Atmadharma magazine - Ank 036
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૧૩ :
સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તો, પહેલાંં જે જ્ઞાને વિકલ્પ સહિત નિર્ણય કર્યો હતો તે જ્ઞાનનો નિર્ણય તો ટકી
રહ્યો છે, માત્ર વિકલ્પનો નાશ થયો છે; જે જ્ઞાનનો નિર્ણય નાશ પામતો નથી તે જ્ઞાનને હેય કેમ કહેવાય? અહીં
કઈ અપેક્ષા ચાલે છે તે સમજવી જોઈએ. એકલા વિકલ્પવાળા જ્ઞાનની અહીં વાત નથી; એવું જ્ઞાન તો અભવી
પણ કરે છે, પરંતુ જે જીવ વિકલ્પ સહિત નિર્ણય કરીને અભેદ તરફ ઢળે છે તે જીવને, પૂર્વે નિર્ણય કરનારું જ્ઞાન
મોક્ષમાર્ગનું સાધન થાય છે, અહીં સ્વભાવ તરફ ઢળ્‌યું તે જ્ઞાન નિશ્ચય અને સ્વભાવ તરફ ઢળતાં પહેલાંં વિકલ્પ
સહિત સ્વભાવનો નિર્ણય કરનારું જ્ઞાન તે વ્યવહાર છે. જો સ્વભાવમાં ઢળીને નિશ્ચય પ્રગટ કરે તો પહેલાંંના
જ્ઞાનને વ્યવહાર કહેવાય છે. સ્વભાવ સન્મુખ થતાં પ્રથમ તો વિકલ્પનું જ્ઞાન હોય છે. પણ જો વિકલ્પ તોડીને તે
જ્ઞાન અંતર સ્વભાવ સન્મુખ થાય અને સમ્યગ્જ્ઞાન રૂપે પરિણમે તો તે જ્ઞાન નિત્ય ટકી રહ્યું કહેવાય. જે જ્ઞાને
વિકલ્પ સહિત નિર્ણય કર્યો તે જ્ઞાન વિકલ્પ તોડીને સ્વમાં ઢળી જ જશે–એવી શૈલીથી અહીં કથન છે. પણ
વિકલ્પ કરતાં કરતાં જ્ઞાન સમ્યક્રૂપે પરિણમી જશે એમ જે માને તેની દ્રષ્ટિ વિકલ્પમાં જ અટકી છે તેથી તેને
સમ્યગ્જ્ઞાન થાય નહિ.
નવ તત્ત્વની શ્રદ્ધા, વિકલ્પસહિત જ્ઞાન અને પંચ મહાવ્રતની વૃત્તિએ રીતે વ્યવહારસમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રનું જ્ઞાન તો પહેલાંં આવે, તે વ્યવહાર છે; તેમાં જેટલો રાગ છે તે હેય છે પણ જે જ્ઞાન છે તે હેય નથી–
એમ ક્યારે કહેવાય? જો તે જ્ઞાન ટકી રહીને અભેદની શ્રદ્ધા કરે તો તે હેય નથી. પણ જો અભેદની શ્રદ્ધા ન કરે
તો તે જ્ઞાનમાં સમ્યગ્જ્ઞાનરૂપ થવાની તાકાત નથી, અને તેથી તે જ્ઞાન આત્માને લાભનું કારણ નથી.
જેમ કેવળી ભગવાનને પૂર્વના બધા વિકલ્પોનું જ્ઞાન વર્તે છે, વિકલ્પો છૂટી જવાં છતાં તેનું જ્ઞાન છૂટી
જતું નથી; તેમ સ્વરૂપ તરફ ઢળવા જતાં પ્રથમ જે વિકલ્પો હોય છે તે વિકલ્પો સમ્યગ્જ્ઞાન થતાં છૂટી જાય છે પણ
જ્ઞાને કરેલા યથાર્થ નિર્ણયનો સ્વીકાર તો ચાલુ રહે છે. કેમ કે જો જ્ઞાનનો નિર્ણય પણ છુટી જાય તો પર્યાયનો જ
નાશ થાય. દ્રવ્ય, ગુણ અને પ્રગટેલી જ્ઞાન પર્યાય તે ત્રણે થઈને વસ્તુ છે.
નિજ શુદ્ધાત્માની શ્રદ્ધા કર્યા વગર કોઈ જીવ અગીઆર અંગ ભણે તોપણ તેનું જ્ઞાન ટકયું ન કહેવાય
પણ તે જ્ઞાન વિનાશિક છે, સ્વભાવની શ્રદ્ધા વગરનું અગીઆર અંગનું જ્ઞાન તે પણ ક્ષણિક બોધ છે, શાસ્ત્રોનું
વિશેષ જાણપણું ન હોવા છતાં જો સ્વભાવની શ્રદ્ધા કરીને જ્ઞાન સ્વમાં વળે તો તે જ્ઞાન ટકયું કહેવાય. જે જ્ઞાનનું
અભેદપણું આત્મા સાથે થાય તે જ્ઞાન અવિનાશી છે. જો કે તે જ્ઞાન–પર્યાય તો એક સમય પૂરતી જ છે પરંતુ તે
જ્ઞાનનું પરિણમન ક્રમેક્રમે વધીને કેવળજ્ઞાનરૂપ થાય છે એ અપેક્ષાએ તે જ્ઞાનને અવિનાશી કહેવાય છે. જે જ્ઞાન
રાગમાં ટકે તે વિનાશી અને સ્વભાવમાં ટકે તે અવિનાશી છે.
ગયા કાળની વિકારી પર્યાયનો ખ્યાલ વર્તમાન જ્ઞાનમાં થાય તે નુકશાનનું કારણ નથી; કેમ કે વિકારનો
વિકાર તરીકે ખ્યાલ કર્યો તે તો જ્ઞાનનું કાર્ય થયું, જ્ઞાનનું કાર્ય નુકશાનનું કારણ નથી.
પ્રજ્ઞાવડે જ આત્માનું ગ્રહણ કરવાનું કહ્યું છે અને બાકી બધા ભાવોને આત્માથી પર જાણવા–એમ કહ્યું
છે. ‘ચેતક તે જ હું’ –આમાં વિકલ્પ પણ છે અને જ્ઞાન પણ છે; આમાં જે જ્ઞાન છે તે ચેતક સ્વભાવ તરફ
ઢળનારું છે. ચેતક સ્વભાવની અભેદપણે શ્રદ્ધા કરતાં તે શ્રદ્ધાના જોરે તે જ્ઞાનનો નિર્ણય પર્યાયમાં ચાલુ રહેશે
અને વિકલ્પ છૂટી જશે. નિશ્ચયસ્વભાવનું લક્ષ કરનારા જીવને નિશ્ચય–વ્યવહાર કઈ રીતે હોય તે આમાં આવી
જાય છે. યથાર્થ સ્વભાવનું સ્વદ્રવ્યાશ્રિત જ્ઞાન તે નિશ્ચય છે અને સ્વભાવનું લક્ષ કરવા જતાં જે વિકલ્પ ઊઠ્યો
તે વ્યવહાર છે.
આત્મા તો જ્ઞાન છે, તે જ્ઞાન જ કર્યા કરે છે. આત્મા ક્યારે જ્ઞાન નથી કરતો? અજ્ઞાન દશામાં શુભાશુભ
ભાવ કરતી વખતે પણ જ્ઞાન તો કરે છે; પણ તે જ્ઞાનદશા ક્યારે ટકે અથવા તો તે જ્ઞાન મોક્ષનું કારણ ક્યારે
થાય? જો રાગનું અવલંબન તોડીને અભેદ સ્વભાવની શ્રદ્ધા કરીને તેના અવલંબને જ્ઞાન કરે તો તે જ્ઞાન સ્વમાં
ભળીને અભેદ થાય અને તે મોક્ષનું કારણ થાય. પણ જે જ્ઞાન પર લક્ષમાં રોકાય અને સ્વમાં ન ઢળે તે જ્ઞાન
મોક્ષનું કારણ થાય નહિ.
આ ગાથામાં પ્રથમ છ કારકના ભેદથી વાત કરી છે અને પછી છ કારકના ભેદનો નકાર કરીને વાત કરી
છે, ‘હું ચેતક છું’ મારા વડે જ ચેતું છું’ ઈત્યાદિ છ કારક ભેદના વિચારથી અથવા તો ‘મારામાં છ કારક ભેદ
નથી–હું એક ચેતક જ છું’ એવા વિચાર તે બંને રાગ છે, હજી જ્ઞાનમાં ભેદ પડે છે; જો અભેદ સ્વભાવમાં
નિર્વિકલ્પપણે ઠરી જાય તો તેવો ભેદનો વિચાર ન હોય પણ અભેદનો અનુભવ જ હોય. અને જો
ચૈતન્યસ્વભાવનો નિર્ણય કર્યો જ ન હોય તો તેને પણ આવા સ્વભાવ તરફ ઢળવાના વિચાર ન આવે; જેણે
ચૈતન્યસ્વભાવને નિર્ણયમાં તો લીધો છે પણ હજી વિકલ્પ તોડીને તેમાં એકાગ્ર થયો નથી એવા જીવને
સાધકદશામાં આવા વિકલ્પોરૂપ વ્યવહાર આવે છે.