ભાવનો અનુભવ કર્યા પછી જે વિકલ્પ ઊઠે તે વિકલ્પોમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને એકત્વબુદ્ધિ હોતી નથી, તેથી તે વિકલ્પો
માત્ર અસ્થિરતારૂપ દોષ છે પરંતુ તે સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાનને મિથ્યા કરતા નથી; કેમકે વિકલ્પ વખતે પણ
સમ્યગ્દ્રષ્ટિને તેનો નિષેધ વર્તે છે.
નિષેધ કરનાર સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન વર્તે છે કે નહિ? જે રાગ થાય છે તે શ્રદ્ધા–જ્ઞાન મિથ્યા કરતો નથી. જ્ઞાનીને
ચારિત્રની કચાશથી રાગ થાય છે, ત્યાં અજ્ઞાની તે રાગને જ જુએ છે. પરંતુ રાગનો નિષેધ કરનાર શ્રદ્ધા–જ્ઞાનને તે
ઓળખતો નથી.
સ્વભાવના અવલંબને તે રાગરૂપ વૃત્તિ તોડીને અનુભવ કરતો નથી, ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન નથી.
અટકીને ધર્મ માનવો એ તો મિથ્યાદ્રષ્ટિનાં કામ છે. રાગમાત્રનું અવલંબન છોડીને સ્વભાવના આશ્રયે નિર્ણય અને
અનુભવ કરવો તે જ સમ્યગ્દ્રષ્ટિનો ધર્મ છે. અને ત્યાર પછી જ ચારિત્રદશા હોય છે. રાગનું અવલંબન તોડીને
આત્મસ્વભાવનો નિર્ણય અને અનુભવ ન કરે અને દાન, દયા, શીલ, તપ વગેરે બધુંય કરે તો તેથી શું? એ તો બધો
રાગ છે, તેમાં ધર્મ નથી.
પરંતુ જે અબંધસ્વભાવ છે તે ‘હું અબંધ છું’ એવા વિકલ્પની અપેક્ષા રાખતો નથી, એટલે ‘અબંધ છું’ એવા
વિકલ્પનું અવલંબન અબંધસ્વભાવની શ્રદ્ધાને નથી. વિકલ્પ તે તો રાગ છે, વિકાર છે, તે આત્મા નથી; તે વિકલ્પના
અવલંબને આત્માનો અનુભવ થતો નથી.
નિશ્ચયનયનો પક્ષ જીવે પૂર્વે અનંતવાર કર્યો છે, પરંતુ સ્વભાવના આશ્રયરૂપ નિશ્ચયનય જીવને કદી પ્રગટયો નથી.
સમયસારની ૧૧મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે ‘શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી’ ત્યાં ‘શુદ્ધનયનો પક્ષ’ કહ્યો
છે તે મિથ્યાત્વરૂપ કે રાગરૂપ નથી, કેમકે ત્રિકાળ શુદ્ધસ્વભાવનો આશ્રય કરવો તેને જ ત્યાં ‘શુદ્ધનયનો પક્ષ’ કહ્યો
છે અને તે જ સમ્યગ્દર્શન છે. ત્યાં જેને શુદ્ધનયનો પક્ષ કહ્યો છે તેને અહીં ‘નયાતિક્રાંત’ કહેલ છે, અને તે મુક્તિનું
કારણ છે; તથા અગીઆરમી ગાથામાં “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિથી જ છે” એમ કહ્યું છે; ત્યાં
જેને ભેદરૂપ વ્યવહારનો પક્ષ કહ્યો છે તેમાં, આ ગાથામાં કહેલા બન્ને પક્ષનો સમાવેશ થઈ જાય છે. નિશ્ચયનયના
વિકલ્પનો પક્ષ કરવો તે પણ ભેદરૂપ વ્યવહારનો જ પક્ષ છે, માટે તે પણ મિથ્યાત્વ છે. જેવો શુદ્ધસ્વભાવ છે તેવા
સ્વભાવનો આશ્રય કરવો તે સમ્યગ્દર્શન છે, પણ ‘શુદ્ધસ્વભાવ છું’ એવા વિકલ્પની સાથે એકત્વબુદ્ધિ કરવી તે
મિથ્યાત્વ છે. આત્મા રાગસ્વરૂપ છે એમ માનવું તે તો વ્યવહારનો પક્ષ છે–સ્થૂળ મિથ્યાત્વ છે; અને ‘આત્મા
શુદ્ધસ્વરૂપ છે’ એવા વિકલ્પમાં અટકવું તે વિકલ્પાત્મકનિશ્ચયનયનો પક્ષ છે–રાગનો પક્ષ છે. શ્રી આચાર્યદેવ કહે છે કે
‘હું શુદ્ધ છું’ એવા વિકલ્પના અવલંબને આત્માનો વિચાર કર્યો તેથી શું? આત્માનો સ્વભાવ તો વચન અને
વિકલ્પાતીત છે. આત્મા શુદ્ધ ને પરિપૂર્ણ સ્વભાવી છે તે સ્વભાવ પોતાથી જ છે, પણ શાસ્ત્રના આધારે કે વિકલ્પના
આધારે તે સ્વભાવ નથી; અને તેથી તે સ્વભાવનો અનુભવ (નિર્ણય) કરવા માટે કોઈ શાસ્ત્રના લખાણના કે
વિકલ્પના આશ્રયની જરૂર નથી, પણ સ્વભાવના જ આશ્રયની જરૂર છે. સ્વભાવનો અનુભવ કરવા જતાં ‘હું શુદ્ધ
છું’ ઇત્યાદિ વિકલ્પ આવી જાય છે પરંતુ તે વિકલ્પમાં અટકે ત્યાં સુધી અનુભવ થતો નથી, જો તે વિકલ્પ તોડીને
નયાતિક્રાંત થઈને સ્વભાવનો આશ્રય કરે તો સમ્યક્નિર્ણય અને અનુભવ થાય, તે જ ધર્મ છે.