ઃ ૨૨૦ઃ આત્મધર્મઃ ૪૬
અહો! શ્રી સત્પુરુષ કે વચનામૃતં જગહિતકરં
મૂદ્રા અરૂ સત્સમાગમ સૂતી ચેતના જાગૃત કરં
ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શનમાત્ર સે નિર્દોષ હૈ
અપૂર્વ સ્વભાવ કે પ્રેરક સકલ સદ્ગુણ કોષ હૈ.
સદ્ગુરુનો મહિમા વર્ણવતાં તેઓ કહે છે કે–‘હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને
વિષે આ પામરને પરમ ઉપકાર ભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.’
‘આત્મસિદ્ધિ’ માં ‘અહો! અહો! શ્રી સદ્ગુરુ...’ ઇત્યાદિ અનેક ગાથાઓમાં તેમણે શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય
ગાયું છે. સદ્ગુરુનો ઉપકાર વર્ણવતાં તેમનું હૈયું ભક્તિથી, માહાત્મ્યથી, પ્રમોદથી ઉભરાઈ જાય છે. તેઓએ જણાવ્યું
છે કે–પોતાના સ્વછંદ અને મત છોડીને જે સદ્ગુરુ શરણમાં જાય છે તે આત્મજ્ઞાન પામે છે; અને સદ્ગુરુનો ઉપકાર
તો જિનપ્રભુ કરતાં પણ વધારે મહિમાવંત છે, કેમ કે જેમ દૂર રહેલ ક્ષીરસમુદ્ર અત્રેના તૃષાતૂરની તૃષા ન છીપાવે
પણ મીઠા પાણીનો કળશો તૃષા છીપાવે તેમ પ્રત્યક્ષ સદ્ગુરુ સંબંધમાં પણ સમજવું.
તેમની ઉચ્ચ ભાવના
શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘અપૂર્વ અવસર’ માં પૂર્ણતાની ભાવના ભાવી છે. તેમની વૈરાગ્ય ભાવનાના ઉચ્ચ
આશયો વૈરાગ્યમાં તરબોળ કરી દે તેવા છે. તેઓશ્રી ભાવના ભાવે છે કે ક્યારે અમે સંબંધોના બંધનને છેદીને
સત્પુરુષોના પંથે ચાલીશું! ક્યારે બાહ્યમાં લોક પ્રત્યે અને અંતરંગમાં શુભાશુભભાવો પ્રત્યે ઉદાસીન થઈને અનન્ય
એવા આત્માને સર્વ પ્રકારે ગ્રહણ કરશું?
મહાપુરુષની અંતરદશા
માન–અપમાન, જીવન–મરણ, ભવ–મોક્ષ વગેરે માટે તેમને ચૈતન્યને અનુસરીને સમભાવ વર્તતો હતો.
જ્ઞાનમાં જ્ઞાનપણે સ્થિર રહી સર્વ પદાર્થોને જ્ઞેયપણે જાણવા તે જ ખરો સમભાવ છે. જ્ઞાન તે જ કે જે હર્ષ–શોક વખતે
હાજર થાય. જ્ઞાનીઓ હર્ષ શોકમાં એકાકાર થતા નથી. તેઓશ્રી કહે છે કે–શુદ્ધ જ્ઞાનને આશ્રયે જ નિરાબાધ સુખ
રહેલું છે. તે મહાપુરુષ કરુણા કરી કહે છે કે–શુદ્ધ અને નિર્દોષ એવા ચૈતન્ય તત્ત્વને પર પદાર્થોમાં નહિ મૂંઝવતાં તેને
નિર્દોષ અને અપૂર્વ સુખ લૂંટવા દો. વિનય અને વિવેક એ જ ધર્મના મૂળ હેતુઓ છે. વિવેક એટલે ભેદજ્ઞાન જેમ
વડીલ પાસે આપણે ખરાબ આચરણ આચરતા નથી તેમ આત્મા પાસે પણ શુભાશુભને બદલે શુદ્ધ પરિણમવું એ જ
યથાર્થતા છે. તેમને નિશ્ચય આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયેલ અને તેનો મહિમા એક જ વાક્યમાં તેઓ અપૂર્વ રીતે વર્ણવે
છે કે–અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે
કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર હો.
તેમણે કરેલું જિનમાર્ગનું વર્ણન
તેઓએ જિનમાર્ગનું સ્વરૂપ એક જ કડીમાં કહ્યું છે કે–
જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ,
કોઈ કોઈ પલટે નહિ છોડી આપ સ્વભાવ.
આમાં તેમણે જગત માત્રના જડ–ચેતન્ પદાર્થોને સ્વતંત્ર કહ્યા છે. સ્વતંત્રતા એ જ યથાર્થતા, યથાર્થતા એ
જ વીતરાગતા અને વીતરાગતા એ જ મુક્તિનું કારણ છે. વળી તેઓએ કહ્યું છે કે–
આ ભવ વણભવ છે નહિ એ જ તર્ક અનુકૂળ,
વિચારતાં પામી ગયા આત્મધર્મનું મૂળ.
આ કડીમાં તેમણે આત્મા ત્રિકાળ છે એમ બતાવ્યું, અને તે દ્રવ્યદ્રષ્ટિ થઈ, અને એ જ યથાર્થ દ્રષ્ટિ છે, અને
તે ઉપર વિચારતાં આત્મસાક્ષાત્કાર થાય છે. કારણ કે દ્રવ્યદ્રષ્ટિમાં ભવ કે ભવનો ભાવ હોતો નથી.
સમાધિમરણ અને અંતરંગદશા
સં. ૧૯પ૭ના ચૈત્ર વદ પ ને મંગળવારે તે મહાપુરુષનું રાજકોટ ખાતે સમાધિમરણ થયું. તેમને પોતા માટે
એટલી નિઃશંકતા વર્તતી હતી કે તેઓશ્રીએ કહ્યું હતું કે–‘દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.’ તેઓ ગૃહવાસી
છતાં વનવાસી, ભોગી છતાં ત્યાગી અને અપૂર્ણ છતાં પૂર્ણ હતાં. શી તેમની અંતરની ઊજ્જવળતા, હૃદયની
એકાગ્રતા, ચારિત્રની શુદ્ધતા અને આત્માની એકાગ્રતા! તેમની ભવ્ય અને વૈરાગ્યથી અંકિત મૂદ્રાવાળું ચિત્ર
‘સુવર્ણના પ્રવચન’ ની (સુવર્ણપુરીના પ્રવચન મંડપની) દીવાલ પર શોભી રહ્યું છે.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત
(આ નિબંધોમાં રાણપુરના નંદલાલ હરગોવનદાસ શાહે લખેલ નિબંધ ત્રીજા નંબરે હતો; તે નિબંધમાંથી
કેટલોક ભાગ અહીં આપવામાં આવે છે.)