Atmadharma magazine - Ank 045
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
ઃ ૧૮૨ઃ આત્મધર્મઃ ૪પ
ન કહેવાય. ધર્માસ્તિકાય તો બંનેમાં હાજર છે, તે કાંઈ પદાર્થોને ચલાવતું નથી; પણ પદાર્થ ગતિ કરે તો માત્ર
આરોપથી તેને નિમિત્ત કહેવાય છે. આ જ પ્રમાણે બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ સમજવા.
કમળ ખીલે તેમાં સૂર્ય નિમિત્ત છે એટલે જો કમળ સ્વયં ખીલે તો સૂર્યને નિમિત્તનો આરોપ આવે અને જો
કમળ ન ખીલે તો સૂર્યને નિમિત્તનો આરોપ આવે નહિ. કમળના કાર્યમાં સૂર્યે કાંઈ કર્યું નથી, તે તો ધર્માસ્તિકાયવત્
હાજર માત્ર છે.
સાચી સમજણમાં ગુરુનું નિમિત્ત છે એટલે જો જીવ પોતે સ્વયં સાચું સમજે તો ગુરુને નિમિત્તનો આરોપ
આવે અને જો જીવ પોતે સાચું ન સમજે તો ગુરુને નિમિત્ત કહેવાય નહિ. સામા જીવના જ્ઞાનમાં ગુરુએ કાંઈ જ કર્યું
નથી, તે તો ધર્માસ્તિકાયવત્ માત્ર હાજરરૂપ છે.
માટીમાંથી ઘડો થાય તેમાં કુંભાર નિમિત્ત છે એટલે માટી સ્વયં ઘડારૂપ પરિણમે ત્યારે કુંભારમાં નિમિત્તનો
આરોપ આવે, અને જો માટી ઘડારૂપ ન પરિણમે તો કુંભારને નિમિત્ત કહેવાય નહિ. માટીના કાર્યમાં કુંભારે કાંઈ કર્યું
નથી, કુંભાર તો ધર્માસ્તિકાયવત્ હાજર માત્ર છે. આ પ્રમાણે જ્યાં જ્યાં પરવસ્તુને નિમિત્ત કહેવામાં આવે ત્યાં
સર્વત્ર “ધર્માસ્તિકાયવત્” એમ સમજી લેવું.
જે પદાર્થ સ્વયંકાર્યરૂપે પરિણમે તે નિશ્ચય છે, અને બીજા પદાર્થમાં આરોપ કરીને તેને નિમિત્ત કહેવું તે
વ્યવહાર છે. જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ છે–અર્થાત્ જ્યાં ઉપાદાન સ્વયં કાર્યરૂપ પરિણમે ત્યાં નિમિત્તરૂપ
પર વસ્તુની હાજરી હોય જ છે. ઉપાદાને પોતાની શક્તિથી કાર્ય કર્યું એમ જ્ઞાન કરવું તે નિશ્ચયનય છે અને તે વખતે
હાજર રહેલી પરવસ્તુનું જ્ઞાન કરવું તે વ્યવહારનય છે. ૩.
ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય.
ભેદજ્ઞાન પરમાણ વિધિ વિરલા બુઝે કોય. ૪.
અર્થઃ– જ્યાં પોતાનો ગુણ ઉપાદાનરૂપે તૈયાર થાય ત્યાં તેને અનુકૂળ પર નિમિત્ત હોય જ. આવી ભેદજ્ઞાનની
સાચી રીત છે તેને કોઈ વીરલા જીવો જ જાણે છે.
ઉપાદાન પોતાની શક્તિથી કાર્ય કરે અને ત્યારે નિમિત્ત હોય પણ તે ઉપાદાનમાં કાંઈ કરી શકે નહિ– આ
વાત ભેદજ્ઞાનની છે. સ્વ અને પર દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, એકની બીજામાં નાસ્તિ જ છે તો પછી તે શું કરે? જો
સસલાનાં શીંગડા કોઈને અસર કરે તો નિમિત્તની અસર પરમાં થાય; પણ જેમ સસલાનાં શીંગડાનો અભાવ
હોવાથી તે કોઈને અસર કરતાં નથી તેમ નિમિત્તનો પરદ્રવ્યમાં અભાવ હોવાથી નિમિત્તની કાંઈ અસર પરદ્રવ્યમાં
થતી જ નથી. આવું વસ્તુ સ્વભાવનું ભેદજ્ઞાન કોઈ વીરલા–સત્ય પુરુષાર્થી–જીવો જ જાણે છે. ઉપાદાન નિમિત્તની
સ્વતંત્રતાને જ્ઞાનીઓ જ જાણે છે; જ્ઞાનીઓ વસ્તુ સ્વભાવને જુએ છે તેથી તેઓ જાણે છે કે દરેક વસ્તુની પર્યાય તે
વસ્તુના પોતાના સ્વભાવથી જ થાય છે, વસ્તુ સ્વભાવમાં જ પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય છે, તેને પર વસ્તુના
નિમિત્તની જરૂર નથી. પરંતુ અજ્ઞાનીઓ વસ્તુસ્વભાવને જાણતા નથી તેથી તેઓ સંયોગોને જોનારા છે, અને વસ્તુનું
કાર્ય સ્વતંત્ર થાય છે તેને બદલે તેઓ સંયોગાધીન–નિમિત્તાધીન કાર્ય માને છે; આ કારણે તેમને સંયોગમાં
એકત્વબુદ્ધિ ખસતી નથી અને સ્વ–પર ભેદજ્ઞાન થતું નથી. અહીં ઉપાદાન અને નિમિત્તની સ્વતંત્રતા બતાવીને
ભેદજ્ઞાનનો ઉપાય દર્શાવે છે. આખા જગતના ઘણા જીવો ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ સમજ્યા વગર ખીચડો કરે છે
કે–નિમિત્તમાં કાંઈક વિશિષ્ટતા છે, કોઈ વાર નિમિત્તની અસર થઈ જાય છે, કોઈવાર નિમિત્તની મુખ્યતાથી કાર્ય
થાય છે આ બધી માન્યતા અજ્ઞાન છે. ૪.
ઉપાદાન બલ જહં તહાં, નહિ નિમિત્ત કો દાવ,
એક ચક્રસૌં રથ ચલે, રવિ કો યહૈ સ્વભાવ. પ.
અર્થઃ– જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો દાવ નથી અર્થાત્ નિમિત્ત કાંઈ કરતું નથી; સૂર્યનો
એવો જ સ્વભાવ છે કે તેનો રથ એક ચક્રથી ચાલે છે (–તેમ વસ્તુનો એવો જ સ્વભાવ છે કે એકલા ઉપાદાનની
તાકાતથી જ કાર્ય થાય છે).
જ્યાં દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવથી જ કાર્ય કરે છે ત્યાં તેના સ્વભાવમાં પરવસ્તુ શું કરે? દરેક વસ્તુ
પોતપોતાના સ્વભાવમાં જ પરિણમી રહી છે, કોઈ વસ્તુ અન્ય વસ્તુના ભાવમાં પરિણમતી નથી. ઉપાદાન પોતે
પોતાના ભાવમાં પરિણમે છે અને નિમિત્ત નિમિત્તના પોતાના ભાવમાં પરિણમે છે. પોતાની પર્યાયનું કાર્ય કરવામાં
દરેક વસ્તુનું ઉપાદાન પોતે જ બળવાન છે, તેમાં નિમિત્તનું કાંઈ કાર્ય નથી. આમાં દ્રષ્ટાંત પણ કુદરતી વસ્તુનું આપ્યું
છે. સૂર્યના રથનો એક જ ચક્ર હોય છે, એક ચક્રથી જ ચાલવાનો સૂર્યનો સ્વભાવ છે તેમ એક સ્વ વસ્તુથી જ કાર્ય
કરવાનો વસ્તુનો સ્વભાવ છે.