બંધભાવથી ભિન્ન સ્વભાવનો નિર્ણય કરતાં
ચૈતન્યને તે બંધભાવની લાગણીઓનો આધાર
રહેતો નથી, એકલા આત્માનો જ આધાર રહે
છે. આવા સ્વાશ્રયપણાની કબુલાતમાં ચૈતન્યનું
અનંત વીર્ય આવ્યું છે. પોતાની શક્તિદ્વારા જેણે
બંધરહિત સ્વભાવનો નિર્ણય કર્યો તેને
સ્વભાવની હોંશ અને પ્રમોદ આવે કે અહો!
આ ચૈતન્યસ્વભાવ પોતે ભવરહિત છે, તેનો
આશ્રય કર્યો તેથી હવે ભવના અંત નજીક
આવ્યા અને મુક્તિદશાનાં નગારાં વાગ્યાં.
પોતાના નિર્ણયથી જે નિઃશંકતા કરે તેને
ચૈતન્ય પ્રદેશોમાં ઉલ્લાસ થાય અને તેને
અલ્પકાળમાં મુક્તદશા થાય જ.