Atmadharma magazine - Ank 036
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૨૫ :
તેની પાછળ પોતાને શુદ્ધાત્માની રુચિ અને બહુમાન વધે છે તેની મુખ્યતા છે–તેનાથી જ લાભ થાય છે પણ
રાગથી લાભ થતો નથી. આમ વિવેક પૂર્વક ભક્તિ કરે તે જ સાચો ભક્ત છે.
૧૯. –શ્રી જિનપ્રતિમાની ભક્તિ વગેરે–
યાદ રાખ! જેને આત્માની દરકાર નથી, દેવ–ગુરુ–ધર્મની ભક્તિ નથી અને સંસારની રુચિમાં લીન થઈ
રહ્યો છે તે દુર્ગતિ જનાર છે. સત્ના આદર વગર બેભાનપણે અસાધ્ય મરણ થાય છે તે નરક–નિગોદનું કારણ
છે. ભગવાનની ભક્તિ વગર ભવનું નિવારણ થવાનું નથી. સાક્ષાત્ પ્રભુ તથા વીતરાગી સંત–મુનિરાજ અને
તેઓની પ્રતિમાનું પૂજન, વંદન, ભક્તિ, પ્રભાવના, મહોત્સવ અનાદિથી દેવેન્દ્રો અને ચક્રવર્તીઓ પણ કરતા
આવ્યા છે, તેનો જે નિષેધ કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને દેવ–ગુરુ–ધર્મની ભક્તિ જરાય નથી. હે નાથ! જો તારા
ચરણની ભક્તિ ન હોત તો આ જગતના જીવોનો જન્મ–મરણથી ઉદ્ધાર કેમ થાત?
કોઈ એમ માને કે– ‘સમયસારની વાત સહેલી છે કેમ કે તેમાં શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ કરવાની વાત
આવે નહિ;’ તો તે યથાર્થ સમજ્યો જ નથી. અરે ભાઈ! જેને શુદ્ધાત્માની સમજણ અને મહિમા થાય તેને
વીતરાગની ભક્તિ ઉછળ્‌યા વગર રહે જ નહિ. શુદ્ધાત્માના માહાત્મ્યવાળો જીવ જ્યાં જ્યાં શુદ્ધાત્મા ભાળે ત્યાં
તેને અંતરથી ઉમળકો આવે જ.
પં. બનારસીદાસજીએ કહ્યું છે કે–
‘જિનપ્રતિમા જિન સારખી, નમૈ બનારસી તાહિ. ’
ભક્તિ ઉછળતાં કહે છે કે જિન પ્રતિમા જિનદેવ સમાનજ છે. હે જિનપ્રતિમા! તારામાં એક વાણી નથી
પણ તારી સ્થિર શાંત વીતરાગી મુદ્રા આત્માનો સ્વભાવ જ દર્શાવી રહી છે. સાક્ષાત્ ભગવાન પણ કાંઈ હાથમાં
લઈને આત્મા દેખાડતા નથી. તમે પણ વીતરાગીભાવ જ દર્શાવી રહ્યા છો–આમ પ્રતિમા પ્રત્યે ભક્તિ ઉછળે છે.
પણ જેને જિનદેવનો મહિમા નથી અને વીતરાગી ભાવની રુચિ નથી તેને આવી ભક્તિ ઉછળતી નથી.
૨૦. –વીતરાગની સ્તુતિ કરનારનો વિવેક–
હે નાથ! આપની સ્તુતિ વગર જન્મમરણનો નાશ નથી. આપને ઓળખીને આપની સ્તુતિ કરી તેણે
વીતરાગભાવની જ સ્તુતિ કરી એટલે હવે તે રાગનો આદર કરે નહિ. આમ જેણે વીતરાગભાવ અને રાગભાવ
વચ્ચે ભેદ પાડીને વીતરાગભાવનો નાદર કર્યો તે ક્રમેક્રમે રાગ ટાળીને વીતરાગ જ થવાનો. હે નાથ, એ આપની
જ ભક્તિનો પ્રભાવ છે, માટે આ જગતમાં આપ જ જન્મ–મરણ ટાળનાર છો.
‘કંકર એટલા શંકર અથવા પત્થર એટલા પરમેશ્વર’ એમ માને તે મહા અવિવેકી છે; હે દેવ, આપના
સિવાય અન્યને પણ જે માને તે મહા મૂઢ અવિવેકી છે. અહો! સ્ત્રી અને માતા વચ્ચે વિવેક કરે છે અને સાચા
દેવ અને કુદેવ વચ્ચે વિવેક ન કરે–એ કેટલી મૂર્ખાઈ? હે પ્રભુ! તને છોડીને કુદેવાદિને માનવા તે અનંત સંસારનું
કારણ છે.
૨૧. –ભક્તજીવ ધન–વૈભવ માગે નહિ–
ધર્મ ધર્મીથી શોભે છે, પણ ધર્મ ધનથી શોભતો નથી; આથી જ્ઞાનીને ધનનો અહંકાર હોતો નથી. ધર્મ
ધર્માત્માના આધારે છે પણ પૈસાના આધારે ધર્મ નથી તેથી ધર્મમાં ધર્માત્માનો આદર છે. અબજોની મિલ્કતવાળા
ધર્માત્મા કહે છે–હે નાથ! પૂર્ણાનંદી પ્રભુ! અમે આપના દાસ છીએ, અમે આપની ભક્તિ કઈ રીતે કરીએ?
અમારું સર્વસ્વ અર્પણ કરીએ તોપણ તારી ચરણરજ છીએ, અમે શું કરી શકીએ? અમને તો તારી ભક્તિ જ હો.
તારી ભક્તિ સિવાય ધન–વૈભવને અમે ઈચ્છતા નથી. આ જગતમાં તારી ભક્તિના પ્રતાપે અમારા જન્મ–
મરણનો નાશ થઈ જશે; તેથી અમને એક તારી ભક્તિ જ હો.
૨૨. –ભક્તિની ભાવનામાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે તફાવત–
એ ખાસ ધ્યાન રાખવું કે–આ ઓળખાણ સહિતની ભક્તિ છે, આમાં એકલો શુભરાગ ન સમજવો, પણ
ઓળખાણ અને શુદ્ધ સ્વભાવની રુચિ છે તે જ લાભનું કારણ છે. ‘તારી ભક્તિ સિવાય બીજું ઈચ્છતા નથી’
એટલે શું? શું આમાં ભક્તિના શુભરાગની ઈચ્છા છે? નહિ; શુભરાગની ઈચ્છા નથી. પણ ‘ભક્તિ સિવાય બીજું
ઈચ્છતા નથી’ એટલે કે હવે અમને અશુભરાગ તો કદી પણ ન આવો. અને આ જે શુભરાગ છે તે એકલો લાંબો
વખત ટકી શકશે નહિ, એટલે હવે શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ જશે–આવી તેમાં ભાવના છે. અજ્ઞાનીને શુદ્ધતાની
ખબર નથી અને તે એકલા શુભરાગ વડે લાભ માને છે; તેને સાચી ભક્તિ હોતી નથી.