Atmadharma magazine - Ank 045
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
આષાઢઃ ૨૪૭૩ઃ ૧૭૯ઃ
સમ્યગ્જ્ઞાન પ્રગટે. માટે જ્ઞાનજ્ઞાનીની એકતાની પ્રતીતિ તે જ સમ્યગ્જ્ઞાનનું કારણ છે. એ જ્ઞાન વગર રાગ તોડીને
સ્વભાવની એકતા કરવાની ક્રિયા આત્મા કદી કરી શકતો નથી.
વીતરાગી સહજ સુંદર સુખરૂપ પરમાનંદ સ્વભાવનો અજાણ અજ્ઞાની જીવ બહારમાંથી જ્ઞાન–આનંદ માને છે
અને તેથી તે બહારમાં જ શોધે છે, પણ સ્વસન્મુખ થઈને અંતરમાં શોધતો નથી. આત્મા અને જ્ઞાનની એકતાની
પ્રતીતિવડે અભેદરૂપ નિજ શુદ્ધાત્માની અનુભૂતિ તે જ ઉપાદેય છે.
ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે, આનંદ સાથે એકમેક છે, તેના આનંદ માટે બહારમાં કોઈ સાધન નથી,
પણ સ્વયં આનંદ સ્વભાવ સાથે અભેદરૂપ છે એની પ્રતીત અને અંતરમુખ વલણ તે જ આનંદ પ્રગટવાનું સાધન છે.
ખાવા પીવામાં કે રાગમાં ક્યાંય આત્માનો આનંદ નથી. ગિરીગૂફામાં આનંદ નથી, પણ આનંદ અને આત્મા
એકાકાર છે ત્યાં એકાગ્ર થતાં આનંદ પ્રગટે છે. હું મારા વીતરાગી આનંદ સ્વભાવમાં એકતા કરૂં ત્યાં રાગ સાથેની
એકતા છૂટી જ જાય છે અને સંયોગ તો છૂટેલા જ છે. આમ જો સ્વાશ્રય આનંદની પ્રતીત કરે તો પરમાં આનંદ કે
સુખની કલ્પના સ્વપ્ને પણ ન રહે, અને સ્વાશ્રયે આનંદ પ્રગટે.
સંયોગ સારા હોય તો ધર્મ કરવો ઠીક પડે–એમ માનનાર સંયોગોમાંથી ધર્મની ઉત્પત્તિ માને છે, પણ પોતાના
સ્વભાવમાં ધર્મ છે તેની પ્રતીતિ કરતો નથી. પોતાના આત્માને અને ગુણને એકતાપણે જાણ્યા નથી તેથી સંયોગથી
ગુણ પ્રગટે એમ માને છે. જીંદગીભર આજીવિકા ચાલે એટલી લક્ષ્મી મળી જાય તો શાંતિથી આત્મસાધન કરી શકાય–
એમ અજ્ઞાની માને છે. ભાઈ, શું લક્ષ્મીના અવલંબને તારી શાંતિ છે? કે સ્વભાવના અવલંબને છે? લક્ષ્મી હોય કે ન
હોય, પણ તારો આત્મા તો તારી શાંતિ સાથે ત્રિકાળ એકરૂપ છે, તેનું લક્ષ કર તો શાંતિ પ્રગટે. લક્ષ્મી વગેરેનો રાગ
હોય તે જુદી વાત છે પણ તેના આશ્રયે ધર્મ પ્રગટશે એમ જ્ઞાની માનતા નથી. મારા સ્વભાવના આશ્રયે જે સમયે
એકતા કરીને લીન થાઉં તે જ સમયે સ્વભાવમાં જ જ્ઞાન આનંદ છે તે પ્રગટે છે, પણ પહેલાં પોતે ત્રિકાળી
ચૈતન્યસ્વરૂપ છે તેની પ્રતીતિ કરે તો વર્તમાનમાં પ્રગટે ને! સામાન્ય સ્વભાવે ત્રિકાળ આનંદ સ્વરૂપ છું એમ
સામાન્યનું લક્ષ કરે તો વિશેષમાં આનંદ પ્રગટે.
આત્માનો વીતરાગી આનંદ સહજ અને સુંદર છે. સહજ એટલે પોતાના સ્વભાવથી જ, તેને કોઈ પરનું
અવલંબન નથી પણ પોતાથી જ તે આનંદરૂપ છે. આત્મા અને આનંદ ત્રિકાળ એકરૂપ છે. અજ્ઞાની આત્માને પણ
તેનો આનંદગુણ ત્રિકાળ અભેદરૂપ પોતામાં જ છે, પણ તેને તેની પ્રતીતિ નહિ હોવાથી પર્યાયમાં પ્રગટ અનુભવ થતો
નથી. જે સત્ સ્વભાવ છે તેની પ્રતીતિ કરવી તે જ આનંદ પ્રગટ કરવાનો ઉપાય છે; એની પ્રતીતિ ન કરે તો અન્ય
કોઈ પણ સાધનથી આનંદ પ્રગટવાનો નથી. કોઈ લોકો કહે છે કે કાળ કઠણ છે તેથી ધર્મ સમજવો મુશ્કેલ લાગે છે.
પણ જ્ઞાનીઓ કહે છે કે તારી પર્યાય તે જ તારો સ્વકાળ છે. તું તારા આત્મસ્વભાવની પ્રતીતિ કરીને સ્વપર્યાયને
સ્વભાવમાં એકાગ્ર કર, તો તારો સારો જ કાળ છે. તારો કાળ તો તારી જ પર્યાયમાં છે. તને તારા સ્વતંત્ર સ્વકાળને
સુધારવાની ખબર ન પડે અને તું બહારના કાળથી શાંતિ લેવા માગ, પરંતુ એ ઉપાયથી તારી શાંતિ પ્રગટવાની નથી.
તારી શાંતિ પરમાં નથી. પણ તારામાં જ છે.
ગુણો દ્રવ્યના જ આશ્રયે છે, ગુણ એકલો ન હોઈ શકે. દ્રવ્યના આશ્રયે બધા ગુણ રહેલા છે, પણ એક ગુણને
આશ્રયે બીજો ગુણ રહેલો નથી. ગુણ અપેક્ષાએ એક ગુણથી બીજો ગુણ સ્વતંત્ર છે. પણ બધાય ગુણો તો એક દ્રવ્યના
જ આશ્રયે છે. દ્રવ્યને અને ગુણને ભેદ નથી. દ્રવ્યને છોડીને ગુણ ક્યાંય રહેતા નથી. અભેદ દ્રવ્યદ્રષ્ટિથી જોઈએ ત્યારે
બધા ગુણ પર્યાયથી અભેદરૂપ એક દ્રવ્ય છે. પણ ગુણભેદ કે પર્યાયભેદથી જોઈએ તો અનંતગુણ અને અનંત પર્યાયો
છે, તે દરેક ગુણ સ્વતંત્ર છે અને દરેક પર્યાય પણ સ્વતંત્ર છે.
ઘણાને પ્રશ્ન ઊઠે છે કે દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, તો પર્યાયમાં વિકાર કેમ? તેનો ઉત્તર એ છે કે તે સમયની
પર્યાય સ્વતંત્ર છે, સ્વતંત્રપણે તે પર્યાય વિકારરૂપે પરિણમે છે, તે પર્યાયનો તેવો સ્વભાવ છે. તે સમયની પર્યાય સ્વાધીન
દ્રવ્ય સ્વભાવમાં લીન ન થતાં પરમાં લીન થઈ તેથી તે વિકારરૂપે થઈ છે; તે પોતે જ કારણ કાર્યરૂપ છે.
પહેલાં તો ગુણગુણી અભેદ છે તેની દ્રષ્ટિ કર્યા પછી ભેદથી જોતાં દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક ગુણ
પોતપોતાના આધારે છે. અને દરેક પર્યાય પોતપોતાના આધારે છે. પણ દ્રવ્યથી જોતાં દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ