દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૧૭ઃ
શ્રીમદ્ રાજચંદ્ર
(શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ વખતે “શ્રીમદ્ રાજચંદ્ર” એ વિષય ઉપર
નિબંધ લખાવવામાં આવ્યો હતો, તેમાં ૧૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સૌથી શ્રેષ્ઠ નિબંધ રજનીકાન્ત ધીરજલાલ શાહ (રાજકોટ) નો હતો. તે નિબંધ
અહીં આપવામાં આવે છે.)
ભૂમિકા
શ્રીમદ્ જેવા મહાપુરુષ કે જેમણે ગુજરાત તથા કાઠિયાવાડમાં લુપ્તપ્રાયઃ
થયેલ જૈનધર્મને એટલે કે સનાતન વસ્તુ સ્વભાવને સ્વાનુભવ તથા
આગમગર્ભિત યુક્તિ વડે પ્રસિદ્ધિમાં આણ્યો, અને અધ્યાત્મજ્ઞાની તરીકે–યુગ–
પ્રધાન પુરુષ તરીકે સારાયે હિંદમાં આગળ આવ્યા; એવા મહાપુરુષનું
જીવનચિત્ર આલેખતા પહેલાં બે શબ્દો કહેવા ઇચ્છા રાખું છું–
જ્ઞાનીની મહત્તા કઈ રીતે?
“જ્ઞાનીની મહત્તા તેમના પુણ્યપ્રભાવથી યા માતાપિતાથી હોતી નથી, પરંતુ તેમની મહત્તા તો તેમના જ્ઞાનથી
જ હોઈ શકે. અર્થાત્ વીતરાગ વિશેષજ્ઞાનથી જ જ્ઞાનની મહત્તા હોય છે.– એવો જૈનદર્શનનો અભિપ્રાય છે. આટલી
વાત ધ્યાનમાં રાખી ચિત્ર આલેખન શરૂ કરું છું.
શ્રીમદ્ના જન્મ વખતે જૈન સમાજની પરિસ્થિતિ
જૈનધર્મ તદ્ન લુપ્તપ્રાયઃ થઈ ગયો હતો, જૈનને નામે અનેક વાડા ઉત્પન્ન થયા હતા, વાડાના સાધુઓના
બાહ્ય આચરણમાં મોટા ભગંદર ઊભા થયા હતા અને જૈનદર્શન એટલે કે સનાતન વસ્તુસ્વભાવની ઓળખાણનું
અસ્તિત્વ ક્યાંય દેખાતું ન હતું. આવા નિકૃષ્ઠ સમયમાં સં. ૧૯૨૪ના કાર્તિક સુદી પૂર્ણિમા ને રવિવારે કાઠિયાવાડમાં
આવેલા વવાણિયા નામના સુંદર અને રમણીય નાના બંદરે મહેતા રવજીભાઈ પચાણભાઈના ઘેર શ્રીમદે જન્મ
લીધો, તેમની માતાનું નામ દેવબાઈ હતું. શ્રીમદ્ના પિતામહ શ્રીકૃષ્ણના ભક્ત હતાં. કુટુંબરૂપી આ સરિતામાં
ભક્તિરૂપી જળપ્રવાહ નિરંતર વહ્યા કરતો હતો. શ્રીમદ્ના માતુશ્રી ઉત્તમ જૈન સંસ્કારના ભંડાર હતા.
બાળપણ અને સ્મરણ શક્તિ
શ્રીમદે બાળપણના સાત વર્ષ સુધી અનેક બાળપણના આનંદો અનુભવ્યા, એકાન્ત રમતગમતો સેવી.
રાજરાજેશ્વરની પદવી મેળવવાની, સ્વચ્છ કપડાં પહેરવાની તથા ખાવા પીવા વગેરેની અનેક વિવિધ આકાંક્ષાઓ
અનુભવી. સાતમા વર્ષે તેમણે અભ્યાસમાં પ્રયાણ કર્યું. તેમની સ્મરણશક્તિ એટલી બધી તીવ્ર હતી કે એક વાર પાઠ
વાંચતા તે યાદ રહી જતો હતો. બાળ–રાયચંદની આટલી અદ્ભુત શક્તિથી તે વિદ્યાર્થીઓમાં પંકાવા લાગ્યા. બે
વર્ષમાં તો તેમણે સાતે ગુજરાતી ચોપડીનો અભ્યાસ પૂરો કર્યો. આ એક તેમની અદ્ભુત સ્મરણશક્તિ તથા પૂર્વ
જન્મ સંસ્કારનું કારણ હતું આ તેમની સ્મરણ શક્તિ અને અભ્યાસની ઝડપ લોકોમાં પણ પ્રસિદ્ધ પામી.
સો અવધાન
શ્રીમદ્ બાર વર્ષની ઉંમરે અવધાન કરતા હતા, આઠથી માંડીને સો અવધાનો તેમણે કર્યા હતા અને મોટા
મોટા ઇનામો મેળવ્યાં હતાં. તેમને જ્ઞાનનો કેટલો ઉઘાડ હતો તે કહી શકાતો નથી.
શ્રીમદ્ની મહત્તા શેનાથી છે?
શ્રીમદ્ની મહત્તા કેવળ આવા જ જ્ઞાનથી નથી. આવું જ્ઞાન તો આ જીવ અનંતવાર પામ્યો, પણ તેનાથી તેની
મુક્તિ થઈ નહિ. અરે, આથી પણ અધિક એવું વિભંગ અવધિજ્ઞાન તો અભવી મિથ્યાદ્રષ્ટિને પણ હોય છે; પણ
આત્માના ભાન વિના તે શૂન્ય છે. પૂજ્ય સદ્ગુરુદેવના ઉદ્ગારોમાં કહીએ તો તે કોરે કાગળે મીંડા છે. તેનાથી
આત્માનું કલ્યાણ થતું નથી.