: ૨૧૪ : આત્મધર્મ આસો : ૨૪૭૨
પહેલાંં વિકલ્પ સહિત જ્ઞાનથી નિર્ણય કર્યા પછી સ્વભાવમાં ઢળતાં તે વિકલ્પ છૂટી જાય છે. પ્રથમ
સ્વભાવ તરફ ઢળતાં સૂક્ષ્મ રાગ રહ્યો છે, ત્યાં પર સંબંધી વિચારનો સ્થૂળ રાગ તો છૂટયો છે પણ સ્વમાં ભેદના
વિચારનો રાગ વર્તે છે. તે રાગ પોતે સ્વભાવમાં ઢળવાનું કાર્ય કરતો નથી પરંતુ તે રાગ વખતે જે જ્ઞાન છે તે
જ્ઞાન પોતે સ્વભાવમાં ઢળે છે. અભેદ સ્વભાવનો અનુભવ અને શ્રદ્ધા કરતાં તે જ્ઞાન તો ચૈતન્યમાં વ્યાપી જશે
અને વિકલ્પનો રાગ ટળી જશે. આમાં જ્ઞાન લંબાણું છે.
પહેલાંં ભેદનો વિચાર પગથિયારૂપે આવે છે પણ જ્યાં અભેદના જોરે વિકલ્પ તોડયો ત્યાં જ્ઞાન અભેદ–
ચૈતન્યમાં વ્યાપી ગયું. તે જ્ઞાન સાથેનો વિકલ્પ ટળ્યો પણ વિકલ્પનું જ્ઞાન ટળી ગયું નથી. કેમ કે જ્ઞાન તો
આત્માનો સ્વભાવ છે. વિકલ્પરૂપ વ્યવહારનું જ્ઞાન કરવું તે દોષનું કારણ નથી, પણ જે વિકલ્પ આવે છે તે
ચારિત્રનો દોષ છે. અને જો તે વિકલ્પને અભેદ સ્વભાવમાં ઢળવાનું સાધન માને તો શ્રદ્ધાનો દોષ છે. જ્ઞાન તો
પોતાનો સ્વભાવ હોવાથી તેનો સ્વીકાર બીજી પર્યાયમાં પણ ચાલુ રહે છે; અને રાગ તે સ્વભાવનું સાધન નથી,
તેથી સ્વભાવમાં ઢળતાં તે છૂટી જાય છે.
‘હું ચૈતન્ય છું’ એવી ભેદની વૃત્તિ ઊઠે તે હું નહિ, એમ પ્રજ્ઞા વડે નક્કી તો કર્યું છે, પછી ચૈતન્ય
સ્વભાવમાં ઢળતાં ભેદની વૃત્તિ ઊઠી છે તેને તોડીને અંદર ઠરવાની આ વાત છે.
આત્માને પરથી ભિન્ન શુદ્ધ સ્વભાવપણે કઈ રીતે જાણવો? તેના ઉત્તરમાં કહ્યું છે કે પ્રજ્ઞા વડે આત્માને
પરથી ભિન્નપણે જાણવો. પ્રજ્ઞાવડે જ આત્મા અને બંધને જુદા કરાય છે. શિષ્ય પૂછે છે કે આત્માને પ્રજ્ઞાવડે
પરથી જુદો તો જાણ્યો પરંતુ આત્માને ગ્રહણ કઈ રીતે કરવો? આત્મામાં લીન કઈ રીતે થવું? તેનું સમાધાન
આ ગાથામાં ચાલે છે. ‘હું આત્મામાં લીન થાઉં’ એવા વિકલ્પ વડે આત્મામાં લીનતા થતી નથી પણ પ્રજ્ઞા વડે
જ (સ્વભાવ તરફ ઢળતા જ્ઞાનથી જ) લીનતા થાય છે. પહેલાંં ભેદના વિકલ્પ આવે તેને સાધન કહેવું તે
વ્યવહાર છે, ખરેખર તે વિકલ્પ છોડીને સ્વભાવમાં ઢળે ત્યારે તેને વ્યવહાર કહેવાય છે એટલે કે વિકલ્પ તો
જાણવા માટે છે. મોક્ષ પર્યાય શાથી થાય? કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું પ્રજ્ઞા વડે જ્ઞાન અને તેમાં જ પ્રજ્ઞાવડે લીનતા
કરવાથી મોક્ષ થાય છે, પરંતુ દેહાદિ જડની ક્રિયાથી કે વ્રતાદિના વિકલ્પથી મોક્ષ થતો નથી.
તીર્થરાજ શ્રી સુવર્ણપુરીમાં ધાર્મિક મહોત્સવ
સુવર્ણપુરી (સોનગઢ) નું નામ કયા મુમુક્ષુએ નહિ સાંભળ્યું હોય! તીર્થધામ સુવર્ણપુરીમાં ઉજવાતા
ધાર્મિક મહોત્સવને નજરે નિહાળનારને એમ લાગ્યા વગર રહેતું નથી કે–મહોત્સવના પ્રસંગે સુવર્ણપુરી એ
સાક્ષાત્ ધર્મક્ષેત્ર બની જાય છે, અને ધર્મને માટે અહીં પાંચમો નહિ પણ ચોથો કાળ છે.
સુવર્ણપુરીમાં શું નથી? બધું જ છે. એક તરફ ભવ્ય જિન મંદિર છે–જેમાં મૂળ નાયક તરીકે શ્રી સીમંધર
ભગવાનની ઉપશમરસ નીતરતી પ્રતિમા બિરાજમાન છે. જિન મંદિરની પાછળ અદ્ભુત સમવસરણની રચના
છે, જેમાં કુંદકુંદાચાર્યદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્યવાણી ઝીલી રહ્યા છે એ પવિત્ર દ્રશ્ય નજરે પડે છે. બીજી
તરફ જન્મ–મરણનો ભાવરોગ ટાળવા માટે મહામંગલ મંદિર–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–છે, જેમાં વીતરાગદેવની
સાક્ષાત્ વાણી સમાન શ્રી સમયસારજી પરમાગમની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વિશેષપણે મુમુક્ષુ
આત્માઓના મહત્સદ્ભાગ્ય એ છે કે, અહીં સાક્ષાત્ ચૈતન્ય મૂર્તિ સદ્ગુરુદેવ શ્રી કહાનપ્રભુ બિરાજી રહ્યાં છે
અને વીતરાગી પ્રભુની છત્રછાયા નીચે વ્યાખ્યાન પીઠિકા ઉપર બિરાજીને સત્ધર્મના એકધારા પ્રવાહી ઉપદેશવડે
વીતરાગશાસનનું રહસ્ય પ્રગટ કરી રહ્યાં છે. તે રીતે ધર્મધૂરંધર તીર્થંકરોના વિરહ વખતે પણ તેઓશ્રી ધર્મકાળ
વર્તાવી રહ્યા છે. આ રીતે ધર્મક્ષેત્ર સુવર્ણપુરીમાં સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો મહામંગળ સુમેળ વર્તી રહ્યો છે. આ
ઉપરાંત પૂ. સદ્ગુરુદેવશ્રીના મંગલ પ્રવચનના રહસ્યને સમજીને મોક્ષલક્ષ્મી સાથે લગ્ન કરવા માટેના ભવ્ય
મંડપરૂપ ‘ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચનમંડપ’ તૈયાર થઈ રહ્યો છે; તેમજ ‘શ્રી ખુશાલ જૈન અતિથિ ગૃહ’ મહાન
સાધર્મી વાત્સલ્યનું દર્શન કરાવી રહેલ છે; અને મુમુક્ષુઓનાં મંડળ વસી રહ્યાં છે તે ધર્મના ઉદ્યોતની જાહેરાત
કરી રહ્યાં છે.