ઃ ૨૧૪ઃ આત્મધર્મઃ ૪૬
શ્રી જૈન શિક્ષણ વર્ગ– સોનગઢ
(ઉનાળાની રજાઓ દરમિયાન તા. ૪–પ–૪૭ વૈશાખ વદ ૧૪ થી તા. ૨૭–પ–૪૭ સુધી સોનગઢમાં શ્રી
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી જૈન દર્શન શિક્ષણ વર્ગ ખોલવામાં આવેલ હતો. તે વખતે ત્રણ વિભાગ કરવામાં
આવ્યા હતા. તેમાંથી अ વર્ગના પ્રશ્નોના ઉત્તર તથા ब વર્ગના બે પ્રશ્નોના ઉત્તર પ્રથમ શ્રાવણ માસના ખાસ અંકમાં
પ્રગટ થયેલ છે. બાકીના પ્રશ્નોના ઉત્તર અહીં આપવામાં આવે છે.)
ત્રીજા પ્રશ્નનો ઉત્તર–
(૧) જીવનું લક્ષણ જો કેવળજ્ઞાન માનીએ તો તે લક્ષણમાં અવ્યાપ્તિ નામનો દોષ આવે છે કેમકે કેવળજ્ઞાન
સર્વ જીવોમાં વ્યાપતું નથી. જીવનું લક્ષણ જો અરૂપીપણું માનીએ તો તે લક્ષણમાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે
કેમકે અરૂપીપણું જીવ સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળદ્રવ્યમાં પણ વ્યાપે (–રહે) છે.
જીવનું લક્ષણ જો મૂર્તપણું માનીએ તો તે લક્ષણમાં અસંભવ નામનો દોષ આવે છે કેમકે જીવ ત્રિકાળ અમૂર્ત
છે, મૂર્ત કદી નથી.
(૨) જે શક્તિના નિમિત્તથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન પરિણમે અથવા
એક ગુણ બીજા ગુણરૂપ ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય
તેને અગુરુલઘુત્વગુણ કહે છે. આ ગુણ જીવાદિ છયે દ્રવ્યોમાં હોય છે, તેથી તેને સામાન્યગુણ કહેવાય છે.
ઉચ્ચતા અને નીચતાના અભાવને અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કહે છે. આ ગુણ સર્વ જીવોમાં હોય છે પરંતુ
ગોત્રકર્મનો નાશ થવાથી તે સિદ્ધને શુદ્ધપણે પ્રગટ થાય છે. નીચેની દશામાં તે અશુદ્ધ હોય છે. આ અગુરુલઘુત્વ
પ્રતિજીવી ગુણ જીવ સિવાયના કોઈ દ્રવ્યોમાં હોતો નથી તેથી તેને વિશેષગુણ કહેવાય છે.
(૩) ક–મૂળ શરીર છોડયા વગર જીવના પ્રદેશોનું બહાર નીકળવું તેનું સમુદ્ઘાત કહે છે. ખ–બાહ્ય અને
આભ્યંતર ક્રિયાના નિરોધથી પ્રાદુર્ભૂત આત્માની શુદ્ધિવિશેષને ચારિત્ર કહે છે. ગ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી
જે જ્ઞાન બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે છે, તેને મનઃપર્યયજ્ઞાન કહે છે. ઘ–ઘણા એક મળેલા
પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. જેમકેઃ– જીવનું લક્ષણ ચેતના. ડ–સ્મૃતિ અને
પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકેઃ–આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો
હતો.
(૪) अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया।
चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः।।
અર્થઃ– જેઓએ, જ્ઞાનરૂપી અંજનસળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલા જીવોની આંખો ખુલ્લી કરી તે
આત્મલક્ષ્મીવંત ગુરુરાજને નમસ્કાર હો.
(પ) ક–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્યોને અનાદિઅનંત સ્વભાવવ્યંજન
પર્યાય હોય છે. ખ–કેવળજ્ઞાન તે જીવનો સ્વભાવ અર્થપર્યાય છે અને તે અરિહંત તથા સિદ્ધ ભગવાનને હોય છે.
ચોથા પ્રશ્નનો ઉત્તર–
(૧) ધારણા–તે જીવ દ્રવ્યના જ્ઞાનગુણની અપૂર્ણ પર્યાય છે. (૨) આત્મ પ્રદેશોનું ચંચળ થવું–તે જીવ
દ્રવ્યના યોગગુણનો વિકારી પર્યાય છે. (૩) સૂક્ષ્મત્વ–તે જીવ દ્રવ્યનો પ્રતિજીવીગુણ છે. (૪) ભાવેંદ્રિય–તે જીવ
દ્રવ્યના જ્ઞાનગુણની અપૂર્ણ પર્યાય છે. (પ) ખરબચડાપણું–તે પુદ્ગલદ્રવ્યના સ્પર્શગુણનો વિકારી પર્યાય છે.
(૬) કષાય–તે જીવ દ્રવ્યના ચારિત્ર ગુણનો વિકારી પર્યાય છે. (૭) જીવ–તે દ્રવ્ય છે અને તેનો વિશેષગુણ ચેતના
છે. (૮) પરિણમનહેતુત્વ–તે કાળદ્રવ્યનો વિશેષગુણ છે.
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ–પરીક્ષા
સવાર ૯–૧પ થી ૧૦–૩૦. વર્ગ क. તા. ૨૮–પ–૪૭
(જૈન સિદ્ધાંત પ્રવેશિકા)
(૧) જીવ દ્રવ્ય કોને કહે છે? જીવ દ્રવ્ય કેટલાં અને ક્યાં છે? એક જીવ કેટલો મોટો છે? ૨પ
(૨) કાર્મણવર્ગણા એ કયું દ્રવ્ય છે? કાર્મણવર્ગણા અને કાર્મણશરીર એ બેમાં શો તફાવત છે?
(૩) શરીર, ભાષા અને મન એને તમે જડ કહેશો કે ચેતન? શા માટે?
(૪) દરેક દ્રવ્યને આકાર હોય છે અને દરેક દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય છે એમ દ્રવ્યના કયા
ગુણો બતાવે છે?
(પ) નીચેના શબ્દોના અર્થ સમજાવોઃ–
૧. કેવળજ્ઞાન ૨. અંતનું શરીર ૩. અર્થક્રિયા
(આત્મસિદ્ધિ) (૧) નીચેની લીટીઓનો ભાવાર્થ સમજાવો. ૧પ
૧. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર. ૨. રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ. ૩. જાતાં
સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.(વધુ માટે જુઓ પાનું ૨૩૧)