Atmadharma magazine - Ank 045
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
આષાઢઃ૨૪૭૩ઃ ૧૮૩ઃ
પોતાના ઉપયોગ ને સ્વભાવ તરફ વાળવામાં જીવ પોતે જ સ્વતંત્ર છે. માટે હે નિમિત્તના પક્ષવાળા! તું કહે છે કે
‘નિમિત્ત હોય તો કાર્ય થાય અને જેવું નિમિત્ત મળે તે અનુસાર ઉપાદાનની પર્યાય થાય’–એ વાત અસત્ય છે.
સ્વભાવમાં પર નિમિત્તનું કાંઈ કાર્ય છે જ નહિ જો વસ્તુની કોઈપણ પર્યાય નિમિત્તને લીધે થતી હોય તો તે વસ્તુમાં
તે પર્યાય થવાની તાકાત શું ન હતી? અનાદિ અનંત કાળની સર્વ પર્યાયોનું સામર્થ્ય તો વસ્તુમાં છે. અને જો વસ્તુમાં
જ અનાદિ અનંત પર્યાયનું સામર્થ્ય છે તો તેમાં બીજાએ શું કર્યું? અનાદિઅનંત પર્યાયોમાંથી એક પણ પર્યાય જો
પરને લીધે કે પરની મુખ્યતાને લીધે થઈ એમ માને તો તેમ માનનારે વસ્તુને સ્વીકારી નથી. નિમિત્તે કર્યું કઈ રીતે?
શું વસ્તુમાં તે પર્યાય ન હતી અને બહારથી નિમિત્તે આપી? જે વસ્તુમાં જે તાકાત ન હોય તે બીજાથી આપી શકાય
નહિ અને વસ્તુમાં જે તાકાત હોય તેને બીજાની અપેક્ષા કે મદદ ન હોય. આવો સ્વતંત્ર વસ્તુ સ્વભાવ સ્વીકાર્યા
વગર સ્વતંત્રદશા (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) કદાપિ પ્રગટશે નહિ.
વળી પૂર્વે દલીલમાં કહ્યું હતું કે–શું માણસ બે પગ વગર ચાલી શકે? જેનામાં ચાલવાની તે જાતની શક્તિ
હોય તે એક પગથી પણ ચાલી શકે છે. અંતર્દ્વીપના મનુષ્યોને એક પગ હોય છે અને તેઓ એક પગથી જ ચાલે છે;
તેમ આત્માના અંતર સ્વભાવની શક્તિથી નિર્મળદશા પ્રગટે છે, નિર્મળદશા પ્રગટ કરવામાં નિમિત્તનું કાંઈ કાર્ય તો
નથી પરંતુ નિમિત્ત પ્રત્યેનું લક્ષ પણ હોતું નથી. નિમિત્તનું લક્ષ છોડી દઈને એકલા સ્વભાવના લક્ષે નિર્મળદશા
પ્રગટે છે.
જડ વસ્તુઓમાં ‘ઉપયોગ’ નથી, તેની જે જે દશા થવા યોગ્ય હોય તે સ્વયં તેમનાથી થયા કરે છે, અને તેને
અનુકૂળ નિમિત્ત હોય જ છે. જડને સુખ–દુઃખ નથી. અહીં તો જીવનું પ્રયોજન છે; જીવમાં ‘ઉપયોગ’ છે તેથી તે
એકલો પોતાના ઉપયોગને સ્વ તરફ ફેરવી શકે છે. નિમિત્ત તરફથી ઉપયોગ ખસેડીને સ્વભાવ તરફ ઉપયોગ કરવા
માટે ઉપયોગ સ્વયં પોતાથી જ ફરી શકે છે. સ્વદ્રવ્ય અને અનેક પ્રકારના પરદ્રવ્યો એક સાથે હાજર છે, તેમાં પોતાના
ઉપયોગને પોતે જે તરફ વાળે તે તરફ વળી શકે છે, પર દ્રવ્યો હોવા છતાં તે બધાનું લક્ષ છોડીને ઉપયોગને સ્વદ્રવ્યમાં
વાળી શકે છે. આ ન્યાયમાં ઉપયોગની સ્વતંત્રતા બતાવી અને નિમિત્તાધીન દ્રષ્ટિને ઉડાડી દીધી.
એક બીજાનું કાંઈ કરે નહિ એવો વસ્તુનો સ્વભાવ જ છે–એમ હવે કહે છે–
સબૈં વસ્તુ અસહાય જહાં તહાં નિમિત્ત હૈ કૌન,
જ્યોં જહાજ પરવાહમેં તિરૈ સહજ વિન પૌન. ૬.
અર્થઃ– બધી વસ્તુઓ જ્યાં અસહાય છે તો પછી નિમિત્ત કોણ છે? જેમ પાણીના પ્રવાહમાં વહાણ પવન
વગર સહજ–પોતાના સ્વભાવથી તરે છે (તેમ વસ્તુઓ પરની સહાય વગર પોતાના સ્વભાવથી જ પરિણમે છે.)
આ દોહામાં વસ્તુસ્વભાવ વિશેષ સ્પષ્ટતાથી બતાવ્યો છે. ‘સબૈ વસ્તુ અસહાય’ એટલે બધી જ વસ્તુઓ
સ્વતંત્ર છે, એક વસ્તુની બીજી વસ્તુમાં નાસ્તિ છે તોપછી તેમાં નિમિત્ત પણ કોણ છે? પરમાર્થે તો એક વસ્તુને બીજી
વસ્તુ નિમિત્ત પણ નથી, એક વસ્તુમાં બીજી વસ્તુને નિમિત્ત કહેવું તે વ્યવહાર છે–ઉપચાર છે. વસ્તુ સ્વભાવ પરથી
છૂટો સ્વતઃ પરિપૂર્ણ છે, તે સ્વભાવ પરની અપેક્ષા રાખતો નથી અને તે સ્વભાવનું સાધન પણ અસહાય છે. નિમિત્ત
નિમિત્તમાં ભલે રહ્યું, પરંતુ ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કોણ છે? વસ્તુના અનંત ગુણોમાં પણ એક ગુણ બીજા
ગુણથી અસહાય–સ્વતંત્ર છે તોપછી એક વસ્તુને બીજી ભિન્ન વસ્તુ સાથે તો કાંઈ સંબંધ નથી. અહીં સ્વભાવદ્રષ્ટિના
જોરે કહે છે કે એક વસ્તુમાં બીજી વસ્તુનું નિમિત્ત પણ કેવું? નિમિત્ત હોય છે તેનું જ્ઞાન ગૌણપણે છે પરંતુ દ્રષ્ટિમાં
નિમિત્તનું લક્ષ નથી.
જેમ પવનની હાજરી વગર વહાણ પાણીના પ્રવાહમાં તરે છે (આ દ્રષ્ટાંત સમજવું), તેમ આત્મા પર
નિમિત્તના લક્ષ વગર અને પુણ્ય–પાપના વિકાર રહિત, ઉપાદાનના લક્ષે સ્વભાવમાં ઠરી ગયો છે–તેમાં નિમિત્ત કોણ
છે? બહારમાં નિમિત્ત છે કે નહિ એનું લક્ષ નથી અને અંતરમાં શુક્લધ્યાનની શ્રેણીમાં ચડીને કેવળજ્ઞાન પામે છે.
એક ક્ષણમાં અનંત પુરુષાર્થ પ્રગટાવીને કેવળજ્ઞાન પ્રગટ કરે–એવો અસહાય વસ્તુ સ્વભાવ છે. આવા
આત્મસ્વભાવનું ભાન કરીને તેની રમણતામાં ઠર્યો ત્યાં બહારના નિમિત્તોની સહાય કે લક્ષ નથી. તેવી જ રીતે
વિકાર કરે તો તેમાં પણ નિમિત્તની સહાય નથી. ઉપાદાન પોતે પોતાની પર્યાયની લાયકાતથી વિકાર કરે છે. આખી
વસ્તુ અસહાય છે અને તેની દરેક પર્યાય પણ અસહાય છે.
અહો! જેણે આવો સ્વતંત્ર વસ્તુ સ્વભાવ પ્રતીતમાં લીધો તે પોતાની નિર્મળતા માટે કોના સામું જુએ?
આવી પ્રતીત થતાં કોઈ પર પ્રત્યે જોવાનું ન રહ્યું. એટલે એકલા સ્વ સ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતાના જોરે
વિકારનો ક્ષય થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે.–૬–
કોઈ પૂછે કે–જો નિમિત્ત કાંઈ જ કરતું નથી અને નિમિત્ત તો આરોપ માત્ર છે, તો પછી શાસ્ત્રોમાં તો