Atmadharma magazine - Ank 039
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ઃ પ૬ઃ આત્મધર્મઃ ૩૯
હવે નિમિત્ત દલીલ કરે છેઃ–
કહૈ નિમિત્ત વે જીવ કો? મો બિન જગકે માહિં;
સબૈ હમારે વશ પરે, હમ બિન મુક્તિ ન જાહિં. ૨૮.
અર્થઃ– નિમિત્ત કહે છે–મારા વિના જગતમાં જીવ કોણ માત્ર? બધા મારે વશ પડયા છે, મારા વિના મુક્તિ
થતી નથી.
નિમિત્ત વગર જીવ મુક્તિ પામતો નથી, પહેલાં મનુષ્ય શરીરનું નિમિત્ત, પછી દેવ–ગુરુ–શાસ્ત્રનું નિમિત્ત
પછી પંચમહાવ્રતાદિના શુભરાગનું મુનિદશામાં નિમિત્ત–આમ બધી નિમિત્તની પરંપરા વગર જીવ મુક્તિ પામી શકતો
નથી. શું વચ્ચે વ્રતાદિના પુણ્ય આવ્યા વગર કોઈ જીવની મુક્તિ થાય? ન જ થાય, માટે પુણ્ય નિમિત્ત છે અને તેના
જ બળથી જીવ મુક્તિ પામેછે–આ નિમિત્તની દલીલ!–૨૮–
ઉપાદાનનો જવાબઃ–
ઉપાદાન કહૈં રે નિમિત્ત, ઐસે બોલ ન બોલ;
તાકો તજ નિજ ભજત હૈં, તેહીં કરૈ કિલોલ. ૨૯.
અર્થઃ– ઉપાદાન કહે છે–અરે નિમિત્ત! એવાં વચનો ન બોલ. તારા ઉપરની દ્રષ્ટિ તજીને જે જીવ પોતાનું
ભજન કરે છે તે જ કિલોલ (આનંદ) કરે છે.
હે નિમિત્ત! તારા પ્રતાપથી જીવ મુક્તિ પામે છે એ વાત તું રહેવા દે; કેમકે શરીર દેવ–ગુરુ–શાસ્ત્ર કે
પંચમહાવ્રત એ બધાય નિમિત્તોના લક્ષે તો જીવને રાગ જ થાય છે અને તેને સંસારમાં રખડવું પડે છે, પરંતુ જ્યારે
એ બધા નિમિત્તોનું લક્ષ છોડીને અને પંચમહાવ્રતના વિકલ્પને પણ છોડીને પોતાના અખંડાનંદી સ્વરૂપ આત્માની
ભાવના કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન પૂર્વક જે અંતરમાં સ્થિરતા કરે છે તે જ જીવો મુક્તિ પામે છે અને તેઓ જ પરમ
કિલ્લોલ ભોગવે છે; નિમિત્તના લક્ષે આનંદનો અનુભવ થઈ શકતો નથી. જેઓ નિમિત્તની દ્રષ્ટિમાં રોકાય છે તેઓ
મુક્તિ પામતા નથી. આ રીતે, નિમિત્તનું બળ છે એ દલીલ તૂટી ગઈ. –૨૯–
હવે, પંચમહાવ્રતાદિ ક્રિયાથી જીવની મુક્તિ થાય છે એવી દલીલ નિમિત્ત કરે છેઃ–
કહૈં નિમિત્ત હમકો તજૈ, તે કૈસે શિવ જાત;
પંચમહાવ્રત પ્રગટ હૈ, ઔર હુ ક્રિયા વિખ્યાત. ૩૦.
અર્થઃ– નિમિત્ત કહે છે–અમને તજવાથી મોક્ષ કેવી રીતે જવાય? પાંચ મહાવ્રત પ્રગટ છે, વળી બીજી ક્રિયા
પણ વિખ્યાત છે (–કે જેને લોકો મોક્ષનું કારણ માને છે).
શાસ્ત્રોમાં તો નિમિત્ત તરફના લખાણના પાનાંના પાનાં ભરેલાં છે, તો નિમિત્તની મદદની તમે કેમ ના પાડો
છો? પંચમહાવ્રત, સમિતિ–ગુપ્તિ એ બધાનું તો શાસ્ત્રોમાં ખૂબ લખાણ છે, તે ધાર્યા વગર શું જીવ મોક્ષ જઈ શકે?
મને છોડવાથી જીવ મોક્ષ જઈ શકે નહિ. અહિંસા વગેરે પંચમહાવ્રતમાં પરનું લક્ષ કરવું પડે છે કે નહિ?
પંચમહાવ્રતમાં પર લક્ષે જે રાગનો વિકલ્પ ઊઠે છે તેને આગળ લાવીને અહીં નિમિત્ત કહે છે કે શું પંચમહાવ્રતના
રાગ વગર મુક્તિ થાય? પંચમહાવ્રતના શુભરાગથી મુક્તિ માનનારા અજ્ઞાનીઓ ઘણા છે તેથી નિમિત્તે તે દલીલને
રજુ કરી છે. દલીલ તો બધી જ મૂકે ને? જો આવી ઊંધી દલીલો ન હોય તો જીવનો સંસાર કેમ ટકે? આ બધી
નિમિત્તાધીનની દલીલો સંસાર ટકાવવા માટે સાચી છે અર્થાત્ નિમિત્તાધીન દ્રષ્ટિથી જ સંસાર ટકયો છે. જો
નિમિત્તાધીન દ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિ કરે તો સંસાર ટકી શકે નહિ. –૩૦–
હવે, પંચમહાવ્રતાદિને જીવ છોડે ત્યારે તે મુક્તિ પામે છે એમ, ઉપાદાન ઉત્તર આપે છેઃ–
પંચમહાવ્રત જોગત્રય, ઔર સકલ વ્યવહાર;
પરકો નિમિત્ત ખપાયકે, તબ પહુચેં ભવપાર. ૩૧.
અર્થઃ– ઉપાદાન કહે છે–પાંચ મહાવ્રત, મન, વચન અને કાય એ ત્રણ તરફનું જોડાણ, વળી બધો વ્યવહાર
અને પર નિમિત્તનું લક્ષ જ્યારે જીવ છોડે ત્યારે ભવપારને પહોંચે છે.
જ્ઞાનમૂર્તિ આત્માનું જેટલું પર લક્ષ જાય છે તે બધો વિકાર ભાવ છે. ભલે પંચમહાવ્રત હો તોપણ તે વિકાર
છે, તે વિકાર ભાવને અને બીજા જે જે વ્યવહાર છે તે બધા રાગને અને નિમિત્તના લક્ષને જીવ જ્યારે છોડે છે ત્યારે
જ તે મોક્ષ પામે છે. પુણ્ય–પાપ રહિત આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતા વડે જ મુક્તિ થાય છે. તેમાં ક્યાંય
પણ રાગ હોતો નથી. પંચમહાવ્રત તે આસ્રવ છે, વિકાર છે, આત્માનું ખરૂં ચારિત્ર તે નથી, તેને ચારિત્રનું ખરૂં સ્વરૂપ
માને તો મિથ્યાદ્રષ્ટિ છે. આત્માનો ચારિત્ર–ધર્મ તેનાથી પાર છે. જગતના અજ્ઞાની જીવોને આ મહા આકરૂં લાગે તેવું
છે પરંતુ પરમ સત્ય મહા હિતકારી છે.
પ્રશ્નઃ– પંચમહાવ્રત તે ભલે ચારિત્ર ન હોય પરંતુ તે ધર્મ તો છે ને?
ઉત્તરઃ– પંચમહાવ્રત તે ચારિત્ર પણ નથી અને ધર્મ પણ નથી. સર્વ પ્રકારના રાગરહિત એકલા જ્ઞાયક