Atmadharma magazine - Ank 043
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૩પઃ
ભગવાન મહાવીરે શું કર્યું અને શું કહ્યું
–વીર સંવત્ ૨૪૭૩ ચૈત્ર સુદ ૧૩ ના દિવસે–
(સમયસારજી ગાથા ૭૭ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન)
* * * * * * *
જે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ છે. ખરેખર ધર્મીનો જન્મ કોને કહેવાય અને ધર્મ શું
ચીજ છે તે સમજવું જોઈએ. કોઈ ભગવાન અવતાર ધારણ કરતા નથી પણ જગતનો કોઈ જીવ આત્મસ્વરૂપનું ભાન
કરીને સાધનામાં આગળ વધતાં વધતાં પૂર્ણ દશા પ્રગટ કરે છે, તે જ ભગવાન છે. દરેક આત્મા પોતાના સ્વભાવનું
ભાન કરીને તેવી દશા પ્રગટ કરી શકે છે.
આત્માનો ધર્મ આત્મામાં હોય, પરમાં ન હોય. શ્રી સમયસારની ૭૭મી ગાથામાં કહે છે કે ધર્મી જીવો પર
દ્રવ્યપણે ઉપજતા નથી. આ સિદ્ધાંત જન્મ કલ્યાણકમાં પણ લાગુ પડશે. શરીર, મન વગેરે તો જડ છે અને પુણ્ય–
પાપના ભાવો તે વિકાર છે, એ કોઈ આત્માનું સ્વરૂપ નથી, તેમાં આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ તો પોતાની
નિર્મળ પર્યાયમાં છે; આત્માનો ત્રિકાળ સ્વભાવ સચ્ચિદાનંદ છે, તે સ્વભાવની ઓળખાણ થઈને લીનતા કરવી તે જ
ધર્મીનો ધર્મ છે. ધર્મી જીવો શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળદશાપણે જ ઉપજે છે–નિર્મળદશાને જ ગ્રહે છે અર્થાત્ ધર્મી
જીવનો જન્મ (ઉત્પાદ્) પોતાની નિર્મળ પર્યાયરૂપે જ થાય છે, પણ વિકારપણે કે જડ શરીરપણે ધર્મી જીવો કદી
ઉપજતા નથી, તેમ જ તેને પોતાપણે ગ્રહતા નથી. અજ્ઞાનીઓ જડ શરીરના જન્મને ભગવાનનો જન્મ માને છે,
જ્ઞાનીઓ નિર્મળ પર્યાયના જન્મને જ ભગવાનનો જન્મ માને છે. વ્યવહારે એટલે કે જડના સંયોગની અપેક્ષાએ
કથન કરીએ તો ભગવાનનો જન્મ થયો એમ કહેવાય, પણ ખરેખર ભગવાને જન્મને ગ્રહણ કર્યો જ નથી.
ભગવાન તો ધર્માત્મા હતા, જડથી અને વિકારથી ભિન્ન ચૈતન્ય સ્વભાવને ઓળખનારા હતા. ધર્માત્માનું લક્ષણ
વર્ણવતાં આ ૭૭મી ગાથામાં કહ્યું કે ધર્મીઓ કદી પર દ્રવ્યને ગ્રહણ કરતા નથી, પર દ્રવ્યપણે ઉપજતા નથી. તો પછી
મહાવીર ભગવાનનો આત્મા જડ શરીરને કેમ ગ્રહણ કરે? ધર્માત્મા તો પોતાના આત્મામાં નિર્મળદશાને ગ્રહે છે,
પરંતુ જન્મને આત્મામાં ગ્રહતા નથી. જન્મને તો જડ પરમાણુઓ ગ્રહે છે. જડ શરીરપણે જડ પરમાણુઓ જ ઉપજ્યાં
છે, પણ ભગવાન તે રૂપે ઉપજ્યાં નથી. વર્તમાનમાં અલ્પ રાગાદિ છે પણ તેને જ્ઞાની ગ્રહતા નથી, તે રહિત શુદ્ધ
આત્મ પર્યાયને જ ગ્રહે છે. આમ સાચું ભેદજ્ઞાન કરવું તે જ સાચો જન્મકલ્યાણક ઉત્સવ છે, અને તે જ આ આત્માને
કલ્યાણનું કારણ છે.
આજના દિવસે લોકો મહાવીર ભગવાનના નામે અનેક ઊંધી પરૂપણા કરશે. કોઈ કહેશે કે ભગવાને
કહ્યું છે કે ‘જીવો અને જીવવા દો, સક્રિય કામ કરી બતાવો.’ વગેરે અનેક પ્રકારની ઊંધી વાતો ચાલી રહી છે.
પરંતુ એ બધામાં આત્માને ભૂલીને વાત છે. મહાવીર ભગવાને તો એમ જાહેર કર્યું છે કે–જગતના બધા જીવ
અને જડ પદાર્થો સ્વતંત્ર છે; એક પદાર્થ બીજા પદાર્થને કાંઈ જ કરવા સમર્થ નથી. પર જીવને જીવાડવો કે
મારવો તે આ જીવ કરી જ શકતો નથી. માટે આત્મસ્વભાવની ઓળખાણ કરવાનું અને પર પદાર્થોના
કતૃત્વનો અહંકાર છોડવાનું ભગવાને કહ્યું છે.
આત્મા સ્વતંત્ર સુખ સ્વરૂપ છે, રાગ–દ્વેષ તેના સ્વરૂપમાં નથી. આત્માનો આનંદ ક્યાંય બહારમાં નથી. શું
શરીરમાં કે સ્ત્રી–પૈસામાં સુખ છે? તેમાં ક્યાંય સુખ છે નહિ, કદી જોયું પણ નથી, છતાં અજ્ઞાનીએ કલ્પનાથી સુખ
માન્યું છે. જો એ બધી વસ્તુઓમાં સુખ ખરેખર હોય તો તેની હાજરીમાં પણ જીવ કેમ દુઃખી થાય છે? સ્ત્રી, પૈસામાં
સુખ કલ્પ્યું હોય પણ જ્યારે ઝેરી વીંછી કરડે ત્યારે, પૈસા વગેરે એમ ને એમ હોવા છતાં સુખની કલ્પના ટળીને
દુઃખનું વેદન કરે છે. માટે પરમાં સુખ તો નથી, પરંતુ પરમાં સુખની જે કલ્પના કરી હતી તેમાં પણ સુખ નથી. તેથી
તે કલ્પના તથા રાગ–દ્વેષ પણ જીવનું સ્વરૂપ નથી. આત્મા જ્ઞાનસ્વભાવી છે; તે જ્ઞાન પોતે દુઃખરૂપ ન હોઈ શકે
એટલે જ્ઞાન પોતે જ સુખરૂપ છે. પહેલાં જ્ઞાનસ્વભાવને ભૂલીને આત્માનું લક્ષ પૈસા ઉપર હતું અને તેમાં સુખની
કલ્પના કરી હતી, પછી વીંછી કરડયો અને શરીર ઉપર લક્ષ જતાં પોતે તેમાં દુઃખની કલ્પના કરી. જેમ શરીરના લક્ષે
પૈસામાં સુખની કલ્પના ફેરવી, તેમ આત્મસ્વભાવના લક્ષે