Atmadharma magazine - Ank 045a
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 29

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૧૯૩ઃ
અને તને તારા પુરુષાર્થનો ભરોસો નથી. જીવની પ્રતીતિવાળાને પડવાની શંકા ન હોય. પોતાના જીવ સ્વભાવને
ભૂલીને પોતાને વિકારી અને અજીવ માને તો પડે. જે જીવો પડયા હોય તેઓ જીવને ચૂકયા તેથી પડયા છે. જીવ
દ્રવ્યની પ્રતીતિ કરીને અજીવથી જુદાપણે પોતાના સ્વભાવમાં ટકયો અને એમ પ્રતીત કરી કે મારા તત્ત્વમાં અજીવનો
પ્રવેશ ત્રણકાળમાં નથી. એવી પ્રતીતવાળાને પડવાની શંકા ન હોય...છતાં અજ્ઞાની કહે છે કે આગળ જતાં કર્મનો
તીવ્ર ઉદય આવે અને પડી જઈએ તો! ત્યારે શ્રીગુરુ કહે છે કે હે ભાઈ, અમે તને સાચી શ્રદ્ધારૂપી દોરો બાંધી દઈએ
છીએ, તેના વડે તારા આત્માને વિકારથી અને કર્મથી જુદો ઓળખી લેજે. પરમપારિણામિક નિર્મળ સ્વભાવ તે તું
છો, તું જ્ઞાન સ્વરૂપ છો, તારા જ્ઞાનમાં અજ્ઞાન ન હોય, પુણ્યપાપ ન હોય, મિથ્યાત્વ ન હોય, કર્મ ન હોય. એવા તારા
જ્ઞાન સ્વભાવને બધાયથી જુદાપણે પ્રતીતમાં ટકાવી રાખજે, તેથી તારો આત્મા ખોવાય નહિ જાય, તારામાં
અજ્ઞાનનો પ્રવેશ નહિ થાય અને મુક્તિમાર્ગે જતાં તું પાછો પડીશ નહિ.
–પરંતુ અજ્ઞાનીને રાગમાં પોતાપણાનો ભ્રમ પડી જાય છે, એટલે કે રાગ એ જ જાણે કે આત્મા હોય એમ તે
માને છે અને રાગથી ભિન્ન આત્મસ્વભાવને ભૂલી જાય છે. તેને ભ્રમ પડે છે કે આ રાગ થયો તેમાં મારો આત્મા
ખોવાઈ ગયો. જ્ઞાનીઓ તેને કહે છે કે ભાઈ તું શાંત થઈને તારા સ્વરૂપને જો. રાગ વખતે પણ તારો સ્વભાવ તો
એવો ને એવો જ છે, પણ તને રાગમાં એકત્વપણાનો ભ્રમ પડયો છે તેથી તારો ભિન્ન સ્વભાવ તારા અનુભવમાં
આવતો નથી. તારો સ્વભાવ તો ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ લક્ષણ વડે તું તારા આત્માને ઓળખી
લે. એ ચૈતન્યલક્ષણરૂપ તારો આત્મા તો રાગ થાય તે વખતે પણ તેથી જુદા સ્વભાવે ટકનારો છે. માટે આત્મા
ખોવાઈ જાય અર્થાત્ આત્મા વિકારી છે–એવો ભ્રમ તું છોડ અને તારા સ્વભાવને માન.
–આમ જ્યારે શ્રીગુરુ વારંવાર સમજાવે છે ત્યારે પાત્ર જીવ સ્વસન્મુખ થઈને ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી
પોતાનું સ્વરૂપ સમજે છે; ત્યારે તેને ભાન થાય છે કે અહો! હું આત્મા તો સદાય પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવવાળો જ
છું, મારો સ્વભાવ કદી કોઈમાં ભળી ગયો ન હતો તેમજ વિકારી થયો ન હતો. એમ ત્રિકાળી સ્વભાવ સમજ્યા
પછી અને તેની પ્રતીતિ કર્યા પછી તેને કર્મથી પડવાની શંકા કદી થતી નથી. જેમ દોરો છૂટયો ત્યારે પણ
ગોસળીયો જ હતો અને દોરો હતો ત્યારે પણ તે તો તે જ હતો, પણ તે ભ્રમથી ભૂલી ગયો હતો, તેમ વિકાર
વખતે પણ જીવનો સ્વભાવ તો એવોને એવો જ છે, અજ્ઞાની તેને ભૂલી રહ્યો છે, જ્ઞાની તેને તે બતાવે છે. ભ્રમ
ટળીને સાચું ભાન થતાં પોતે પોતાના પારિણામિકભાવને ઓળખે છે અને તે પારિણામિકભાવના લક્ષે
અનાદિનો ઔદયિકભાવ ટળીને ઔપશમિક વગેરે ભાવો પ્રગટે છે. શ્રીગુરુ એ પારિણામિકભાવને ઓળખાવે છે,
જીવ જો પોતાના પારિણામિકભાવની શ્રદ્ધારૂપી દોરો આત્મા સાથે બાંધી દ્યે તો તે સંસારમાં ખોવાઈ જાય નહિ–
અર્થાત્ તેની અવશ્ય મુક્તિ જ થાય.
* * * * *
– આજીવન બ્રહ્મચર્ય–
માલવાણ ગામના રહીશ ભાઈ દેવશીભાઈ રામજી શાહ તથા તેમના ધર્મપત્ની ચંચળબેન–એ બન્નેએ,
શ્રુતપંચમીના દિવસે પૂજ્ય સદ્ગુરુદેવશ્રી પાસે આજીવન–બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે.
સમયસાર–પ્રવચનો ભાગ–૪
આ ભાગમાં સમયસારજીના કર્તાકર્મ અધિકાર (ગા. ૬૯ થી ૧૪૪) ઉપરના પ્રવચનોનો સમાવેશ થાય છે.
આ પુસ્તકમાં પપ૦ પાનાં છે. તેની પડતર કિંમત લગભગ રૂા. ૩–૮–૦ હોવા છતાં તેની કિંમત રૂ. ૩–૦–૦
રાખવામાં આવી છે. કર્તાકર્મ સંબંધી આવું સ્પષ્ટીકરણ અન્યત્ર કોઈ ગ્રંથમાં નથી...એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન
કરી શકે–ઇત્યાદિ જૈનદર્શનના મુળભૂત સિદ્ધાંતો દ્વારા વસ્તુ સ્વરૂપ સમજવા માટે આ પુસ્તક મુમુક્ષુઓને અત્યંત
ઉપયોગી છે.
બાલ પદ્મપુરાણ
હિંદી બાલપદ્મપુરાણના આધારે ગુજરાતી અનુવાદ કરીને છપાવેલ છે આમાં શ્રીરામચંદ્રજીનું જીવનચરિત્ર છે.
પાનાં–૬૪ કિંમત ૦–૬–૦ છે. બાળકોને વિશેષ ઉપયોગી છે.
પ્રાપ્તિસ્થાન–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ–કાઠિયાવાડ