Atmadharma magazine - Ank 038
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૩૧ઃ
પણ તે પોતાના જ ઊંધા ભાવને કારણે જ્ઞાનશક્તિ હારી ગયો છે; ‘ઇન્દ્રિયો નથી માટે જ્ઞાન નથી’ –એમ નથી પરંતુ
‘પોતામાં જ જ્ઞાનશક્તિ હણાઈ ગઈ છે માટે નિમિત્ત પણ નથી’ આમ ઉપાદાન તરફથી લેવાનું છે. સારા કાન અને
સારી આંખ મળે તેથી શું? કાને ઉપદેશ પડવા છતાં જો ઉપાદાન ન જાગે તો તે ધર્મ સમજે નહિ; તેમ જ સારી આંખ
હોય અને શાસ્ત્રોના શબ્દો વંચાય પરંતુ જો ઉપાદાન પોતાની જ્ઞાનશક્તિથી ન સમજે તો તેને ધર્મ થાય નહિ.
આંખથી અને શાસ્ત્રથી જો ધર્મ થતો હોય તો મોટી આંખવાળા પાડા પાસે પોથાં મૂકો ને? સારાં નિમિત્ત હોવા છતાં
તે કેમ નથી સમજતો? ઉપાદાનમાં જ શક્તિ નથી તેથી તે સમજતો નથી; કર્મ વગેરે કોઇનું જોર આત્મા ઉપર છે જ
નહિ. ઉપાદાન અનાદિથી હોવા છતાં આત્મા પોતે અભાન દશામાં પોતાના ઊંધા પુરુષાર્થથી અટકયો છે, જ્યારે
આત્મભાન કરી સવળો થાય ત્યારે તે મુક્તિ પામે છે. નિમિત્તના અભાવે મુક્તિનો અભાવ નથી પરંતુ
ઉપાદાનની જાગૃતિના અભાવે મુક્તિનો અભાવ છે.
નિમિત્ત કહે છે કે એક કામમાં ઘણાની જરૂર પડે છે, ઉપાદાન કહે છે કે ભલે બધું હોય પણ જો એક ઉપાદાન
ન હોય તો કોઈ પણ કાર્ય થાય નહિ.
નિમિત્તઃ– એકલા લોટથી શું રોટલી થઈ જાય? ચકલો, વેલણ, તાવડી, અગ્નિ, વણનાર એ બધાય હોય તો
રોટલી થાય, પરંતુ તેમની મદદ ન હોય તો એકલો લોટ પડયો પડયો તેની રોટલી થઈ જાય ખરી? ન જ થાય માટે
નિમિત્તની મદદ છે.
ઉપાદાનઃ– ચકલો, વેલણ, તાવડી, અગ્નિ અને વણનાર એ બધાય હાજર હોય પરંતુ જો લોટને બદલે રેતી
હોય તો રોટલી થાય ખરી કે? ન જ થાય. કેમકે તે ઉપાદાનમાં તે જાતની શક્તિ નથી. એક માત્ર લોટ ન હોય તો
રોટલી બનતી નથી. અને લોટમાં રોટલી પણે થવાની જે સમયે લાયકાતરૂપે ઉપાદાન શક્તિ હોય છે તે સમયે તેને
અનુકૂળ નિમિત્તો હાજર હોય જ–પરંતુ રોટલી તો સ્વયં લોટમાંથી જ થાય છે. કાર્ય તો એકલા ઉપાદાનથી જ થાય
છે. આત્મામાં એકલા પુરુષાર્થથી જ કાર્ય થાય છે. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકૂળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નિરોગ
શરીર અને સાક્ષાત્ ભગવાનની હાજરી–એ કોઈથી જીવને લાભ થતો નથી, એ બધાં નિમિત્તો તો જીવને અનંતીવાર
મળ્‌યાં છતાં ઉપાદાન પોતે સૂલટયું નહિ તેથી જરાય લાભ થયો નહિ. પોતે જો સવળો પુરુષાર્થ કરે તો આત્માની
પરમાત્મ દશા પોતે જ પોતામાંથી પ્રગટ કરે છે–તેમાં તેને કોઈ નિમિત્તો મદદરૂપ થઈ શકતાં નથી, આમાં કેટલો
પુરુષાર્થ આવ્યો? એક આત્મસ્વભાવ સિવાય જગતની સમસ્ત પરવસ્તુની દ્રષ્ટિને પાંગળી બનાવી દીધી. મને મારા
આત્મા સિવાય જગતની કોઈ ચીજથી લાભ કે નુકશાન નથી. કોઈ ચીજ મને રાગ કરાવતી નથી અને મારા
સ્વભાવમાં રાગ છે નહિ–આવી શ્રદ્ધા થતાં જ, દ્રષ્ટિમાં રાગ ન રહ્યો, તેમજ પરનો કે રાગનો આધાર ન રહ્યો.
આધાર સ્વભાવનો રહ્યો; એટલે રાગ નિરાધાર લુલ્લો થઈ ગયો તે અલ્પકાળમાં ક્ષય થઈ વીતરાગતા થઈ જશે.
આવો અપૂર્વ પુરુષાર્થ આ સાચી સમજણમાં આવે છે.
કોઈ જીવને આંખ–કાન સારાં હોય છતાં અજ્ઞાનભાવે તીવ્ર રાગ–દ્વેષ કરી સાતમી નરકે જાય, ત્યાં આંખ–
કાન શું કરે? અને શ્રી ગજસુકુમાર મુનિને આંખ–કાન બળી જાય છે છતાં અંતરથી ઉપાદાન ઊછળ્‌યું છે તેથી
કેવળજ્ઞાન પામે છે. આમાં નિમિત્તે શું કર્યું? એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાને રોકે કે મદદ કરે એ વાત સત્યના
જગતમાં
(–અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં અને વસ્તુના સ્વભાવમાં) નથી; અસત્ય જગત (અનંત અજ્ઞાનીઓ)
તેમ માને છે તેથી તે સંસારમાં દુઃખી થઈને રખડે છે.
જીવ એકેન્દ્રિયપણામાંથી સીધો મનુષ્ય થઈ શકે છે, તે કઈ રીતે? એકેન્દ્રિયપણામાં તો સ્પર્શ ઇન્દ્રિય સિવાય
કોઈ ઇન્દ્રિયો કે મનની સામગ્રી નથી છતાં આત્મામાં વીર્ય ગુણ છે તે વીર્યગુણના જોરે અંદર શુભભાવ કરે છે તેને
લીધે તે મનુષ્ય થાય છે. કર્મનું જોર ઓછું થતાં શુભભાવ થયા એ વાત પણ ખોટી છે. પર વસ્તુથી કાંઈ પુણ્ય–પાપ
થતાં જ નથી. જીવ પોતે જ મંદ ઊંધાવીર્યવડે શુભભાવ કરે છે. ઉપાદાન પોતે સવળો પડીને સમજે તો પોતે મુક્તિ
પામે છે. ઊંધો પડે ત્યારે પોતે જ રોકાય છે, કોઈ બીજું તેને રોકતું નથી.
જ્યારે સ્વતંત્ર ઉપાદાન જાગૃત થાય ત્યારે નિમિત્ત અનુકૂળ જ હોય. સ્વભાવના ભાનપૂર્વક પૂર્ણતાનો
પુરુષાર્થ કરતાં સાધકદશામાં રાગના કારણે ઊંચા પુણ્ય બંધાઈ જાય અને એ પુણ્યના ફળમાં બાહ્યમાં ધર્મની
પૂર્ણતાના નિમિત્તો મળે, પરંતુ જાગૃત થયેલો સાધક જીવ તે પુણ્યના લક્ષમાં ન રોકાતાં, સ્વભાવમાં આગળ