[સમયસારજી – મોક્ષ અધિકારના વ્યાખ્યાનમાંથી]
– ગાથા – ૨૯૬ –
: ૧૭૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૨ :
મિથ્યાદ્રષ્ટિના ચિન્હ
‘સ્વરૂપનો અનુભવ કઠણ છે’ એમ માનનાર બહિરાત્મા છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છે, પુણ્ય–પાપ
રહિત છે–તેનો અનુભવ કઠણ છે એમ વૃત્તિમાં લીધું ત્યાં શુદ્ધસ્વરૂપમાં ઢળવાનો નકાર આવ્યો અને બંધન તરફ
ઢળવાનું જોર આવ્યું. અરે ભાઈ! પોતાના આત્માનું સ્વરૂપ તે કઠણ હોય!!! જ્યારે નવરાશ મળે ત્યારે પરની
વાત હોંશથી કરે છે પણ તે વખતે સ્વભાવની વાત કરે તો કોણ રોકે છે? પણ પોતાને પોતાના સ્વરૂપની રુચિ
નથી અને જન્મ–મરણનો ભય નથી તેથી પોતાના સ્વરૂપ તરફ ઢળવાના પ્રયત્નને શલ્ય મારીને સ્વરૂપને જ
કઠણ માને છે. પોતાના સ્વભાવની સમજણ અને અનુભવને કઠણ માનીને તે તરફનો ઉત્સાહ છોડી દીધો અને
શુભ–અશુભભાવનો ઉત્સાહ આવે છે, તેણે વિકારને સહેલો માન્યો અને સ્વભાવને કઠણ માન્યો. તે સ્વભાવનો
અનાદર કરનાર મિથ્યાદ્રષ્ટિ જ છે.
પોતાના સ્વભાવની રુચિ છૂટયા વગર અને વિકારની રુચિ થયા વગર ‘સ્વભાવ કઠણ અને વિકાર
સહેલો’ એમ અંતરથી મનાય જ નહિ. અંતરથી એટલે કે રુચિથી, હોંશથી. બોધિદુર્લભ ભાવના ભાવતાં ધર્મની
દુર્લભતા વિચારે, ત્યાં સ્વરૂપની અરુચિ નથી પણ ધર્મ પ્રત્યેની પોતાની રુચિ અને પુરુષાર્થને વધારવા માટે તે
ભાવના કરે છે. ‘ધર્મ અત્યંત દુર્લભ છે’ એમ ધર્મનો પ્રયત્ન છોડી દેવા માટે કહ્યું નથી પરંતુ દુર્લભ છે માટે તે
તરફના પુરુષાર્થમાં વિશેષ જાગૃતિ રાખવા માટે તે કથન છે. જે ખરેખર સ્વભાવને કઠણ માનીને સ્વભાવનો
પુરુષાર્થ છોડે છે તે સ્વભાવનો અનાદર કરનાર અને વિકારનો આદર કરનાર મિથ્યાદ્રષ્ટિ છે.
કોઈ એમ કહે કે બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં નડે છે, તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. સ્વરૂપનું સાધન
પોતાને કરવું નથી તેથી બહિરદ્રષ્ટિ વડે બહારના દોષ કાઢે છે. પરંતુ કોઈ બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં રોકતા
નથી. ભરત ચક્રવર્તી વગેરેને તો ઘણો બાહ્ય સંયોગ હતો છતાં તેઓને સ્વભાવસાધન નિત્ય વર્તતું હતું. અત્યારે
તો તેટલો સંયોગ કોઈને છે નહિ. જેની રુચિ–વૃત્તિ બહારમાં જ ઘોલાયા કરે છે તે જ સ્વરૂપને કઠણ માને છે,
પણ જો આત્માની રુચિ કરીને પોતે સ્વરૂપ સમજવા માગે તો સ્વરૂપ અવશ્ય સમજાય તેવું છે. સમજવું તે તો
આત્માનો સ્વભાવ છે; જડને કાંઈ જ ન સમજાય; પરંતુ ચૈતન્યને તો બધું જ સમજાય, એવો તેનો સ્વભાવ છે.
પોતાનું સ્વરૂપ સમજવું તે પોતાનો સ્વભાવ જ છે અને તેથી તે જરૂર થઈ શકે છે.
વળી કોઈ બહિરદ્રષ્ટિ એમ કહે છે કે પ્રતિકૂળ સંયોગો સ્વરૂપ સમજવામાં નડે છે. તેની વાત પણ જુઠ્ઠી છે.
કોઈ સંયોગો આત્માને પ્રતિકૂળ છે જ નહિ. અરે ભાઈ! સ્વરૂપની ઊંધી સમજણ કરીને ઊંધા ભવ કરી રહ્યો છો તે
ભાવમાં તને પ્રતિકૂળ સંયોગો નથી નડતા, અને સ્વરૂપની સમજણના–સવળા ભાવ કરવામાં તને પ્રતિકૂળ સંયોગો
નડે છે? વાહ! પોતાને જે કરવું નથી તેમાં સંયોગોનો વાંક કાઢે છે, અને પોતાને જે રુચે છે તે કરે છે, તેમાં તો
સંયોગોની પ્રતિકૂળતાને સંભારતો નથી. આત્માની રુચિ કરવામાં સંયોગ નડે અને સંસારની રુચિ કરવામાં સંયોગ
ન નડે–એ વાત ક્યાંની? સાતમી નરકમાં અનંત પ્રતિકૂળતાના ગંજ બાહ્યમાં હોવા છતાં ત્યાંના જીવ પણ
સ્વરૂપની રુચિ કરીને ધર્મ પામી શકે છે. અહીં તો તેના અનંતમાં ભાગે પ્રતિકૂળતા પણ નથી. પરંતુ પોતાને
આત્માની દરકાર નથી તેથી સંયોગનો દોષ કાઢે છે. જો પોતે સમજવા માગે તો ગમે ત્યારે સમજી શકાય છે.
પર વસ્તુઓનો સંયોગ વિયોગ થવો તે તો પૂર્વના પુણ્ય–પાપ અનુસાર છે, તેનો કર્તા આત્મા નથી, પણ
સંયોગની અને વિકારની રુચિનો નાશ કરીને પોતાના સ્વભાવમાં વાળવું તે તો પોતાના પુરુષાર્થને આધીન છે.
પોતાને પુરુષાર્થ કરવામાં કોઈ નિમિત્ત કે સંયોગ નડતા નથી. પોતે સત્ સમજવાની રુચિ કરે ત્યારે સત્ને
અનુકૂળ નિમિત્ત સ્વયં હોય જ છે.
આત્મધર્મ અંક ૩ સુધારો
૧. પાનું ૧૬૨ માં બોલ નં. ૮૨ થી ૮૬ માં ‘સ. પા. ૩૦૪–૩૦૫ ફ્રુટનોટ’ એમ લખેલ છે તેને
બદલે ‘સ. પા. ૩૬૯ ફ્રુટનોટ’ એમ વાંચવું.
૨. પાનું ૧૬૮ કોલમ. ૩ લાઈન ૯–૧૦ માં “દેવ તે સમકિતી ન હોવાથી દુઃખી જ છે વ્યવહારે
કારણકે...” એમ લખેલ છે તેને બદલે “દેવ તે સમકિતી ન હોવાથી દુઃખી જ છે, કારણકે...” એમ વાંચવું.