Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
નૈમિત્તિક કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે, તેથી ઉપચારથી તે નિમિત્તને જનક પણ કહેવાય છે. વળી નૈમિત્તિકનો
અર્થ ‘જેમાં નિમિત્તનો સંબંધ હોય એવું’ એમ પણ થાય છે, એટલે કે જ્યારે નૈમિત્તિક હોય ત્યારે નિમિત્ત પણ
અવશ્ય હોય જ છે એટલો સંબંધ છે, પણ નિમિત્ત જો નૈમિત્તિકમાં કાંઈ પણ કરે તો તેમને નિમિત્તનૈમિત્તિક સંબંધ ન
રહે પણ કર્તાકર્મસંબંધ થઈ જાય.
પ૦. ‘નિમિત્તની ઉપેક્ષા ન કરવી જોઈએ પણ નિમિત્ત મેળવવા જોઈએ’ એ માન્યતા મિથ્યા છે
પ્રશ્ન– ‘કોઈને પુત્ર થવાનો હતો પણ દસ વર્ષ સુધી વિષય ન ભોગવ્યો અર્થાત્ પુત્ર માટેનું નિમિત્ત ન
મેળવ્યું તેથી પુત્ર ન થયો, માટે નિમિત્ત મેળવવું જોઈએ, નિમિત્તને રસ્તે ઉપાદાનનું કાર્ય થાય છે, આપણે નિમિત્તની
ઉપેક્ષા કરવી ન જોઈએ’–એ વાત બરાબર છે?
ઉત્તર–એ વાત મિથ્યા છે. હું નિમિત્ત મેળવું તો કાર્ય થાય એ વાત ખોટી છે, તેમાં એકલી નિમિત્તાધીન દ્રષ્ટિ
છે. (પુત્ર થવા સંબંધી વાત આગળ આવી ગઈ છે જુઓ પેરો–૯) નિમિત્ત ન હતું માટે કાર્ય અટકી ગયું અને
નિમિત્ત ભેગું કરું તો કાર્ય થાય–એ વાત ત્રણકાળમાં સાચી નથી. પણ કાર્ય થવાનું જ ન હતું ત્યારે નિમિત્ત ન હતું
અને જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ–આ અબાધિત નિયમ છે. પર નિમિત્તોને આત્મા મેળવી શકે એમ
માનવું તે મિથ્યાત્વ છે.
એ રીતે, આત્માને પોતાના કાર્યમાં પરની અપેક્ષા નથી; છતાં ‘આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ’
એમ કોઈ માને તો તે જીવ સદાય નિમિત્ત સામે જ જોયા કરે એટલે તેની દ્રષ્ટિ સદાય પર ઉપર જ રહ્યા કરે પણ
પરની ઉપેક્ષા કરીને સ્વભાવનું નિર્મળ કાર્ય તે પ્રગટ કરે નહિ. નિમિત્તના રસ્તે ઉપાદાનનું કાર્ય કદી થતું નથી પણ
ઉપાદાનની યોગ્યતાથી જ (ઉપાદાનના રસ્તે જ) તેનું કાર્ય થાય છે.
પ૧. જિનશાસન નિમિત્તની ઉપેક્ષા કરવાનું કહે છે
નિમિત્તની ઉપેક્ષા ન કરવી એટલે પરદ્રવ્ય સાથેનો સંબંધ ન તોડવો એ વાત જૈનશાસનથી વિરુદ્ધ છે.
જૈનશાસનનું પ્રયોજન પર સાથે સંબંધ કરાવવાનું નથી પણ પર સાથેનો સંબંધ છોડાવીને વીતરાગભાવ કરાવવાનું
છે. બધા સત્શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગભાવ છે અને તે વીતરાગભાવ સ્વભાવના લક્ષે બધા પરપદાર્થોથી ઉદાસીનતા
કરવાથી જ થાય છે. કોઈ પણ પર લક્ષમાં અટકવું તે શાસ્ત્રનું પ્રયોજન નથી, કેમકે પરના લક્ષે રાગ થાય છે. નિમિત્ત
પણ પરદ્રવ્ય જ છે; તેથી નિમિત્તની અપેક્ષા છોડીને અર્થાત્ તેની ઉપેક્ષા કરીને પોતાના સ્વભાવની અપેક્ષા કરવી તે
જ પ્રયોજન છે. ‘નિમિત્તની ઉપેક્ષા કરવા જેવી નથી એટલે કે નિમિત્તનું લક્ષ છોડવા જેવું નથી’ એવો અભિપ્રાય તે
તો મિથ્યાત્વ છે, અને એ મિથ્યા અભિપ્રાય છોડયા પછી પણ અસ્થિરતાને કારણે નિમિત્ત ઉપર લક્ષ જાય તે રાગનું
કારણ છે. માટે પોતાના સ્વભાવના આશ્રયે નિમિત્ત વગેરે પરદ્રવ્યોની ઉપેક્ષા કરવી તે યથાર્થ છે.
પ૨. મુમુક્ષુ જીવોએ આ વાત સમજવી જોઈએ
ઉપાદાન–નિમિત્ત સંબંધી આ વાત ખાસ પ્રયોજનભૂત છે, આ સમજ્યા વગર કદી પણ જીવને બે દ્રવ્યોમાં
એકતાની બુદ્ધિ ટળે નહિ ને સ્વભાવની શ્રદ્ધા થાય નહિ. સ્વભાવની શ્રદ્ધા થયા વગર સ્વભાવમાં અભેદતા થાય
નહિ, એટલે કે જીવનું કલ્યાણ થાય નહિ. આવો જ વસ્તુસ્વભાવ કેવળજ્ઞાનીઓએ જોયો છે અને સંતોમુનિઓએ
કહ્યો છે. જીવને કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે. (વધુ આવતા અંકે)
ગ્રાહકોને
–આવતા અંકો (૪૮ મા અંકે) આપનું વાર્ષિક લવાજમ પુરુ થાય છે. એથી નવા વર્ષનું વાર્ષિક લવાજમ
હિંદ માટે રૂા. ૩–૦–૦ –પરદેશ માટે– રૂા. ૩–૮–૦ મની ઓર્ડરથી મોકલાવી આપશો. –વહેલી સૂચના આપવાનું
કારણ એ છે કે ઘણા ગ્રાહકો વખતસર લવાજમ મોકલવાનું ભૂલી જાય છે અને પછી જ્યારે નવો અંક વી. પી. થી
મોકલવામાં આવે છે ત્યારે તેઓ પોતાની ભૂલને ન સમજતાં વી. પી. કરવા માટે કાર્યાલયને દોષિત ઠરાવે છે. આશા
છે કે આ વખતે આપ વખતસર લવાજમ મોકલી આપી વી. પી. ની તકલિફ અને ખોટા ખર્ચથી કાર્યાલયને
બચાવશો.–મનીઆર્ર્ડર ફોર્મમાં ગ્રાહક નંબર અવશ્ય લખશો. સરનામામાં ફેરફાર કરવાનો હોય તો તે પણ
જણાવશો.–છાપખાનામાં મશીન તેમજ માણસોની તકલીફને કારણે તથા ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતાનું મેટર
મેળવવામાં થયેલ ઢીલને કારણે આ અંક ઘણો મોડો પ્રગટ થયો છે તે માટે આપ સૌની ક્ષમા ચાહું છું.
–જમનાદાસ રવાણી
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડીયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૨૭–૯–૪૭.