દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૧૯ઃ
આવશે’ એ કાવ્ય રચીને તેમણે પોતાની ભાવના વ્યક્ત કરી છે. સવારે માતાના ખાટલા ઉપર બેઠાં બેઠાં તેમણે એ
કાવ્ય રચી નાખ્યું હતું. આ કાવ્ય ગુણસ્થાનક્રમ આરોહણ છે; જેમ મહેલ ઉપર ચઢવા માટે પગથિયાં હોય છે તેમ
મોક્ષમહેલમાં ચઢવા માટે ચૌદ પગથિયાં છે, તેનું તેમાં વર્ણન છે. એ કાવ્યમાં શ્રીમદે બાહ્ય–અભ્યંતર નિર્ગ્રંથ
મુનિદશાનું અપૂર્વ અવસરની ભાવનાથી મંગળિક કર્યું છે, અને સંયમ (–મુનિ અવસ્થા) ની ઊગ્ર ભાવના ભાવીને
છેક મોક્ષમાં પહોંચી જવા સુધીની ભાવના ભાવી છે. અને છેલ્લી કડીમાં તેઓ લખે છે કે ‘પ્રભુ આજ્ઞાએ થાશું તે જ
સ્વરૂપ જો...’ તેમને પોતાની ભાવનામાં અચલ શ્રદ્ધા છે અને તેથી પડકાર કરે છે કે આપણે તે સ્વરૂપને પામશું જ.
સમ્યગ્દર્શન
આ તો વૈરાગ્ય તથા તેમની કૃતિઓની વાત થઈ; હવે તેમના જીવનની મુખ્ય વસ્તુ આવે છે, તે મુખ્ય વસ્તુ
એટલે સમ્યગ્દર્શન. એના વિના બધું ખાલી જાણવા માત્ર હતું.
સં. ૧૯૪૭માં ત્રેવીસ વર્ષની ઉંમરે તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. આ અપૂર્વ અવસર પ્રસંગે તેમણે ‘ધન્ય
રે દિવસ આ અહો’ એ કાવ્ય રચી કાઢયું હતું અને તેમાં ‘સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે’ ઇત્યાદિ કહીને પોતાની આત્મદશા
જણાવી હતી. આવા અપૂર્વપદને પામીને તેઓ તેનું માહાત્મ્ય ગાતાં લખે છે કે– ‘અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું
તે જ્ઞાનને એક સમયમાં જાતિ અંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું એવા સૌમ્યમૂર્તિ હે સમ્યગ્દર્શન! તને અમારા
નમસ્કાર હો, નમસ્કાર હો.
સત્શાસ્ત્ર અને સદ્ગુરુ પ્રત્યેનું તેમનું બહુમાન
જ્યારે તેમને સમયસાર પુસ્તક મળ્યું ત્યારે તેના લાવનાર માણસને ખોબો ભરીને રૂપિયા ભેટ આપ્યા,
આથી તેમને સત્શાસ્ત્રનો કેટલો મહિમા હતો તે જણાઈ આવે છે. તેમને સત્શાસ્ત્રનો વિનય તથા વાંચન એટલું બધું
હતું કે તે સમયે પ્રાપ્ત લગભગ બધાં જૈનશાસ્ત્રોનો અભ્યાસ તેમણે કર્યો હતો, બીજા ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો
હતો અને જૈનતત્ત્વથી તે કેવી રીતે જુદાં પડે છે તેની તૂલના કરી હતી. વળી જ્યારે તેમણે આખું સમયસાર વાંચ્યુ
ત્યારે તેનો મહિમા ગાતાં લખે છે કે–‘હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને
પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.’ આ પ્રમાણે તેમનો વિનયભાવ
ઉત્તમ હતો. તેમણે રચેલ ઉપદેશછાયામાં ઉપદેશ આપતાં ૧૦૮ વાક્યો જણાવ્યાં છે. તેમણે મુમુક્ષુઓને પત્રો દ્વારા પણ
ઘણો ઉપદેશ આપ્યો હતો. તેમને મોક્ષદશા પ્રાપ્ત કરવાની તાલાવેલી અતિશય હતી.
અંતિમ સ્થિતિ
તેઓ એકવાર રાજકોટ આવ્યાં; તેમની શરીર પ્રકૃતિ હવે બગડતી જતી હતી. હવે આ દેહ ટકે તેમ નથી–
એમ જાણતાં તેઓએ પત્રોમાં તે સંબંધી લખ્યું છે. હવે મૃત્યુકાળ નજીક આવ્યો છે એમ જાણીને સં. ૧૯પ૭ના ચૈત્ર
વદ પ ને મંગળવારે તેમના ભાઈ શ્રી મનસુખલાલભાઈને અંતિમ વચનો કહ્યાં કે મનસુખ! હવે હું મારામાં લીન
થાઊં છું; શોક કરીશ નહિ. એમ કહી પોતે સમાધિષ્ઠ થયા અને બપોરના બે વાગે તેમનો જીવ દેહ છોડીને સદ્ગતિમાં
ચાલ્યો ગયો...
દેહ છોડતાં પહેલાં તેઓ મુમુક્ષુઓને એક ‘અંતિમ સંદેશો’ કાવ્ય દ્વારા આપી ગયા હતા. કાવ્ય ઘણું સુંદર છે.
તેમના અંતિમ વચનો એ હતા કે ‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો; ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું,
માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચીત
ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.’
આ રીતે, એક રત્નની સાથે પણ ન સરખાવી શકાય તેવો એ અનુપમ દીવો વિલય પામ્યો...આવા
મહાપુરુષના વિયોગથી તેમના સમ્યગ્જ્ઞાનના વારસદાર મુમુક્ષુઓને ઘણો જ શોક થયો...* * * * *
(આ નિબંધોમાં મુંબઈના બીપીનચંદ્ર લાભશંકર મહેતાએ લખેલ નિબંધ બીજા નંબરે હતો; તે નિબંધમાંથી
કેટલોક ભાગ અહીં આપવામાં આવે છે.)
સદ્ગુરુ માહાત્મ્ય
સંસારને તેમણે સાગર, અંધકાર અગ્નિ અને શકટચક્રની ઊપમા આપેલ છે, સંસાર અનંત છે, તે સર્વનો
ભક્ષ કરે છે અને મોહરૂપી ઇંધન વડે તે વૃદ્ધિ પામે છે; તેને તરવા તેઓશ્રી કહે છે કે ઉપયોગ કરો! ઉપયોગ કરો?
સંસારરૂપી ચક્ર મિથ્યાત્વરૂપી ધરી વડે ચાલી રહ્યું છે. તે માટે સત્સંગ જરૂરી છે. સત્સંગ એ જ અનંત સુખનું કારણ છે
એ જ પરમ હિતસ્વી ઔષધ છે. તે માટે એ સંતપુરુષે કહેલ છે કે–