Atmadharma magazine - Ank 043
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
વૈશાખઃ ૨૪૭૩ઃ ૧૩૯ઃ
નિશ્ચયથી ધર્માત્મા મહાવીર જન્મ્યા નથી, છતાં વ્યવહારે જન્મ્યા કહેવાય છે કેમકે હજી સંપૂર્ણદશા પ્રગટી
નથી અને વિકાર તથા શરીરના સંયોગની લાયકાત છે. એ વ્યવહાર હોવા છતાં સ્વભાવની દ્રષ્ટિથી તેમને તેનો
નિષેધ વર્તે છે. હું તો ત્રિકાળ ચૈતન્યરૂપ આત્મા છું, હું જન્મું પણ નહિ અને મારે મરણ પણ હોય નહિ, એ બંને
જડનાં કામ છે. જ્ઞાનીઓ સંયોગનું અને વિકારનું જ્ઞાન કરે છે પણ તેના કર્તા થતા નથી, પરને જાણનારૂં જે પોતાનું
જ્ઞાન છે તે જ્ઞાનના કર્તા થાય છે.
ધર્મી જીવ પોતાના જ્ઞાનપર્યાયને અને પુદ્ગલને જાણે છે, છતાં જેમ જ્ઞાનપર્યાયના કર્તા છે તેમ પુદ્ગલના
પણ કર્તા થતા નથી. આવું જેને ભાન છે તે ધર્માત્મા સમયે સમયે પોતાની નિર્મળદશામાં વૃદ્ધિ કરે છે, એ સિવાય
બીજું કાંઈ કાર્ય ધર્મીનું નથી. આચાર્યદેવે અંતરદ્રષ્ટિ કરાવવા માટે અહીં દ્રવ્ય–દ્રષ્ટિની મુખ્યતાથી ભેદવિજ્ઞાન
કરાવ્યું છે.
ભગવાન સંપૂર્ણ જ્ઞાનના ધારક અને વીતરાગી છે, કોઈની ભક્તિથી તેઓ પ્રસન્ન થતા નથી અને કોઈની
નિંદાથી તેઓને દ્વેષ થતો નથી, તેઓ તો સાક્ષી–જ્ઞાતા છે. એવા ભગવાનને જે યથાર્થપણે ઓળખે તે પોતાના
આત્મસ્વભાવને જાણે અને આત્મસ્વભાવને જાણતાં તે બધાય પદાર્થોનો સાક્ષી થઈ જાય છે, પણ કોઈ પદાર્થોનો
કર્તા થતો નથી. આવા જ્ઞાનીને માતા, પિતા, જન્મ, મરણ, પુણ્ય વગેરેનો સંબંધ પરમાર્થે લાગુ પડતો નથી. તે જ્ઞાની
પોતાના સ્વભાવમાં કૃતકૃત્ય હોય છે.
સંસારમાં અજ્ઞાની પર પદાર્થના અહંકાર કરે છે, અજ્ઞાનીને મરતાં પણ તેનાં કામ પૂરાં થતાં નથી, પણ તે
લોલૂપતાથી જ મરે છે. પોતાને સાચું આત્મજીવન જીવતાં ન આવડયું તેથી બીજો અવતાર કરવા જાય છે. ધર્માત્માનાં
કાર્યો કદી અધૂરાં રહેતાં જ નથી, તેઓ જાણે છે કે મારો સ્વભાવ મારામાં છે, પરનાં કાર્યોનો હું કર્તા નથી. જ્યારે
રામચંદ્રજી સીતાને વનમાં મોકલે છે ત્યારે સીતાજી તેમને કહેવડાવે છે કે જેમ લોકનિંદાના ભયથી મને છોડી દીધી
તેમ લોકનિંદાના ભયથી આત્માના ધર્મને કદી ન છોડશો. પરંતુ આ વખતે પણ અંતરમાં ભાન છે કે–પતિ ધર્મમાં
ટકી રહે એવી જે શુભરાગની લાગણી છે તે મારૂં કર્તવ્ય નથી, પતિ પણ મારે નથી, હું તો આત્મા છું. આઠ વર્ષની
ધર્માત્મા બાલિકાને પણ આવી માન્યતા હોય છે. અજ્ઞાની એમ માને છે કે મારી અવસ્થા વૃદ્ધ થઈ–હું વૃદ્ધ થયો; એમ
માનીને તે શરીરની અવસ્થાનું ગ્રહણ કરે છે; ધર્માત્મા સદાય આત્મસ્વભાવના ભાવને જ ગ્રહે છે.
રાગરહિત પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની રુચિ થતાં જ્ઞાનીને અન્ય કોઈ કાર્યની રુચિ નથી; પરથી
ભિન્નપણાનું ભાન થયું અને પરનું અકર્તાપણું માન્યું એટલે પરથી અત્યંત ઉદાસીન વર્તે છે. જેમ મડદાની ઠાંઠડીને
હાર વગેરેથી ગમે તેટલી શણગારવામાં આવે પણ મડદાંને શું? તેને કાંઈ હર્ષ–શોક નથી, તેમ સંસારના કાર્યો પ્રત્યે
જ્ઞાની મડદાંની માફક અત્યંત ઉદાસીન છે. મારી શાંતિ, મારી શોભા, મારો આનંદ મારા અંતર આત્મામાં છે,
પુણ્યમાં નથી. જેને આવું ભાન છે તે ધર્માત્મા છે, અને એવા ધર્માત્મા કદી જન્મપણે ઉપજતા નથી કેમકે જન્મ–
મરણ તો વિકારનું ફળ છે, ધર્માત્મા વિકારના કર્તા નથી, અને તેના ફળના સ્વામી પણ નથી. ભગવાન મહાવીરને
પ્રથમથી જ એવું ભાન હતું, તેઓ પોતાના નિર્મળ પર્યાયરૂપે જ પરિણમતા હતા, તેને જ ગ્રહતા હતા અને તે રૂપે
જ ઉપજતા હતા, પરંતુ જડ શરીરની અવસ્થાપણે તેઓ પરિણમતા ન હતા, તેને ગ્રહતા ન હતા અને તે રૂપે
ઉપજતા ન હતા. જે જે આત્માઓ આવું સ્વભાવનું ભાન કરે તે તે બધા આત્માઓ જ્યાં હોય ત્યાં આવા જ હોય
છે, ગમે તે ક્ષેત્રે હોય પણ પોતાના આત્માની નિર્મળદશારૂપે જ રહે છે. આ એકલા મહાવીરના જ આત્માની વાત
નથી પણ બધા આત્માનું સ્વરૂપ આવું જ છે. પોતે પોતાના આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે પૂર્ણ દશા
પ્રગટ કરીને ભગવાન થઈ શકે છે.
જીવનનાં છેલ્લા શ્વાસ ચાલતા હોય એવા વખતે અજ્ઞાનીને એમ ભણકાર લાગે છે કે–અરેરે! હમણાં આ
પૈસા–સ્ત્રી–ઘર–શરીર બધુંય છૂટી જશે, તેની દ્રષ્ટિ જ પરાધીન હોવાથી સંયોગની રુચિથી અસમાધિભાવે મરીને
સંસારમાં રખડે છે; તેવા સમયે જ્ઞાની ધર્માત્માને એવી આત્મભાવના જાગે છે કે–હવે હું અલ્પકાળમાં પરમાત્મા
થઈશ. આ પરમાત્મદશા માટેનાં છેલ્લા શ્વાસ છે–અલ્પકાળમાં આ અપૂર્ણતા, વિકાર અને પરનો સંયોગ છૂટી જશે
અને હું મારી પૂર્ણ પરમાત્મદશા પામીશ. મારી નિર્મળ પરિણતિ અંતરમાં સમાવાની છે, આ બહારના કોઈ ભાવો
સાથે મારે સંબંધ નથી. આ રીતે ધર્માત્મા જીવો આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતા કરીને સંસારથી પાર
થઈને જન્મ–મરણ રહિત પરમાત્મદશા પ્રગટાવે છે...તે જ મંગળ છે.
*