Atmadharma magazine - Ank 044
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧૬૩ઃ
જાણે. ઉપાદાન નિમિત્તના આ સ્વરૂપની સાક્ષી શ્રી જિનાગમથી મળે છે માટે ખેદ કરવો નહિ–શંકા કરવી નહિ.
ઉપાદાન અને નિમિત્ત બંને પદાર્થો ત્રિકાળ છે ખરા, બેમાંથી એકેય અભાવરૂપ નથી. સિદ્ધદશામાં પણ
આકાશ વગેરે નિમિત્ત છે. અરે, જ્ઞાન અપેક્ષાએ આખું લોકાલોક નિમિત્ત છે. જગતમાં સ્વ અને પર પદાર્થો છે (સ્વ
તે ઉપાદાન અને પર તે નિમિત્ત–એમ બંને પદાર્થો જગતમાં છે) જગતમાં સ્વ–પર પદાર્થો છે અને જ્ઞાનનો સ્વભાવ
સ્વ–પર પ્રકાશક છે, તેથી જો જ્ઞાન સ્વ–પરના યથાર્થ સ્વરૂપને ન જાણે તો તે મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ–
પરને જાણવાનો છે તેથી સ્વ અને પરને જેમ છે તેમ જાણવા. ઉપાદાનને સ્વ તરીકે જાણવું અને નિમિત્તને પર તરીકે
જાણવું ખરૂં, બંનેને જેમ છે તેમ તેના ગુણ વડે જાણીને પોતાના ઉપાદાન સ્વભાવને ઓળખવો–લક્ષમાં લેવો.
(૧) ઉપાદાન નિમિત્તને જાણવાં, પરંતુ નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ કાર્ય થાય કે નિમિત્ત ઉપાદાનનું
કાંઈ કાર્ય કરે એમ સમજવું નહિ.
(૨) એકલા ઉપાદાનથી જ કાર્ય થાય છે, નિમિત્ત કાંઈ કરતું નથી; માટે નિમિત્ત કાંઈ છે જ નહિ– એમ પણ
ન માનવું.
(૩) નિમિત્તને જાણવું ખરું, પરંતુ તે (નિમિત્ત) ઉપાદાનથી ભિન્ન પદાર્થ હોવાથી ઉપાદાનમાં તે કાંઈ જ
મદદ કે અસર કરી શકે નહિ–આમ સમજવું તે સમ્યગ્જ્ઞાન છે; પરંતુ જો નિમિત્તની હાજરી ન કબુલે અગર તો
નિમિત્તની હાજરીને લીધે કાર્ય થયું એમ માને તો મિથ્યાજ્ઞાન છે.
આ રીતે આ સંવાદ દ્વારા એમ સિદ્ધ કરવામાં આવ્યું કે–ઉપાદાન તે વસ્તુની નિજશક્તિ છે અને પર સંયોગ
તે નિમિત્ત છે. નિમિત્તો જીવનું (ઉપાદાનનું) કાંઈ જ કાર્ય કરતા નથી પરંતુ ઉપાદાન પોતે જ પોતાના કાર્યને કરે છે.
આખા સંવાદમાં ક્યાંય પણ ‘નિમિત્તથી કાર્ય થાય’ એ વાત સ્વીકારવામાં આવી નથી. ઊંધાઈમાં વિકાર પણ જીવ
પોતે જ કરે છે, નિમિત્ત વિકાર કરાવતું નથી; પરંતુ આ સંવાદમાં તો મુખ્યપણે સવળાઈની વાત લીધી છે.
સમ્યગ્દર્શનથી સિદ્ધદશા સુધીમાં જીવની જ શક્તિથી કાર્ય થાય છે એમ સિદ્ધ કર્યું પરંતુ નિમિત્તનું બળવાનપણું ક્યાંય
માનવામાં આવ્યું નથી. આથી કોઈ જીવ પોતાની અણસમજણને લીધે એમ માની બેસે કે આ તો એકાંત થઈ જાય
છે, સર્વત્ર ઉપાદાનથી જ કાર્ય થાય અને નિમિત્તથી ક્યાંય ન થાય–એમાં અનેકાંતપણું ક્યાં આવ્યું? તો ગ્રંથકાર હવે
ભલામણ કરે છે–આમાં સ્વતંત્ર વસ્તુસ્વભાવને સિદ્ધ કર્યો છે અને નિમિત્તનો પક્ષ કર્યો નથી. (નિમિત્તનું યથાર્થ
જ્ઞાન છે પરંતુ તેનો પક્ષ નથી–તે તરફ લક્ષનું જોર નથી) માટે ખેદ ન કરશો, પરંતુ હોંશથી સમજીને આ વાત
સ્વીકારજો. કેમકે આ વાતની શાખ શ્રી જિનાગમથી મળે છે.
શ્રી જિનાગમ વસ્તુને સદા સ્વતંત્ર બતાવે છે, વસ્તુ સ્વરૂપ જ સ્વતંત્ર છે. જિનેન્દ્રદેવનું દરેક વચન
પુરુષાર્થની જાગૃતિની વૃદ્ધિ માટે જ છે. જો જિનેન્દ્રના એક પણ વચનમાંથી પુરુષાર્થમાં પાછો પડવાનો આશય કાઢે તો
તે જીવ જિનેન્દ્રના ઉપદેશને સમજ્યો જ નથી. નિમિત્તોનું અને કર્મોનું જ્ઞાન પુરુષાર્થમાં અટકવા માટે કહ્યું નથી પરંતુ
નિમિત્તરૂપ પરવસ્તુઓ છે અને પર લક્ષે થતા જીવના પરિણામો પણ અનેક પ્રકારે વિકારી થાય છે એમ જાણીને
પોતાના નિજ પરિણામની સંભાળ કરવા માટે નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે; તે જ્ઞાન સત્યપુરુષાર્થની
વૃદ્ધિ માટે જ છે. પરંતુ “તીવ્ર કર્મનો ઉદય આવીને મને હેરાન કરશે તો મારો પુરુષાર્થ નહિ ચાલે શકે!” એમ જે કહે
છે તે જીવને પોતાને પુરુષાર્થ કરવો નથી તેથી જ તે પુરુષાર્થ હીનપણાની વાતો કરે છે. અરે ભાઈ! પહેલાં તને જ્યારે
કર્મોની ખબર ન હતી ત્યારે તું આવા તર્ક નહોતો કરતો, અને હવે કર્મોનું જ્ઞાન થતાં તું પુરુષાર્થની શંકા કરે છે; તો શું
હવે નિમિત્તનું સાચું જ્ઞાન થવાથી તને નુકશાન થશે? માટે હે જીવ! નિમિત્ત કર્મો તરફનું લક્ષ છોડીને તું તારા જ્ઞાનને
ઉપાદાનના લક્ષમાં જોડીને સાચો પુરુષાર્થ કર! જેટલો તું પુરુષાર્થ કરીશ તેટલું કાર્ય આવશે જ, તારા પુરુષાર્થને
રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. જગતમાં બધું જ સ્વતંત્ર છે, રજકણથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જડ ચેતન
પદાર્થો સ્વતંત્ર છે; એક પદાર્થને બીજા પદાર્થ સાથે જરાપણ સંબંધ જ નથી, તો પછી ગમે તેવા નિમિત્ત પદાર્થ હોય
તોપણ તે ઉપાદાનને શું કરે? ઉપાદાન પોતે જે પ્રકારે પરિણમે તે પ્રકારે પર પદાર્થમાં નિમિત્તનો આરોપ આવે છે.
નિમિત્ત તો આરોપ માત્ર છે, તેની ઉપાદાનમાં તો નાસ્તિ છે; અસ્તિ–નાસ્તિરૂપ આવું અનેકાન્ત વસ્તુસ્વરૂપ છે;
પરંતુ એક પદાર્થ બીજા પદાર્થમાં કાંઈ કરે એવી માન્યતામાં તો પદાર્થોની સ્વતંત્રતા રહેતી નથી અને એકાંત થઈ
જાય છે. માટે ઉપાદાન–નિમિત્તના સંવાદદ્વારા જે વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તે જાણીને હે ભવ્ય જીવો તમે
ખેદને છોડો, કાંઈક પર દ્રવ્યની મદદ જોઈએ એવી માન્યતાને છોડો પોતાના આત્માને પરાધીન માનવો તે જ સૌથી
મોટો ખેદ છે, હવે આત્માના સ્વાધીન સ્વરૂપને જાણીને તે ખેદ તમે છોડો...કેમકે શ્રીજિનાગમનું દરેક વચન વસ્તુ
સ્વરૂપને સ્વતંત્ર જાહેર કરે છે, અને જીવને સત્ય પુરુષાર્થ કરવા પ્રેરે છે.