Atmadharma magazine - Ank 043
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૩૭ઃ
આત્માને ભૂલીને જડના સંયોગથી તેમને ઓળખે છે! તેમના શરીરનું બળ, માતા–પિતા કે પુણ્યનો ઠાઠ વગેરે
સંયોગથી ઓળખવા તે તો બહિદ્રષ્ટિ છે–મિથ્યાત્વ છે. અને તેમના આત્માની નિર્મળ પર્યાયથી ઓળખવા તે યથાર્થ
ઓળખાણ છે. ભગવાન મહાવીર આત્માનું ભાન સાથે લઈને આવ્યા છે અને આજ ભવે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી
જન્મનો અંત લાવી સિદ્ધ થવાના છે–તેથી તેઓની મહત્તા છે. શું પુણ્યના જડ પરમાણુથી આત્માની મહત્તા હોય?
ખાવા પીવાની ક્રિયા બહારમાં થતી હોય અને રાગ પણ થતો હોય છતાં ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ તે વખતે પણ આત્માની
નિર્મળતા સિવાય બીજું કાંઈ ગ્રહતા નથી.
સમ્યગ્દ્રષ્ટિઓને સદાય આત્માની રુચિમાં જ લીનતા હોય છે. સ્વપ્ને પણ પરની રુચિ નથી તેથી તેનું ગ્રહણ
કરતા જ નથી, પણ સમયે સમયે સ્વભાવની રુચિ વડે શુદ્ધતાનું જ ગ્રહણ કરે છે. ૬૦ વર્ષની વૃદ્ધ વયે કોઈને એક જ
પુત્ર હોય તેનું મૃત્યુ થઈ જાય તે વખતે, પુત્રને જ જીવનનું સર્વસ્વ માની રાખ્યું હોય તેથી પુત્ર પ્રેમને લીધે જે
અંતરથી આઘાત લાગે તેનું કોઈ રીતે સમાધાન થાય નહિ. સ્ત્રી–પૈસા–આબરૂ–શરીર વગેરે બધું હોવા છતાં ‘મારો
પુત્ર’ એવી રુચિની ધૂનમાં એકાકાર થઈને તે બધાયને ભૂલી જાય છે. બસ, તેમ ધર્માત્માઓએ પોતાનું સર્વસ્વ
પોતાના સ્વભાવમાં જાણ્યું છે–માન્યું છે. તેથી વિકાર ભાવ આજે છતાં સ્વભાવની રુચિની ધૂનમાં તે કોઈને ગ્રહણ
કરતા નથી. ધર્માત્મા પોતાના સ્વભાવ સિવાય અન્યને સ્વપ્ને પણ ગ્રહણ કરવાની ભાવના કરતા નથી. પોતાના
આત્મસ્વભાવને જ યાદ કરતાં કોઈ લક્ષ્મી, શરીર, જન્મ–મરણ કે વિકારને યાદ કરતા નથી. જેમ અજ્ઞાની પુત્રને
પોતાનો માનીને તે પુત્રની ધૂનમાં લક્ષ્મી વગેરેને ભૂલી જાય છે તેમ જ્ઞાનીઓ એવી પ્રતીત કરે છે કે મારા સ્વભાવની
દ્રષ્ટિથી જે સ્વભાવદશા થઈ તેમાં હું, પરમાં કે પરના લક્ષે જે વિકાર થાય તેમાં હું નહિ. આવી દ્રષ્ટિના જોરથી
જ્ઞાનીઓને સમયે સમયે શુદ્ધતા વધે છે અને તેઓ કદી વિકારમાં કે પરની રુચિમાં પકડાતા નથી.
લોકોએ વિકારમાં અને જડની ક્રિયામાં ધર્મ મનાવીને ધર્મનું સ્વરૂપ કૂબડું અને કાળુંમશ કરી નાખ્યું છે.
ખરેખર ધર્મનું સ્વરૂપ તો ત્રિકાળ જેમ છે તેમ જ છે, તે લોકોએ માત્ર પોતાના ભાવ બગાડયા છે. આત્માના
સ્વભાવનું ભાન કર્યા વગર બીજા કોઈ ઉપાયથી જન્મ–મરણનો અંત આવે નહિ. પૈસા આપવાના ભાવથી ધર્મ થાય
નહિ. મેં પૂર્વે પુણ્ય બાંધ્યું તેના ફળમાં સારો અવતારો મળ્‌યો–એમ ધર્માત્મા કદી માનતા નથી; પણ પુણ્ય અને તેનું
ફળ એ બંનેમાં હું નથી, હું તો મારા સ્વભાવમાં છું–એમ સ્વભાવદ્રષ્ટિથી માને છે.
જગતમાં પાપ વધી જાય ત્યારે કોઈ ઈશ્વર અવતાર ધારણ કરે છે એ વાત ખોટી છે. જેઓ સિદ્ધ ભગવાન
થઈ ગયા છે તેમને અવતાર હોઈ શકે નહિ. મહાવીર જન્મ્યા ત્યારે કાંઈ તેઓ ભગવાન ન હતા, ત્યારે તો તેઓ
છદ્મસ્થ જ્ઞાની હતા. જ્યારે જગતમાં ઘણા લાયક જીવો આત્મહિત કરવા માટે તૈયાર થયા હોય ત્યારે સંસારમાંથી
કોઈ જીવ પોતાના ઉન્નત્તિક્રમને સાધતો સાધતો આગળ વધીને તેઓને નિમિત્ત થાય, એવો મેળ છે; છતાં ઉપાદાન
અને નિમિત્ત બંને સ્વતંત્ર છે.
મહાવીરને પૂર્વે તીર્થંકર ગોત્ર બંધાયું, રાજકૂળમાં જન્મ થયો અને સમવસરણ રચાણાં તથા ઇન્દ્રોએ પૂજા
કરી–એ બધા કાર્યોમાં ક્યાંય ધર્માત્મા મહાવીર વ્યાપ્યા ન હતા. મહાવીર તો દરેક સમયે પોતાની નિર્મળ પર્યાયમાં
વ્યાપતા હતા.
કોઈ એમ માને કે–ભલે પુણ્યથી ધર્મ ન થાય, પરંતુ અત્યારે પુણ્ય કરીએ, તેના ફળમાં ભવિષ્યમાં
ભગવાનના દિવ્યધ્વનિનો જોગ મળશે અને ત્યારે ધર્મ સમજાશે.–એ વાત માનનાર મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે તે
ચૈતન્યસ્વરૂપ આત્માને પુણ્યમાં અને જડમાં વ્યાપનારો માને છે. જેને અત્યારે જ ચૈતન્ય સ્વભાવની રુચિ નથી પણ
પુણ્યની રુચિ છે તે ભગવાનની વાણી સાંભળીને પણ આત્માની સ્વતંત્રતા સમજશે નહિ. દિવ્યધ્વનિમાંથી પણ
આત્માનો શુદ્ધસ્વભાવ સમજવો છે કે બીજું કાંઈ? પણ જેને સ્વતંત્ર આત્માની રુચિ નથી તેને પુણ્યની રુચિ ખસતી
નથી; અહીં તો આચાર્યદેવ કહે છે કે જે પુણ્યભાવ થાય તેમાં આત્મા વ્યાપતો નથી પણ જડ વ્યાપે છે.
પ્રશ્નઃ– જે પુણ્યભાવ છે તે તો આત્માની પર્યાયમાં થાય છે, જડની પર્યાયમાં થતા નથી, છતાં અહીં
પુણ્યભાવમાં જડ વ્યાપે છે એમ કઈ રીતે કહ્યું છે?
ઉત્તરઃ– પુણ્યભાવ જો કે આત્માની પર્યાયમાં થાય છે પરંતુ તે વિકાર છે અને અહીં તો વિકારરહિત
આત્મસ્વભાવ દર્શાવવાનું પ્રયોજન છે. આત્મસ્વભાવ અને વિકાર–