ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
એ ખાસ ધ્યાન રાખવું કે નિમિત્ત વસ્તુ છે ખરી. સાચા દેવ, ગુરુ, શાસ્ત્રને ઓળખે નહિ અને કહે કે
નિમિત્તનું શું કામ છે, ઉપાદાન સ્વતંત્ર છે, એમ ઉપાદાનને જાણ્યા વગર સ્વછંદી થઈ પ્રવર્તે તો તેનું અજ્ઞાન જ દ્રઢ
થાય, એવા જીવને ધર્મ તો ન જ થાય, ઉલ્ટો શુભરાગ છોડીને તે અશુભરાગમાં પ્રવર્તે. શ્રીમદ્ રાજચંદ્રજી એ
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત,
પામે નહિ પરમાર્થને રહે ભ્રાંતિમાં સ્થિત.
ધ્યાન રાખજો, આમાં ઉપાદાનનું માત્ર ‘नाम’ લઈને નિમિત્તનો જે નકાર કરે છે એવા જીવની વાત છે;
પરંતુ જેઓ ઉપાદાનના भावने समजीने નિમિત્તનું લક્ષ છોડે છે તેઓ તો સિદ્ધ સ્વરૂપને પામે છે. આ ગાથાને
સૂલટાવીને કહીએ તો–
ઉપાદાનનો ભાવ લઈ એ જે તજે નિમિત્ત,
પામે તે સિદ્ધત્વને રહે સ્વરૂપમાં સ્થિત.
અજ્ઞાની જીવ સત્ નિમિત્તને જાણતો નથી અને ઉપાદાનને પણ જાણતો નથી તે જીવ તો અજ્ઞાની જ રહે છે,
પરંતુ જે જીવો પોતાના ઉપાદાન સ્વભાવના સ્વતંત્ર ભાવોને ઓળખીને, તે સ્વભાવની એકાગ્રતા દ્વારા નિમિત્તનું
લક્ષ છોડે છે તે જીવો પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે, તેમની ભ્રાંતિનો અને રાગનો નાશ થઈને તેઓ કેવળજ્ઞાન
પામીને મુક્ત થાય છે.
જે જીવ ઉપાદાન નિમિત્તના સ્વરૂપને જાણતો નથી અને માત્ર ઉપાદાનની વાતો કરે છે અને નિમિત્તને
જાણતો જ નથી તે પાપી છે. અહીં ‘નિમિત્તથી કાંઈ કાર્ય થાય’ એમ કહેવાનો આશય નથી, પરંતુ પોતાના ભાવને
સમજવાની વાત છે. જ્યારે જીવને સત્ નિમિત્તના સમાગમનો ભાવ અંતરથી ન ગોઠયો અને સ્ત્રી, પૈસા વગેરેના
સમાગમનો ભાવ ગોઠયો ત્યારે તેને ધર્મના ભાવનો અનાદર અને સંસાર તરફના ઊંધા ભાવનો આદર છે. પોતાને
વર્તમાન રાગ વર્તે છે છતાં તે રાગનો વિવેક કરતો નથી (શુભ–અશુભ વચ્ચે જરા પણ ભેદ પાડતો નથી) તે જીવ
ઊંધા ભાવને જ સેવે છે. તે ઊંધો ભાવ કોનો? શું તું વીતરાગ થઈ ગયો છો? જો તને વિકલ્પ અને નિમિત્તનું લક્ષ
જ ન હોત તો તારે શુભ નિમિત્તના લક્ષનું પણ પ્રયોજન ન રહેત. પરંતુ જ્યારે વિકલ્પ અને નિમિત્તનું લક્ષ છે ત્યારે
તો તેનો જરૂર વિવેક કરવો જોઈએ. આથી એમ ન સમજવું કે નિમિત્તથી કાંઈ લાભ–નુકશાન છે! પરંતુ પોતાના
ભાવની જવાબદારી પોતે સ્વીકારવી પડશે. જે પોતાની વર્તમાન પર્યાયના ભાવને અને તેને યોગ્ય નિમિત્તોને નહિ
ઓળખે તે ત્રિકાળી સ્વભાવને કઈ રીતે ઓળખશે.
જીવ કાં તો નિમિત્તથી કાર્ય થાય એમ માનીને પુરુષાર્થહીન થાય છે, અને કાં તો નિમિત્તનો અને સ્વ
પર્યાયનો વિવેક ચૂકીને સ્વચ્છંદી થાય છે; આ બંને ઊંધા ભાવ છે. તે ઊંધો ભાવ જ જીવને ઉપાદાનની સ્વતંત્રતા
સમજવા દેતો નથી. જો જીવ ઊંધો ભાવ ટાળીને સત્ સમજે તો તેને કોઈ નડતું નથી. જ્યારે જીવ પોતાના ભાવથી
સત્ સમજે ત્યારે સત્ નિમિત્તો હોય જ છે; કેમકે જેને સત્ સ્વભાવનું બહુમાન છે તેને સત્ નિમિત્તો તરફનું લક્ષ
અને બહુમાન આવે જ, જેને સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો અનાદર છે તેને પોતાના જ સત્ સ્વરૂપનો અનાદર છે, અને સત્
સ્વરૂપનો અનાદર તે જ નિગોદ ભાવ છે, તે ભાવનું ફળ નિગોદદશા છે...
–માટે જિજ્ઞાસુઓએ બધાય પડખેથી ઉપાદાન નિમિત્તને જેમ છે તેમ બરાબર જાણીને નક્કી કરવું જોઈએ.
એ નક્કી કરતાં પરાધીનતાની માન્યતાનો ખેદ ટળે છે અને સ્વાધીનતાનું સાચું સુખ પ્રગટે છે.–૪પ–
હવે ગ્રંથકર્તા પોતાનું નામ અને સ્થાન જણાવે છે–
નગર આગરા અગ્ર હૈ જૈની જનકો વાસ;
તિહ થાનક રચના કરી, ‘ભૈયા’ સ્વમતિ પ્રકાશ. ૪૬.
અર્થઃ– આગ્રા શહેર જૈંની જનોના વાસ માટે અગ્ર છે, તે ક્ષેત્રે ભૈયા ભગવતીદાસજીએ પોતાની બુદ્ધિના
પ્રકાશ પ્રમાણે આ રચના કરી છે–અથવા તો પોતાના જ્ઞાનના પ્રકાશ માટે આ રચના કરી છે.
આ ઉપાદાન નિમિત્ત વચ્ચેથી વહેંચણીના કથનનો જે અધિકાર કહ્યો તે સર્વજ્ઞદેવથી પરંપરા કહેવાયેલા
તત્ત્વનો સાર છે અને તેમાંથી મારી સ્વમતિથી હું જેટલું સમજ્યો તે જ મેં આ સંવાદમાં પ્રગટ કર્યું છે.–૪૬–
હવે રચનાનો દિવસ જણાવીને આ સંવાદ પૂરો કરે છે–
સંવત વિક્રમ ભુપકો, સત્રહસેં પંચાસ;
ફાલ્ગુન પહિલે પક્ષમેં, દશોં દિશા પરકાશ. ૪૭.
અર્થઃ– વિક્રમ રાજાના સંવત ૧૭પ૦ના ફાગણ માસના પહેલા પક્ષમાં આ સંવાદની રચના કરી છે.
જેમ પૂર્ણિમાના ચંદ્રનો પ્રકાશ દશે દિશામાં ફેલાય છે તેમ આ ઉપાદાન–નિમિત્ત સંબંધી તત્ત્વચર્ચા દસે
દિશામાં તત્ત્વનો પ્રકાશ કરશે. ઠેર ઠેર આની જ ચર્ચા ચાલશે–અર્થાત્ આ તત્ત્વજ્ઞાન જગ જાહેર થશે એમ અંત મંગળ
સાથે આ અધિકાર પૂર્ણતાને પામે છે...–૪૭.