Atmadharma magazine - Ank 038
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૩૮
નુકશાન છે, અને ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, સાચા જ્ઞાનથી જ ધર્મ થાય છે, પુણ્યથી ધર્મ થતો નથી તેમજ શરીર
વગેરે પરદ્રવ્યોની ક્રિયા હું કરી શકતો નથી’ આવી સાચી સમજણ પૂર્વે કદી ન કરી હોવા છતાં જ્યારે તેવી સાચી
સમજણ વડે સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે ત્યારે તે ભાવ પવિત્ર હોવાથી તેનાથી ધર્મ થાય છે. પવિત્ર ભાવ તે જ ધર્મ છે.
કોઈ પણ જીવ જ્યારે અજ્ઞાન ટાળીને સાચું જ્ઞાન પ્રગટ કરે ત્યારે તે જીવને માટે તો તે નવું જ છે; પરંતુ અનાદિ
સનાતન માર્ગની અપેક્ષાએ જુઓ તો તે ભાવ નવો નથી, પણ પૂર્વે અનંત જીવો તે ભાવે ધર્મ પામ્યા છે, અને તે જ
ભાવે દરેક જીવ ધર્મ પામે છે. જેઓને આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પવિત્ર ભાવોની ઓળખાણ નથી
તેઓ વિકારથી અને જડથી આત્માનો મહિમા માને છે, પણ ભાઈ રે! જડથી કે વિકારથી ચૈતન્યપ્રભુનો મહિમા ન
હોય! એ તો કલંક છે.
એક વખત દેરાણી–જેઠાણી વચ્ચે અણબનાવ થયો, જેઠાણી ખાનદાન કૂળની હતી અને દેરાણીના બાપે
પ૦૦૦) રૂા. લઈને કન્યા આપી હતી. એક વખત જેઠાણી કહે–તું મફતની કજીયો કરવા આવી છો...ત્યારે દેરાણી
કહે–મફતની તો તું આવી છો, મારા બાપે તો પ૦૦૦) રૂા. લીધા છે, હું તો પ૦૦૦) ની કિંમતે આવી છું. જેઠાણી
કહે–અરે મુર્ખી! તારા બાપે રૂા. લીધા તે તો તારા કૂળમાં કલંક લગાડયું છે. કલંક લગાડનારા કામ વડે મહિમા ન
હોય!
તેમ ચૈતન્યસ્વભાવનો મહિમા સાંભળીને જે એમ કહે છે કે, “તમે તો જ્ઞાનીની જ વાત કરો છો પણ કાંઈ
શારીરિક ક્રિયા વગેરે કરવાનું તો બતાવતા નથી! જ્ઞાનનો જ મહિમા કરો છો પણ છ ઉપવાસ તો કરી જુઓ! અને
અમારા જેવો ત્યાગ, સામાયિક વગેરે તો કરી જુઓ! તમારે ઉપવાસ, વ્રત વગેરેના શુભભાવ કર્યા વગર મફતમાં
મોક્ષ જોઈએ!”
–અરે ભાઈ! શરીરની ક્રિયા તો જડ છે અને શુભભાવ તો વિકાર છે, તેના વડે તેં તારી કિંમત બતાવી!
દ્રષ્ટાંતમાં જેમ કન્યાએ કલંકવડે પોતાની કિંમત માની તેમ તું વિકારભાવથી તારી મોટપ માની રહ્યો છો!
જન્મમરણનો અંત લાવનારૂં જે નિર્દોષ નિષ્કલંક વીતરાગી જ્ઞાન તેનો તને મહિમા નથી આવતો અને ચૈતન્યને કલંક
લગાડનારા રાગાદિ વિકારનો તને મહિમા આવે છે તે મિથ્યાત્વ છે. અનંતકાળે નહિ કરેલું એવું સમ્યગ્જ્ઞાન–કે જે
અનંત સંસારનો અંત લાવનારૂં છે–તે તને મફતિયું લાગે છે અને જ્ઞાન વગર શુભરાગની અને શરીરની ક્રિયામાં તને
હોંશ આવે છે! પણ તેં શું કર્યું? રાગ કરીને તેના વડે ચૈતન્યનો મહિમા કર્યો એટલે ચૈતન્યના વીતરાગી સ્વભાવનું
ખૂન કરીને વિકાર વડે તેં તારી મોટપ માની. સ્વભાવને કલંક લગાડીને પ્રગટેલી વિકાર પરિણતિમાં તેં ધર્મ માન્યો
અને સ્વભાવની વૃદ્ધિ કરનારી, નિર્દોષ, કલંક વિનાની સીધી પ્રગટેલી ચેતના પરિણતિરૂપ પવિત્ર ધર્મ છે તેનો
મહિમા ન આવ્યો–તો તને ધર્મ–અધર્મના સ્વરૂપની જ ખબર નથી. અજ્ઞાનીને વિકારવાળી ક્રિયા ગોઠે છે પણ વિકાર
વગરની જ્ઞાનક્રિયા ગોઠતી નથી. એક માત્ર સમ્યગ્જ્ઞાન વગર પૂર્વે અનંતવાર શુભકરણી કરી, વ્રત ઉપવાસાદિના
શુભરાગ કર્યા અને બાહ્ય ત્યાગી પણ થયો પરંતુ અજ્ઞાનરૂપી પાડો તે બધું ચાવી ગયો.
અજ્ઞાનીઓ કહે છે કે–“શું તમારે એકલા જ્ઞાનથી મોક્ષ લેવો છે?’ અરે ભાઈ! એકલું જ્ઞાન એટલે રાગ
વગરનું જ્ઞાન. એ જ્ઞાનથી મુક્તિ ન હોય તો શું તારે વિકારથી અને જડથી મુક્તિ લેવી છે? એકલા જ્ઞાનથી જ મુક્તિ
થાય છે. જ્ઞાનની સ્વરૂપમાં સ્થિરતા તે જ ચારિત્ર છે.
પ્રશ્નઃ– કષ્ટ સહન કર્યા વગર મોક્ષ થાય?
ઉત્તરઃ– કષ્ટ સહન કરવાં તે તો દુઃખ છે. કષ્ટ સહન કરવાં તે મોક્ષનું કારણ નથી પરંતુ મોક્ષનું કારણ તો
સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર જ છે. ધર્મ દુઃખદાયક નથી. જો ધર્મમાં કષ્ટ હોય તો તો ધર્મ દુઃખદાયક ઠરે.
સમ્યગ્જ્ઞાન પહેલાં લોકો વ્રતાદિરૂપ ચારિત્ર માગે છે; પરંતુ સાચું જ્ઞાન કરવું તે જ પહેલું ચારિત્ર છે. જગતના
બધાય પરદ્રવ્યોને અને પરભાવોને સ્વભાવથી ભિન્નપણે જાણીને તે બધાનું સ્વામીત્વ છોડી દીધું તેથી જ્ઞાન પોતે જ
પ્રત્યાખ્યાન છે. પરંતુ બાહ્યથી જોનારાઓ માત્ર બાહ્યત્યાગને જ ચારિત્ર માને છે. અજ્ઞાન ટાળ્‌યું ત્યાં અનંત ભવ ટળી
ગયાં તે મહાન ત્યાગ તેમને ભાસતો નથી. સાચું જ્ઞાન કરવું તે જ પહેલું ચારિત્ર છે. હજી જે સાચા જ્ઞાનની જ ના
પાડે છે તે ચારિત્ર ક્યાંથી લાવશે? સમ્યગ્જ્ઞાન પ્રગટયા પછી જેમ જેમ તે જ્ઞાન આત્મસ્વરૂપમાં ઠરતું જાય છે તેમ
તેમ રાગ ટળતો જાય છે અને રાગ ટળતાં બાહ્ય ત્યાગ તો સ્વયં હોય છે.
* * * * * * *