Atmadharma magazine - Ank 031
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
: વૈશાખ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૩૧ :
લેખાંક – ત્રીજો “ શ્રીપ્રવચનસારજી ગાથા ૮૦
અરિહંત સૌ જયવંત વર્તો
[પરમ પજ્ય સદગરુદવશ્રન વ્યખ્યન. પષ વદ ૨. ૨૪૭૨]
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. ૮૦.
[જે જીવ અરિહંતને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને
તેનો મોહ ક્ષય પામે જ છે, અરિહંતનું સ્વરૂપ સર્વ પ્રકારે શુદ્ધ છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપના
પ્રતિબિંબ સમાન શ્રી અરિહંતનો આત્મા છે. અરિહંત જેવો જ આ આત્માનો શુદ્ધ
સ્વભાવ સ્થાપીને તેને જાણવાની વાત કરી છે. એકલા અરિહંતની જ વાત નથી પણ
પોતાના આત્માને ભેળવીને (–પ્રતીત કરીને) જાણવાનું છે, કેમકે અરિહંતમાં અને આ
આત્મામાં નિશ્ચયથી તફાવત નથી. જે જીવ પોતાના જ્ઞાનમાં અરિહંતનો નિર્ણય કરે તે
જીવના ભાવમાં અરિહંતપ્રભુ હાજરાહજુર મૌજુદ બિરાજે છે, તેને અરિહંતનો વિરહ નથી.
આ રીતે પોતાના જ્ઞાનમાં અરિહંતની સાચી પ્રતીત કરતાં પોતાના આત્માનું ભાન થાય
છે અને તેનો મોહ અવશ્ય ક્ષય પામે છે. આ પૂર્વે, (આત્મધર્મ અંક ૨૯–૩૦ માં)
કહેવાયેલા કથનનો ટુંક સાર છે. હવે દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ વિશેષપણે બતાવે છે અને
તે જાણ્યા પછી અંતરંગમાં કેવા પ્રકારની ક્રિયા કરવાથી મોહ ક્ષય પામે છે–તે કહેવાય છે.]

જે જીવ પોતાના પુરુષાર્થ વડે આત્માને જાણે છે તે જીવનો મોહ ક્ષય પામે જ છે–એમ કહ્યું છે, પરંતુ
મોહકર્મનું જોર ઓછું થાય તો આત્માને જાણવાનો પુરુષાર્થ પ્રગટી શકે–એમ કહ્યું નથી, કેમકે મોહકર્મ કંઈ
આત્માને પુરુષાર્થ કરવામાં રોકતું નથી. જીવ પોતાના જ્ઞાનમાં સાચો પુરુષાર્થ કરે ત્યારે મોહ ક્ષય થાય જ છે.
જીવનો પુરુષાર્થ સ્વતંત્ર છે; ‘પહેલાંં તું જ્ઞાન કર તો મોહ ક્ષય પામે’–આમાં ઉપાદાનથી કાર્ય થાય એમ સિદ્ધ કર્યું
છે. પરંતુ ‘પહેલાંં મોહ ક્ષય થાય તો તને આત્માનું જ્ઞાન પ્રગટે’ એમ ઊંધેથી (–નિમિત્ત તરફથી) લીધું નથી,
કેમકે નિમિત્તને લઈને જીવમાં કાંઈ પણ થતું નથી.
અરિહંત ભગવાનના સ્વરૂપમાં દ્રવ્ય, ગુણ, પર્યાય કઈ રીતે છે તે કહે છે. “ત્યાં અન્વય તે દ્રવ્ય છે,
અન્વયનું વિશેષણ તે ગુણ છે, અન્વયના વ્યતિરેકો (–ભેદો) તે પર્યાયો છે.” [ગાથા ૮૦ ટીકા, લાઈન ચોથી]
શરીર તે અરિહંત નથી પણ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ આત્મા તે અરિહંત છે. અનંત અરિહંત અને અનંત
આત્માઓનું દ્રવ્ય–ગુણ–પર્યાયપણે શું સ્વરૂપ છે તે આમાં બતાવ્યું છે.
– દ્રવ્ય –
અહીં મુખ્યપણે અરિહંત પ્રભુના દ્રવ્ય–ગુણ–પર્યાયની વાત છે. અરિહંત પ્રભુના સ્વરૂપમાં અન્વય તે દ્રવ્ય
છે. ‘અન્વય તે દ્રવ્ય’ એટલે શું? જે અવસ્થા પલટે છે તે કંઈક કાયમ રહીને પલટે છે; જેમ પાણીમાં મોજાં ઊઠે
છે તે પાણી અને શીતળતા કાયમ રહીને ઊઠે છે, પાણી વગર અધરથી મોજાં ઊઠે નહિ, તેમ આત્મામાં
પર્યાયરૂપી મોજાં (ભાવ) બદલાય છે; તે બદલાતા એકેક ભાવ જેટલો આત્મા નથી પણ બધા ભાવોમાં
સળંગપણે ટકી રહેનારો આત્મા છે, ત્રિકાળ ટકી રહેનાર આત્મદ્રવ્યના આધારે પર્યાયો પરિણમે છે. પહેલાંં અને
પછી બધાં પરિણામોમાં કાયમ રહે તે દ્રવ્ય છે. પરિણામો તો દરેક સમયે એક પછી એક નવા નવા થાય છે, બધાં
પરિણામોમાં સળંગપણે એક સરખું રહેનાર દ્રવ્ય છે; પહેલાંં પણ તે જ હતું અને પછી પણ તે જ છે–એમ પહેલાંં–
પછીનું એકપણું તે અન્વય છે, અને અન્વય તે દ્રવ્ય છે.
અરિહંતના સંબંધમાં; પૂર્વે અજ્ઞાનદશા હતી, પછી જ્ઞાનદશા પ્રગટી, આ અજ્ઞાન અને જ્ઞાન બંને દશામાં