Atmadharma magazine - Ank 048
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
ઃ ૨૬પઃ આત્મધર્મઃ ૪૮
છે, તેનાથી તારા આત્માનું કિંચિત્ હિત થવાનું નથી. ક્રિયાકાંડ વડે આઠ કર્મો બંધાય છે. તું ગમે તેવા પુણ્યભાવ કરે
તો તેનાથી પણ મોહ વગેરે કર્મો બંધાય છે. માટે તું વિચાર કરે કે મુક્તિનો રસ્તો એ ક્રિયાકાંડથી જુદો છે.
ઔદયિકભાવ કર્મના ઉદયે કરાવ્યો નથી
રાગાદિ ઔદયિકભાવને જીવગુણ કહ્યો છે એટલે કે તે ભાવો જીવની પર્યાય છે. રાગાદિ જીવનો ભાવ હોવા
છતાં અહીં કર્મના ઉદયથી થાય છે એમ કહ્યું છે. તેમાં એમ જણાવવાનો આશય છે કે જીવના ઔદયિકભાવ વખતે
કર્મનો ઉદય નિમિત્તરૂપ હતો, તેથી વ્યવહારે એમ બોલાય કે તે કર્મના ઉદયથી જીવમાં ઔદયિકભાવ થયો. પરંતુ
વાસ્તવિકપણે તો તે ભાવ જીવે પોતે કર્યો છે, કર્મે કરાવ્યો નથી. કર્મ તો નિમિત્ત છે, નિમિત્ત એટલે પર, અને પરની
અપેક્ષાથી કથન કરવું તે વ્યવહાર એમ અહીં સમજવું. જે ઔદયિકભાવ છે તે બંધભાવ છે, અધર્મ છે, વિકાર છે,
છોડવા જેવો છે. પોતાનો પારિણામિક જીવસ્વભાવ ત્રિકાળ છે, વર્તમાન પણ એવો ને એવો જ સ્થિત છે એની
ઓળખાણ, મહિમા અને એકાગ્રતા કરવાથી તે ઉદયભાવ ટળી જાય છે.
ઔદયિકભાવ અને ધર્મભાવ
અહીં એમ કહ્યું કે–જે શુભ અને અશુભ પરિણામો છે તે બધાય ઔદયિકભાવ છે, તેનાથી ધર્મ થતો નથી.
આ સાંભળીને કોઈ અજ્ઞાની એમ માને છે કે જે જીવ જ્ઞાની થાય તેને શુભ અશુભ પરિણામ ન હોય અને શુભાશુભ
પરિણામ હોય તો તે જ્ઞાની નહિ. પરંતુ એની એ માન્યતા જુઠી છે. જો એમ હોય તો તો એકલા વીતરાગી જીવોને જ
ધર્મી કહેવાય અને બીજા કોઈ–ચોથા–પાંચમા–છઠ્ઠા વગેરે ગુણસ્થાનવાળા જીવોને ધર્મી કહી શકાય નહિ. પણ ભાઈ!
શુભભાવ તો મુનિને પણ હોય છે, અને કવચિત અશુભભાવ પણ હોય છે, છતાં તે શુભાશુભ ભાવ વખતે પણ
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર ધર્મ તેમને ટકેલો છે. છતાં તેમને જે રાગ છે તે રાગ તો ધર્મ નથી જ, રાગ તો અધર્મ જ છે.
અને જો રાગને ધર્મ માને અથવા રાગ કરતાં કરતાં ધર્મ થશે એમ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને ધર્મ નથી.
ધર્માત્માને રાગ હોવા છતાં તેઓ તે રાગને ધર્મ માનતા નથી, તેથી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને અશુભરાગ વખતે પણ
શ્રદ્ધા–જ્ઞાનરૂપી ધર્મ તો હોય છે. જીવ ગમે તેવી શુભક્રિયા કરે તે ઔદયિકભાવ છે–અધર્મ છે. અને તે ભાવથી જો
પોતે આત્માનું હિત માને તો તે મિથ્યાત્વરૂપી મહાપાપને પોષણ આપીને સંસારમાં રખડે. સમ્યગ્દ્રષ્ટિ મુનિને પણ
જેટલો શુભરાગ છે તેટલો ઔદયિકભાવ છે–પણ ધર્મભાવ નથી.
નીચલી ભૂમિકામાં સાધકજીવને વ્રતાદિનો શુભરાગ હોય એ જુદી વાત છે, પણ અજ્ઞાનીઓ તેને ધર્મ માને
છે. જે વ્રતાદિ શુભભાવોને સર્વજ્ઞવીતરાગ દેવો ઔદયિકભાવ કહે છે તે વ્રતાદિને અજ્ઞાનીઓ ધર્મભાવ મનાવે છે. શ્રી
કુંદકુંદાચાર્યદેવે અહીં પાંચ ભાવો વર્ણવ્યા છે અને તેમના શિષ્ય શ્રી ઉમાસ્વામીઆચાર્યદેવે મોક્ષશાસ્ત્રના બીજા
અધ્યાયના પહેલા સૂત્રમાં એ પાંચ ભાવો વર્ણવ્યા છે. અન્ય કોઈ મતમાં આ પાંચ ભાવોનું વર્ણન નથી.
ધર્મમાં પહેલો ક્યો ભાવ પ્રગટે?
મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર) માં પહેલાં ઔપશમિક ભાવ વર્ણવ્યો છે. કેમકે અનાદિ અજ્ઞાની જીવને ધર્મ કરતાં
સૌથી પ્રથમ ઔપશમિકભાવ પ્રગટે છે. અનાદિની અજ્ઞાનદશા છોડાવીને ધર્મદશા પ્રગટ કરાવવા માટે તે જ ભાવ
પહેલાં મૂક્યો છે. જેમ શાંત પાણીમાં મેલ નીચે દબાઈ જાય તેમ અનાદિ અજ્ઞાની જીવ જ્યારે ચૈતન્ય સ્વભાવમાં ઢળે
છે ત્યારે તેને મિથ્યાત્વાદિનો મોહભાવ દબાઈ જાય છે, તેને ઔપશમિક સમ્યગ્દર્શન કહેવાય છે. અનાદિ અજ્ઞાની
જીવને પહેલાં દર્શનમોહનો ઉપશમ જ થાય છે. એ ઔપશમિકભાવનો પુરુષાર્થ જણાવવા માટે મોક્ષશાસ્ત્રમાં પહેલાં
તેનું વર્ણન છે. જે જીવ એ ઔપશમિકભાવ પ્રગટ કરે તે જ ઔદયિક વગેરે ભાવોને યથાર્થપણે ઓળખે છે. અહીં
પાંચ ભાવોનું જ્ઞાન કરાવવું છે તેથી ઔદયિક વગેરે ભાવો ક્રમસર વર્ણવ્યા છે. પહેલાં ઔદયિકભાવનું વર્ણન કરતાં
કહ્યું છે કે જે ભાવ કર્મના ઉદયથી થાય તે ઔદયિક ભાવ છે, એટલે કે આત્માના જે ભાવ વખતે કર્મનો ક્ષય કે
ઉપશમ ન હોય પણ ઉદય હોય એવો વિકારી ભાવ તે ઔદયિકભાવ છે. એ ઔદયિકભાવના આશ્રયે ધર્મ નથી.
કયા ભાવ બંધનું કારણ અને કયા ભાવ મોક્ષનું કારણ?
જે ભાવથી તીર્થંકરનામકર્મ બંધાય તે કયો ભાવ હશે? તીર્થંકરનામકર્મ જે ભાવે બંધાય તે પણ
ઔદયિકભાવ જ છે. ઔદયિક ભાવ જ બંધનું કારણ છે, અન્ય કોઈ ભાવ બંધનું કારણ નથી. ઔપશમિકભાવ