ઃ ૧૯૬ઃ આત્મધર્મઃ ખાસ અંક
વ્યાકરણના નિયમથી ‘કર્તા’ ની વ્યાખ્યા એમ છે કે સ્વતંત્રપણે જે કરે તે કર્તા. વસ્તુનો સ્વભાવ જ સ્વતંત્ર
છે. આત્મા પોતાના ભાવને સ્વતંત્રપણે કરે છે. તેથી ઉદય, ઉપશમ વગેરે પાંચ ભાવોનું સ્વરૂપ સમજાવતાં જ્ઞાનીઓ
કહે છે કેઃ–
હે આત્મા! તું સ્વતંત્ર છો. તારા પાંચે પ્રકારના ભાવ સ્વતંત્ર છે. તેમાં તારા ત્રિકાળ શુદ્ધ પારિણામિક
સ્વભાવની ઓળખાણ કરીને તેના લક્ષે એકાગ્રતા કર તો આનંદનો અનુભવ થાય. તારો વીતરાગી આનંદ તારામાં
જ સ્વતંત્ર છે. તારે તારા આનંદ માટે પરના અવલંબનની જરૂર પડે એવી તારામાં પરાધીનતા નથી. માટે તું
પરાધીનપણાની માન્યતા અને પરનું લક્ષ છોડીને તારા સ્વાધીન સ્વભાવની પ્રતીતિ કર.
શરીર સારૂં હોય તો આનંદ થાય, પૈસા હોય તો સુખ પ્રગટે–એમ જો તું તારા આનંદમાં પર વસ્તુઓની
જરૂર માન તો તેમાં તારી સ્વતંત્રતા ન રહી. અને સ્વતંત્રતા વગર તારા ભિન્ન તત્ત્વની યથાર્થતા ન રહી અને
યથાર્થતા વગર વીતરાગતા ન રહી.
જીવ પરનો કર્તા છે એમ માને તો સ્વતંત્રતા રહી નહિ. કર્મ જીવને વિકાર કરાવે એમ માને તો સ્વતંત્રતા
રહી નહિ. વિકારથી ધર્મ થાય અથવા તો પુણ્યભાવ કરતાં કરતાં આત્માને લાભ થાય અથવા તો વ્યવહાર કરતાં
કરતાં નિશ્ચય પ્રગટે એમ માને તો પણ જીવની સ્વતંત્રતા રહી નહિ. એમાં સ્વતંત્રતા ન રહી એટલે તે માન્યતામાં
યથાર્થતા ન આવી, યથાર્થતા ન આવી એટલે વીતરાગતા ન આવી, વીતરાગતા ન આવી એટલે જૈનમાર્ગ ન
આવ્યો...એટલે કે તે પરાધીનતા માનનાર જીવને પોતાના સ્વભાવની ઓળખાણ કરીને વિકારભાવને ટાળવાનો
અને સ્વતંત્રતા પ્રગટ કરવાનો ઉપાય પ્રગટયો નહિ. જો પોતાના ભાવની સ્વતંત્રતા માને તો સ્વાધીન–સ્વભાવના
આશ્રયે વિકાર ટાળે અને સ્વતંત્ર સુખરૂપ મુક્તદશા પ્રગટે. તેથી અહીં આચાર્યભગવાન સમજાવે છે કે હે ભાઈ, તારી
પર્યાયમાં ઔદયિકાદિ ચાર ભાવો થાય છે તે ભાવોનો કર્તા તું છો. એમ તું તારા ભાવોની સ્વતંત્રતા સ્વીકાર તો તે
યથાર્થતા છે અને એ દ્રષ્ટિ જ વીતરાગતા પ્રગટ થવાનું કારણ છે.
તારી હૈયાતિ તારાથી સ્વતંત્રપણે છે કે બીજાથી? અને તારૂં રૂપાંતર તારાથી સ્વતંત્રપણે થાય છે કે બીજાથી?
તારી હૈયાતિ તારાથી સ્વતંત્રપણે છે અને ચાર ભાવોરૂપ પરિણમન પણ તારી સ્વતંત્રતાથી જ થાય છે. કર્મ
પરમાણુઓ પોતાની સ્વતંત્રશક્તિથી ઉદયાદિરૂપે પરિણમે છે, તેમાં તારૂં કર્તવ્ય નથી.
બધી વસ્તુઓ તો સ્વતંત્ર જ છે, કોઈ વસ્તુને પરાધીન કરવા કોઈ સમર્થ નથી. પરંતુ કોઈ જીવ પોતાની
માન્યતામાં વસ્તુની સ્વતંત્રતા ન માને તો તેથી કાંઈ વસ્તુનું સ્વતંત્રપણું ટળી જતું નથી. પણ તે જીવના જ્ઞાનમાં
અયથાર્થતા થાય છે. જડ ચેતન સમસ્ત વસ્તુઓ સત્ છે, સત્ વસ્તુઓનું રૂપાંતર (પરિણમન) તેનાથી સ્વયં થાય
છે. બસ, વસ્તુ સત્ છે, ને સત્ છે તે સ્વતંત્ર છે, એ સ્વતંત્રતાની શ્રદ્ધા થતાં વીતરાગી દ્રષ્ટિ થાય છે, વીતરાગી દ્રષ્ટિ
થતાં જ્ઞાનમાં યથાર્થતા થાય છે અને એ જ વીતરાગતાનું કારણ છે. માટે સ્વતંત્રતા તે યથાર્થતા છે અને યથાર્થતા તે
વીતરાગતા છે.
વસ્તુની સ્વતંત્રતા છે, એ કાંઈ નવી કરવી નથી. પરંતુ અનાદિથી વસ્તુની સ્વતંત્રતાના ભાન વગર
પરાવલંબન માનીને જીવ રખડયો છે, તે ઊંધી માન્યતા છોડીને સ્વતંત્રતાને ઓળખે અને સ્વાવલંબનમાં ટકે તો
મુક્તદશા પ્રગટે. વસ્તુની સ્વતંત્રતાના ભાન વગર યથાર્થતા થશે નહિ અને જ્ઞાનમાં યથાર્થતા થયા વગર પર
પદાર્થોથી સાચી ઉપેક્ષા થશે નહિ, સ્વભાવલક્ષે પરની ઉપેક્ષા વગર વીતરાગતા થશે નહિ.
વસ્તુ સ્વભાવની સ્વતંત્રતાનું ભાન થતાં સ્વ–પરની ભિન્નતાનું ભાન થાય છે એટલે કે જ્ઞાનમાં યથાર્થતા
પ્રગટે છે, જ્ઞાનમાં યથાર્થતા પ્રગટતાં સ્વભાવના લક્ષે પર ભાવથી ઉદાસ થાય છે એટલે કે વીતરાગતા થાય છે; અને
વીતરાગતા થતાં મુક્તિ થાય છે; માટે સ્વતંત્રતાની દ્રષ્ટિ તે જ મુક્તિનું કારણ છે; અને સ્વતંત્ર તત્ત્વને પરાધીન
માનવું તે જ સંસારનું કારણ છે.
હું અને પર બધાં પદાર્થો સ્વતંત્ર છે, હું રાગ કરું તેના કારણે પર પદાર્થોમાં કાંઈ જ થતું નથી; ઉલટું તે
રાગભાવથી મારી પર્યાયનો વિકાસ અટકે છે એમ જે સમજે તે સર્વે પરદ્રવ્યોથી તો ઉદાસ થઈ ગયો અને વિકારથી
પણ ઉદાસ થઈ ગયો. પર–દ્રવ્યો પ્રત્યેની તીવ્ર ચિંતા ટળી ગઈ અને વિકારની રુચિ પણ ટળી ગઈ. સ્વભાવના લક્ષે
રાગનું જોર તૂટી ગયું. સ્વભાવની સ્વતંત્રતાના લક્ષે ક્ષણે ક્ષણે વિકારભાવ તૂટતો જાય છે અને વીતરાગતા વધતી
જાય છે; અને છેવટે સ્વતંત્ર સિદ્ધદશા પ્રગટ થાય છે.
આ રીતે, વસ્તુ સ્વભાવ સ્વતંત્ર છે, તે સ્વતંત્રતાની પ્રતીતમાં જ્ઞાનની યથાર્થતા છે અને તે યથાર્થતામાં
વીતરાગતા છે. માટે સ્વતંત્રતાની પ્રતીતિ કરો.... * * * * *