Atmadharma magazine - Ank 048
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
આસોઃ૨૪૭૩ઃ ૨૬૬ઃ
અને સમ્યગ્દ્રષ્ટિનો ક્ષાયોપશમિકભાવ–એ બે ભાવો મોક્ષમાર્ગરૂપ છે–એટલે કે મોક્ષનું કારણ છે, ક્ષાયિકભાવ
મોક્ષરૂપ છે એટલે જે ગુણનો ક્ષાયિકભાવ પ્રગટે તે ગુણની અપેક્ષાએ મોક્ષ થયો કહેવાય છે. જેમકે ક્ષાયિક
સમ્યગ્દર્શન પ્રગટ થતાં શ્રદ્ધાગુણનો ક્ષાયિકભાવ પ્રગટયો છે એટલે કે શ્રદ્ધાગુણ અપેક્ષાએ મોક્ષ છે. અને બધા
ગુણની સંપૂર્ણ અવિકારીદશા પ્રગટ થતાં દ્રવ્યનો મોક્ષ થાય છે; પારિણામિકભાવ બંધ–મોક્ષની અપેક્ષારહિત ત્રિકાળ
એકરૂપ છે, તે બંધ–મોક્ષનું કારણ નથી. પરંતુ તે પારિણામિકસ્વભાવના લક્ષે મોક્ષ પ્રગટે છે અને તેનું લક્ષ
ચૂકવાથી બંધભાવ પ્રગટે છે.
તીર્થંકરનામકર્મના કારણરૂપ સોળ ભાવનાનો ક્રમ
તીર્થંકરનામકર્મનો આસ્રવ થવાના કારણરૂપ જે સોળભાવના છે તેમા સૌથી પહેલાં દર્શનવિશુદ્ધિભાવના છે.
તેને બદલે કોઈ જીવો અર્હંત્ ભક્તિ પહેલાં મનાવે છે, તેની દ્રષ્ટિ ઊંધી હોવાથી પર તરફથી શરૂઆત કરી છે. અને
‘દર્શનવિશુદ્ધિ’ માં સ્વભાવ તરફથી શરૂઆત થાય છે.
તીર્થંકરનામકર્મનો ભાવ અધર્મ??
તીર્થંકરનામકર્મ તો જડ છે, પણ જે શુભભાવે તે બંધાય છે તે ઔદયિકભાવ છે, તેને જે ધર્મ માને અથવા તો
તેને ધર્મનું કારણ માને તે અધર્મી છે; તેને પાંચ ભાવોના સ્વરૂપની ખબર નથી તેથી તે બંધભાવોને આદરણીય માને
છે. જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે અધર્મભાવ! અરરર! અજ્ઞાનીનાં તો કાળજાં ધ્રુજી ઊઠે એવું છે. ઘણાં વર્ષો
પહેલાં એક વાર જ્યારે ભરસભામાં આ વાત જાહેર થઈ ત્યારે એક શ્રોતા તો સભામાંથી ઉભા થઈ ભાગી થયા.
તેનાથી એ વાત સહન થઈ શકી નહિ પછી સમજે તો ક્યાંથી? અત્યારે તો ઘણા જિજ્ઞાસુઓ આ વાત સમજતા થયા
છે. જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવને પુણ્યભાવ કહો, અથવા શુભભાવ કહો, ઔદયિકભાવ કહો,
બંધભાવ કહો, કે અધર્મભાવ કહો,–તેમાં ફેર નથી.
ચૈતન્યના લક્ષે વિકારનો નાશ ને કર્મના લક્ષે ઉત્પત્તિ
પ્રશ્નઃ– ઔદયિકભાવની વ્યાખ્યા એમ કરી કે કર્મના ઉદયથી અર્થાત્ કર્મના લક્ષે જે શુભાશુભ ભાવ થાય તે
ઔદયિકભાવ છે. પરંતુ અજ્ઞાની તો કર્મને જોઈ શકતો નથી, તો તેણે કર્મનું લક્ષ કઈ રીતે કર્યું?
ઉત્તરઃ– જેની દ્રષ્ટિ પોતાના શુદ્ધસ્વભાવથી ચ્યૂત છે તેની દ્રષ્ટિ ક્યાંક બીજે અટકી છે. અજ્ઞાનીને વિકારરહિત
સ્વભાવનું લક્ષ નથી તેથી કર્મના ઉદયથી વિકાર થાય, એવી તેની ઊંધી માન્યતા હોવાથી તેને વિકાર થયા વગર
રહેશે જ નહિ. મારા ચૈતન્યસ્વભાવના લક્ષમાં ટકી રહું તો વિકારની ઉત્પત્તિ જ થાય નહિ, એમ સ્વભાવદ્રષ્ટિ કરવાને
બદલે ઊંધી દ્રષ્ટિ કરે છે કે કર્મનો ઉદય હોય તેથી વિકાર થાય જ. આ ઊંધી દ્રષ્ટિ જ વિકારની ઉત્પત્તિનું મૂળિયું છે.
સ્વભાવનું લક્ષ નથી તેથી વિકારભાવ થાય છે અને તે વિકારભાવમાં કર્મ નિમિત્ત છે તેથી કર્મના લક્ષે જ વિકાર થાય
છે એમ કહી દીધું છે. મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મને જુએ છે એમ ત્યાં કહેવું નથી પરંતુ વિકારના નિમિત્તનું જ્ઞાન કરાવવા
માટે તે કથન છે. મિથ્યાદ્રષ્ટિ ભલે કર્મના ઉદયને ન દેખે, પરંતુ ‘કર્મના ઉદયથી મિથ્યાત્વ થાય’ એવો તેનો ઊંધો
અભિપ્રાય છે તેથી જ તેને ક્ષણે ક્ષણે મિથ્યાત્વભાવ થયા જ કરે છે. મારા આત્મસ્વભાવમાં કોઈ જાતનો વિકારભાવ
નથી, અને એ સ્વભાવના લક્ષે વિકારની ઉત્પત્તિ થતી નથી–એમ જો સ્વભાવ દ્રષ્ટિ કરે તો મિથ્યાત્વનો ઉત્પાદ થાય
નહિં ‘નંદિસેણ, આર્દ્રકુમાર વગેરે મોટા મોટા મુનિઓને પણ કર્મના તીવ્ર ઉદયે પાડી નાખ્યા’ એમ કહી જે જીવ કર્મનું
જોર માને છે તે જીવના ઊંધા અભિપ્રાયમાંથી ક્ષણે ક્ષણે વિકારભાવની જ ઉત્પત્તિ થાય છે. કર્મના ઉદય પ્રમાણે વિકાર
થયા કરે એમ જેણે માન્યું, તેને સ્વભાવ તરફ જોવાનું જ ક્યાં રહ્યું? વિકાર હું કરું છું અને મારા સ્વભાવ ભાવમાં
રહીને હું જ તેને ટાળું છું–એમ તો તેણે માન્યું નહિ તેથી સ્વભાવ તરફ તેનો પુરુષાર્થ જ વળશે નહિ. તેનો અભિપ્રાય
જ ચૈતન્યનું લક્ષ ચૂકીને કર્મના લક્ષવાળો છે. સ્વભાવની શુદ્ધતાનું લક્ષ તે ચૂક્યો છે તેથી તેને ક્ષણે ક્ષણે
ઔદયિકભાવની જ ઉત્પત્તિ છે. અને જે જીવ પારિણામિક ચૈતન્યસ્વભાવના લક્ષે ટક્યો છે તેને એમ શ્રદ્ધા છે કે મારો
સ્વભાવ શુદ્ધ છે, વિકારનો અંશ પણ મારા સ્વભાવમાં નથી, તેના એવા અભિપ્રાયમાં ક્ષણે ક્ષણે નિર્મળતાની જ
ઉત્પત્તિ અને વિકારનો નાશ છે.
કર્મનો ઉદય હોય તો તેના નિમિત્તે વિકાર થાય, એમ જેણે કર્મનો નિમિત્ત તરીકે સ્વીકાર કર્યો તેણે નૈમિત્તિક
તરીકે પોતાના વિકારીભાવને માન્યો, એટલે કે તેણે પોતાની લાયકાત વિકારપણે જ થવાની માની છે. તેણે પોતાની
ભૂલને ટકાવી રાખી પણ તે ભૂલથી ખસીને સ્વભાવમાં ટક્યો નહિ. જો સ્વભાવમાં ટકે તો ભૂલ રહે નહિ અને કર્મને
નિમિત્ત કહેવાય નહિ.