંડાર ગુરુદેવ! અમે પામર જીવો આપશ્રીની શું સ્તવના કરીએ? અમારી કોઈ વાણી વડે,
અમારા કોઈ શબ્દો વડે કે અમારા અલ્પજ્ઞાન વડે આપની સ્તવના થઈ શકે તેમ નથી. આપશ્રીના પવિત્ર ગુણો
પ્રત્યે અત્યંત ઉલ્લાસ આવતાં હૃદયમાં ભક્તિ ઉછળ્‌યા વગર રહી શકતી નથી–તેથી–આપશ્રીની કંઈક અંશે
સ્તવના કરીએ છીએ.
આત્મઉન્નતિનો સુમધુર માર્ગ દર્શાવીને અપૂર્વ સ્વરૂપસંપદાનું દાન આપનાર
દિવ્ય દાનેશ્વરી હે સદ્ગુરુદેવ! આપશ્રીને પરમભક્તિએ નમસ્કાર કરીએ છીએ...
આપશ્રીના પવિત્ર ઉપકારોની વિમલ યાદીમાં ફરી ફરી નમસ્કાર કરીએ છીએ.