: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૨૦૭ :
સમયસાર–મોક્ષ અધિકારના વ્યાખ્યાનમાંથી
ગાથા–૨૯૬
પ્રશ્ન:– જે જીવને પોતાના ભાવમાં સાચી અહિંસા પ્રગટી હોય તેને બીજો કોઈ જીવ મારવા આવી શકે
ખરો? તેની અહિંસાના પ્રભાવ વડે સામો જીવ પણ અહિંસક બની જાય–એવો અહિંસાનો પ્રભાવ પડે કે નહિ?
ઉત્તર:– ના. એક દ્રવ્યની અસર બીજા દ્રવ્ય ઉપર કદી પડી શકે જ નહિ કેમ કે દરેક દ્રવ્યો સ્વતંત્ર છે. એક
જીવની અહિંસાનો પ્રભાવ બીજા જીવ ઉપર પડી શકે જ નહિ. એક જીવને અહિંસા પ્રગટી તેથી બીજા જીવને તેને
દુઃખ દેવાનો ભાવ ન જ થાય એમ નથી. જેમને અંતરમાં ભાવ અહિંસા પ્રગટી છે એવા ધર્માત્મા સંત મુનિઓ
સ્વરૂપના ધ્યાનમાં લીન હોય અને સિંહ ક્રૂર ભાવે તેમના શરીરને ખાઈ જતા હોય–એમ પણ બને છે. ત્યાં
મુનિપ્રભુના અહિંસકભાવમાં કાંઈ દોષ નથી. બહારમાં શરીર ખાવાની ક્રિયા તે હિંસા નથી પરંતુ અંતરમાં
ક્રૂરભાવ તે હિંસા છે. પોતાની અહિંસાનું ફળ પોતાના આત્મામાં નિરાકૂળ શાંતિરૂપે આવે છે અને પોતાના
હિંસકભાવનું ફળ પોતાના આત્મામાં આકૂળતા અશાંતિરૂપે આવે છે. નરકાદિનો સંયોગ થવો તે તો પરવસ્તુ છે,
તેનું વેદન આત્માને નથી પણ જેવા ભાવ પોતે કરે તેવા ભાવને પોતે તે જ વખતે ભોગવે છે. હિંસાનું ફળ
નરક–એમ કહેવાય છે તે તો બહારના સંયોગોનું જ્ઞાન કરાવવા માટે કહેવાય છે.
પર જીવને મારવો તે હિંસા અને પર જીવને ન મારવો તે અહિંસા–એવી વ્યાખ્યા સાચી નથી. પુણ્ય–પાપ
મારાં એવી માન્યતા તે જ હિંસા છે અને પુણ્ય–પાપ ભાવ મારું સ્વરૂપ નથી, હું તો તેનો પણ જ્ઞાતા જ છું–એવી
માન્યતા તે જ અહિંસા છે, પુણ્ય–પાપના ભાવ રહિત સ્વરૂપ સમજીને પોતાના સ્વભાવમાં ઠરી જાય અને પુણ્ય–
પાપ રહિત અહિંસા પ્રગટે તેથી બીજા પ્રાણીને તેની અસરથી કાંઈ લાભ થાય–એ વાત સાચી નથી. એક જીવ
પોતાનું સ્વરૂપ સમજીને અહિંસાભાવ પ્રગટ કરે તેથી તેને લીધે બીજો જીવ પણ તેની માન્યતા ફેરવી નાખે એમ
બનતું નથી, કેમકે દરેક જીવ સ્વતંત્ર છે. જો જીવ પોતે પોતાના ભાવ ન ફેરવે તો ત્રણ જગતમાં કોઈ અન્ય તેના
ભાવને ફેરવવા સમર્થ નથી.
જો મહાનમાં મહાન પુરુષ શ્રી તીર્થંકરદેવની દ્રષ્ટિ પડે તો આ આત્માને ધર્મનો લાભ થઈ જાય એ વાત
પણ ખોટી જ છે. સાક્ષાત્ તીર્થંકરદેવ પણ આ આત્માને સહાયક નથી. કેમ કે જો જીવ પોતે પોતાના જ્ઞાન વડે
સ્વભાવને ઓળખે અને તીર્થંકરદેવ જેવા નિમિત્તનું લક્ષ પણ છોડીને જ્યારે સ્વભાવનું લક્ષ કરે ત્યારે તેને
સમ્યગ્દર્શન–ધર્મ પ્રગટે છે. પરંતુ જો પોતે સમ્યગ્જ્ઞાન કરે નહિ તો લાખો વર્ષ તીર્થંકર પાસે રહેવા છતાં પણ
કિંચિત્ ધર્મલાભ પામે નહિ. સામે તીર્થંકરદેવ તો સંપૂર્ણ વીતરાગ છે છતાં આ જીવ પોતે ઊંધી માન્યતારૂપ
અનંતી હિંસા ન ટાળે તો તીર્થંકરદેવ શું કરે?
સમોસરણમાં સિંહ અને હરણ ઈત્યાદિ જાતિવિરોધી પ્રાણીઓ પણ એક બીજાને ઉપદ્રવ કરતા નથી; તે
ખરેખર તીર્થંકરદેવની અહિંસાનો પ્રભાવ નથી પરંતુ સમોસરણમાં આવનારા તે જીવો જ મંદકષાયી હોય છે તેથી
તેઓ પોતાની જ પાત્રતાથી એકબીજાને ઉપદ્રવ કરતા નથી. ભગવાનના પુણ્યનો મહિમા બતાવવા માટે તેને
ભગવાનનો અતિશય કહેવાય છે. પણ ખરેખર ભગવાનની અસર પર જીવો ઉપર પડતી નથી.
દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ તે વિકલ્પ છે–ઉદયભાવ છે, તેનાથી સમ્યગ્દર્શન થતું નથી, પણ વિકલ્પરહિત
અખંડ જ્ઞાનસ્વરૂપ છું એમ પ્રજ્ઞાવડે સ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે અને પ્રજ્ઞાવડે આત્માના
સ્વભાવને અને બંધભાવને (–ઉદયભાવને) જુદા જાણવા તે સમ્યગ્જ્ઞાન છે તથા બંધભાવનું લક્ષ છોડીને
સ્વભાવમાં સ્થિર થવું તે સમ્યક્ચારિત્ર છે. આ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે જ અહિંસાભાવ છે
અને તેનું ફળ આત્મામાં જ સમાય છે, બહારમાં તેનું ફળ આવતું નથી.
જગતની દરેક વસ્તુ સંપૂર્ણ સ્વાધીન છે, સ્વ અને પર પદાર્થો સ્વતંત્ર છે, કોઈ એકબીજા ઉપર અસર કરતા
નથી; આવી સ્વાધીન તત્ત્વદ્રષ્ટિ અજ્ઞાનીને સમજાતી નથી, અને પરાધીનદ્રષ્ટિથી જ અનંતસંસારમાં રખડયો છે.
ભગવાનશ્રી કુંદકુંદપ્રભુ સ્વાધીન સ્વભાવદ્રષ્ટિ સમજાવે છે કે તું જ્ઞાનસ્વરૂપ આત્મા છો, પરથી અને પુણ્ય–પાપથી
ભિન્ન તારૂં સ્વરૂપ છે–એમ પ્રજ્ઞાવડે સ્વ–પરની વહેંચણી કરીને તું તારા સ્વભાવને જો, અને પરાધીનપણાની
માન્યતા છોડ! તારા સ્વાધીન સ્વભાવને કોઈની મદદ નથી. તારા ઘરની મૂડી છે તે ઉઘાડીને જો, તારા જ
સ્વભાવમાં પ્રજ્ઞા છે તે પ્રજ્ઞાવડે તારા સ્વભાવને તું પરથી ભિન્નપણે અનુભવ. તારા સ્વભાવનો અનુભવ કરવામાં
તને કોઈ અંતરાય કર્મ રોકતું નથી પરંતુ ‘હું રાગી–દ્વેષી છું, રાગ–દ્વેષ મારું કર્તવ્ય છે’ એવી ઊંધી માન્યતા તે જ
સ્વરૂપને ભેટતાં રોકે છે એટલે તે માન્યતા જ અંતરાય છે, તે જ હિંસા છે. (વધુ માટે પાન ૨૦૬)