Atmadharma magazine - Ank 038
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૨૯ઃ
વીર સાં. ૨૪૭૧ ના પર્યુષણ દરમિયાન પુ. સદ્ગુરુદેવ
(આ ઉપાદાન–નિમિત્તના સંવાદના ૪૭ દોહાનું વ્યાખ્યાન પર્યુષણ દરમિયાન વંચાઈ ગયેલ છે તેમાંથી
૧ થી ૧પ દોહાનું વ્યાખ્યાન આત્મધર્મ માસિકના ૨પમાં અંકમાં આવી ગયેલ છે.
અહીં ત્યારપછી આગળના દોહાઓનું વ્યાખ્યાન આપવામાં આવે છે.)।। ।।
श्रीसद्गुरुदेवने अत्यंतः भक्तिए नमस्कारः
શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનો ભૈયા ભગવતીદાસજી કૃત લેખાંક બીજો
ઉપાદાન–નિમિત્તનો સંવાદ
અત્યાર સુધીમાં ઉપાદાન સામે પોતાનું બળવાનપણું સિદ્ધ કરવા નિમિત્તે અનેક પ્રકારની દલીલો કરી અને
ઉપાદાને ન્યાયના બળથી તેની બધી દલીલો તોડી નાખી; હવે નિમિત્ત નવા પ્રકારની દલીલ રજૂ કરે છે–
યહ તો બાત પ્રસિદ્ધ હૈ, શોચ દેખ ઉર માંહિ;
નરદેહીકે નિમિત્ત બિન, જિય કયોં મુક્તિ ન જાહિં. ૧૬.
અર્થઃ– નિમિત્ત કહે છેઃ– એ વાત તો પ્રસિદ્ધ છે કે નરદેહના નિમિત્ત વગર જીવ મુક્તિ પામતો નથી, માટે હે
ઉપાદાન! તું આ બાબત અંતરમાં વિચાર કરી જો.
નિમિત્ત– બીજી બધી વાત તો ઠીક પણ મુક્તિમાં નરદેહનું નિમિત્ત છે કે નહિ? મનુષ્ય શરીર વળાવિયો તો
છે ને? એ વળાવિયો તો જોઈએ જ.
ઉપાદાન– એકલાને વળાવિયો કોણ? નાગાબાવાને વળાવિયાનું શુ કામ છે? નાગાને કોણ લૂંટનાર છે? એ
નાગાબાવાને વળાવિયા ન હોય. તેમ આત્મા સમસ્ત પરદ્રવ્યના પરિગ્રહથી રહિત એકલો સ્વાધીન છે, મોક્ષમાર્ગમાં
તેને કોઈ લૂંટનાર નથી. આત્મા પોતાની શક્તિથી પરિપૂર્ણ છે તેને કોઈ અન્ય વળાવિયાની જરૂર નથી. મનુષ્ય શરીર
જડ છે તે મુક્તિનું વળાવિયું નથી.
મનુષ્યપણામાં જ મુક્તિ થાય છે, અન્ય ત્રણ ગતિ (દેવ, નારક ને તીર્યંચ) માં મુક્તિ થતી નથી, તેથી
મનુષ્યદેહ જ આત્માની મુક્તિ કરાવી દે છે–એવા પ્રકારે નિમિત્ત દલીલ કરે છે–આખી દુનિયાના મત લ્યો તો
પ્રસિદ્ધપણે એવા વધારે મત મળશે કે–મનુષ્યદેહ વિના મુક્તિ ન થાય માટે મનુષ્યદેહથી જ મુક્તિ થાય છે; આ વાત
તો જગપ્રસિદ્ધ છે, હે ઉપાદાન! તેને તું તારા અંતરમાં વિચારી જો. શું કાંઈ દેવ કે નરકાદિ ભવમાં મુક્તિ થાય? ન જ
થાય, માટે મનુષ્યશરીર જ મુક્તિમાં કંઈક મદદ કરનારૂં છે. ભાઈ! આત્માને મુક્ત થવામાં કોઈક ચીજની મદદની તો
જરૂર પડે જ પડે. સો હળવાળાને પણ એક હળાવાળાની કોઈક વાર જરૂર પડે, માટે આત્માને મુક્તિ માટે તો ચોક્કસ
આ માનવદેહની મદદ જોઈએ.–૧૬–
નિમિત્ત બિચારો પોતાનું બધું જોર ભેગું કરીને દલીલ કરે છે પરંતુ ઉપાદાનનો એક નનૈયો તે બધાને હણી
નાખે છે. ઉપાદાન કહે છે કેઃ–
દેહ પીંજરા જીવકો, રોકૈં શિવપુર જાત;
ઉપાદાનકી શક્તિસોં, મુક્તિ હોત રે ભ્રાત. ૧૭.
અર્થઃ– ઉપાદાન નિમિત્તને કહે છે કે અરે ભાઈ! દેહનું પીંજરું તો જીવને શિવપુર (મોક્ષ) જતાં રોકે છે; પણ
ઉપાદાનની શક્તિથી મોક્ષ થાય છે.
નોંધઃ– દેહનું પીંજરું જીવને મોક્ષ જતાં રોકે છે એમ અહીં કહ્યું છે તે વ્યવહારકથન છે, જીવ શરીર ઉપર લક્ષ
કરી મારાપણાની પક્કડ કરી પોતે વિકારમાં રોકાય છે ત્યારે શરીરનું પીંજરું જીવને રોકે છે એમ ઉપચારથી કહેવાય છે.
હે નિમિત્ત! મનુષ્યદેહ જીવને મોક્ષ માટે મદદ કરે એમ તું કહે છે, પણ ભાઈ! દેહ, ઉપરનું લક્ષ તો ઉલટું
જીવને મોક્ષ જતાં અટકાવે છે; કેમકે શરીરના લક્ષે તો રાગ જ થાય છે અને રાગ જીવની મુક્તિ અટકાવે છે, એટલે
દેહરૂપી પીંજરું તો જીવને શિવપુર જતાં રોકનારું નિમિત્ત છે.
જ્ઞાની સાતમા–છઠ્ઠા ગુણસ્થાને આત્માનુભવમાં ઝૂલતા હોય ત્યાં છઠ્ઠા ગુણસ્થાને સંયમના હેતુથી શરીરના
નિભાવખાતર આહારની શુભ–લાગણી ઊઠે તે પણ મુનિના કેવળજ્ઞાન અને મોક્ષને રોકે છે, માટે હે નિમિત્ત!