Atmadharma magazine - Ank 043
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
વૈશાખઃ ૨૪૭૩ઃ ૧૨પઃ
ચારિત્રરૂપ નિશ્ચય તે જ મુક્તિનું કારણ છે. વ્યવહારના બધા ભાવોનું લક્ષ પર ઉપર અને ભેદ ઉપર છે. જે જીવો
નવમી ગ્રૈવેયક સુધી જાય છે તે બધાને આવો જ વ્યવહાર હોય છે. સાચા નિમિત્તનો જેણે જ્ઞાનમાં સ્વીકાર કર્યો નથી
તેને ઊંચા પુણ્ય હોઈ શકે નહિ.
શ્રી સમયસારજી ગાથા એકના પ્રવચનના કેટલાક પ્રશ્નોત્તર
(પહેલાના ૮પ પ્રશ્નોત્તર માટે જુઓ અંક ૩પ, ૩૯, ૪૦ તથા ૪૨)
૮૬. પ્ર.–જેને પોતાના આત્માની સિદ્ધદશા પ્રગટ કરવી છે તેની ગતિ (પરિણમન) કઈ તરફ હોય? ને કેવી હોય?
ઉ.–જેને પોતાની સિદ્ધદશા પ્રગટ કરવી હોય તે પ્રથમ તો સિદ્ધ જેવા પોતાના પરિપૂર્ણ આત્માને ઓળખીને
તેની પ્રતીત કરે; તેનું પરિણમન પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ હોય, અવસ્થામાં રાગાદિ વિકાર હોવા છતાં તે
તરફની રુચિ ન હોય તેમજ તેને પોતાનું સ્વરૂપ માનીને તે રૂપે પરિણમે નહિ. આ રીતે તેમનું વલણ સ્વભાવ તરફ
હોય છે. તે પરિણમન શીઘ્ર હોય છે. સંસાર દશામાં અનંતકાળ અજ્ઞાનપણે ગાળ્‌યો પરંતુ તે દશા ફરીને સ્વભાવ
તરફના વલણથી જે સાધકદશા પ્રગટી તે સાધકપણામાં અનંતકાળ ન લાગે, કેમ કે સ્વભાવ તરફની ગતિ
(પરિણમન) શીઘ્ર હોય છે, તેથી સાધકદશા અલ્પકાળમાં પૂરી થઈને સિદ્ધદશા પ્રગટે છે. જ્યારે ખેડુત ઘરેથી ખેતરમાં
કામ કરવા માટે જતો હોય ત્યારે બળદ ધીમા ધીમા ચાલે, પણ જ્યારે કામથી છૂટીને સાંજે ઘર તરફ આવે ત્યારે
દોડતા દોડતા આવે; કેમ કે ઘર તરફ જતાં હોંશ છે. તેમ જીવ સંસાર દુઃખોથી છૂટીને સ્વભાવ તરફ જ્યારે પરિણમન
કરે છે ત્યારે તેને સ્વભાવનો ઉત્સાહ હોય છે અને ઘણો પુરુષાર્થ હોય છે. વિકાર તરફ પરિણમનમાં મર્યાદિત પુરુષાર્થ
હતો પણ સ્વભાવ તરફ પરિણમનમાં અમર્યાદિત પુરુષાર્થ પ્રગટે છે.
૮૭. પ્ર.–આચાર્યદેવે કહ્યું છે કે–‘હું સિદ્ધ અને તું પણ સિદ્ધ,’ તો આ વાત સિદ્ધદશા થાય ત્યારની છે કે સિદ્ધદશા થયા
પહેલાની?
ઉ.–જેને સિદ્ધદશા પ્રગટ થઈ ગઈ તેને સમજાવવાનું ન હોય. અહીં તો સિદ્ધદશા પ્રગટ થયા પહેલાં
સિદ્ધસમાન પરિપૂર્ણ આત્માની પ્રતીત કરાવે છે. આચાર્યદેવ કહે છે કે–પર્યાયમાં રાગ હોવા છતાં પ્રથમ તું તારા
સિદ્ધપણાની હા પાડ. તારા આત્મામાં સિદ્ધપણાનો સત્કાર કરતાં રાગ ટળી જશે અને સિદ્ધદશા પ્રગટ થશે.
૮૮. પ્ર.–વાણીના મુખ્ય વક્તા કોણ છે?
ઉ.–શ્રી અરિહંત તીર્થંકરદેવ વાણીના મુખ્ય વકતા છે, તેમની વાણીમાં એકેક સમયે પરિપૂર્ણ કથન આવે છે.
૮૯. પ્ર.–પ્રભુની વાણી સર્વાંગથી કેમ છૂટે?
ઉ.–પ્રભુનું જ્ઞાન અખંડ પરિપૂર્ણ થઈ ગયું છે, તે જ્ઞાન વાણીમાં નિમિત્ત છે તેથી નિમિત્તરૂપ વાણી પણ અખંડ
સર્વાંગ પ્રદેશથી છૂટે છે. તે વાણીમાં ક્રમરૂપ અક્ષરો હોતા નથી. જ્યાં ક્ષયોપશમ જ્ઞાન હોય ત્યાં વાણી વગેરેમાં ક્રમ પડે
છે અને તે નિયત સ્થાન દ્વારા જ થાય છે, જેમ કે જોવાનું કામ આંખના પ્રદેશદ્વારા જ થાય, સૂંઘવાનું કામ નાકના
પ્રદેશદ્વારા જ થાય, બોલવાની ક્રિયા મુખદ્વારા જ થાય; પરંતુ જ્યાં જ્ઞાનની પૂર્ણતા થઈ ગઈ ત્યાં વાણી પણ સર્વાંગ
છૂટે છે.
૯૦. પ્ર.–શ્રી સર્વજ્ઞદેવની વાણીનો અધિક આશય કોણ સમજે?
ઉ.–શ્રી ગણધરદેવ સર્વથી અધિક આશય સમજે છે; તેથી તેઓને શ્રેષ્ઠ શ્રોતા કહેવાય છે.
૯૧. પ્ર.–અત્યારે અહીં સાક્ષાત્ અર્હંત નથી તો અત્યારે અહીં સત્ય ઉપદેશ કેવી રીતે હોઈ શકે?
ઉ.–અત્યારે સાક્ષાત્ અર્હંતદેવ નથી પરંતુ ગુરુ પરંપરાદ્વારા અર્હંત્પ્રવચનનો અવયવ વિદ્યમાન છે, તેમાંથી
૨૦૦૦ વર્ષ પહેલાં આચાર્યદેવે સમયપ્રાભૃત વગેરેની રચના કરી છે. તેથી અત્યારે પણ અવિચ્છિન્નપણે સતિનો
ઉપદેશ મળી શકે છે.
૯૨. પ્ર.–રાગાદિ શેમાં થાય છે અને તે કયારથી છે?
ઉ.–રાગાદિ વિકાર આત્માની અવસ્થામાં થાય છે. તે એક સમય પૂરતા જ છે; પ્રવાહે અનાદિથી છે પરંતુ એક
પર્યાયના રાગ દ્વેષ બીજી પર્યાયમાં આવતા નથી.
૯૩. પ્ર.–નાશ કોનો થાય?
ઉ.–જે સ્વભાવભૂત ન હોય પણ વિભાવવડે જેની ઉત્પત્તિ થઈ હોય તેનો નાશ થાય. જે સ્વભાવભૂત હોય
તેનો નાશ ન થાય. સિદ્ધદશા આત્માની સ્વભાવભૂત હોવાથી પ્રગટયા પછી તે ધ્રુવ–અવિનાશી છે.