Atmadharma magazine - Ank 052
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
વર્ષ પાંચમું : સળંગ અંક : માહ
અંક ચોથો : ૫૨ : ૨૪૭૪
પુરુષાર્થ અને કાળ
પંચમકાળ કઠણ છે–એમ કહીને અજ્ઞાની જીવો આત્મસ્વભાવની સમજણનો પુરુષાર્થ જ માંડી વાળે છે;
જ્ઞાનીઓ તેને કહે છે કે ભાઈ રે, શું કાળ કે કર્મો કાંઈ તારું કાંડુ પકડીને તને પુરુષાર્થ કરતાં રોકે છે? અર્થાત્ શું તારી
સ્વપર્યાયને કાળ કે કર્મો રોકે છે? નહિ, એ તો પરદ્રવ્યો છે, તે તારી પર્યાયને રોકવા સમર્થ નથી. માટે હે ભાઈ! તું
પરાધીન દ્રષ્ટિ છોડીને તારા સ્વભાવના લક્ષે પુરુષાર્થ કર. પુરુષાર્થવડે અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે.
આત્માના સ્વતંત્ર પુરુષાર્થને નહિ સ્વીકારનારા જીવો એમ માને છે કે ‘પંચમકાળ છે માટે જીવોને
પુરુષાર્થ ન થઈ શકે. ’ એ પરાધીનદ્રષ્ટિ છે જેઓ આત્માના સ્વતંત્ર પુરુષાર્થને સ્વીકારે છે અને સ્વાધીનદ્રષ્ટિથી
જોનારા છે તેઓ એમ જાણે છે કે ‘અત્યારના જીવો પોતે જ ઓછા પુરુષાર્થની લાયકાતવાળા છે માટે પંચમકાળ
કહેવાય છે. ’ આમાં એકની દ્રષ્ટિ કાળ ઉપર છે, બીજાની દ્રષ્ટિ આત્માના પુરુષાર્થ ઉપર છે, એ મોટો દ્રષ્ટિભેદ છે.
ખરી રીતે કાળ દ્રવ્યની પર્યાય તો ત્રણે કાળ એક સરખી જ છે, તેમાં કોઈ ભેદ નથી; અને જીવની
પર્યાયમાં તો તે માત્ર નિમિત્ત છે. જીવના ભાવ અનુસાર કાળદ્રવ્યની પર્યાયમાં ચોથો કાળ કે પંચમકાળ એમ
ઉપચાર કરવામાં આવે છે. પંચમકાળે ભરતક્ષેત્રમાં જન્મેલા જીવો મુક્તિ ન પામે એનો ખરો અર્થ એ છે કે તે તે
જીવોની વર્તમાન સ્વપર્યાયની લાયકાત જ મુક્તિ પામે એવી નથી અને તેથી જ કાળને તે પ્રકારનું (મુક્તિનું)
નિમિત્ત કહેવાતું નથી. પરંતુ મહાવિદેહક્ષેત્રના કોઈ મુનિને ઉપાડીને દેવો અહીં મૂકી જાય તો તે મુનિ અહીં પણ
મોક્ષ પામી શકે છે. આ જ ભરતક્ષેત્ર અને આ જ પંચમકાળ હોવા છતાં તે જીવ પોતાની સ્વપર્યાયની
લાયકાતવડે મોક્ષ પામી શકે છે. જો જીવની પોતાની સ્વપર્યાયની લાયકાત મોક્ષ પામવાની હોય તો તેને આ જ
ક્ષેત્ર અને આ જ કાળ મોક્ષનું નિમિત્ત કહી શકાય છે. સિદ્ધાંત એ છે કે ઉપાદાનની સ્વપર્યાયની લાયકાત મુજબ
પરદ્રવ્યમાં આરોપ કરીને તેને નિમિત્ત કહેવાય છે; પરંતુ પરદ્રવ્યને અનુસરીને ઉપાદાનની પર્યાય થતી નથી.
પોતાની દરેક સમયની પર્યાયની લાયકાત જીવ પોતે પોતાના તે તે સમયના પુરુષાર્થથી કરે છે. એટલે
લાયકાતમાં બીજું કોઈ કારણ નથી પણ તે વખતનો પુરુષાર્થ જ તે લાયકાતનું કારણ છે. જેવો પુરુષાર્થ કરે તેવી
લાયકાત તે સમયે થાય છે.
પર્યાય તે તો દ્રવ્યનો સ્વભાવ છે, દરેક દ્રવ્ય પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે, અને તે તે સમયની
પોતાની લાયકાત અનુસાર પર્યાય થાય છે. જીવ પોતાના પુરુષાર્થથી જે સમયે જેવી લાયકાત કરે તે સમયે તેવી
પર્યાય થાય છે. કદી કોઈ પર દ્રવ્ય આત્માની પર્યાયને વશ કરતું નથી, પણ આત્મા પોતે સવલક્ષ ચૂકીને પર
લક્ષમાં એકાગ્ર થાય છે, એ જ પરાધીનતા છે. અજ્ઞાનીઓ સ્વપર્યાયને ન જોતાં પરદ્રવ્યનો દોષ કાઢે છે. “પર
દ્રવ્યો તો સૌ પોતપોતાના ભાવમાં હતાં, પણ તું પોતે શા માટે સ્વભાવની એકાગ્રતાથી છૂટયો? ” એમ
જ્ઞાનીઓ કહે છે. પર દ્રવ્યના કારણે દોષ થયો નથી. રસ્તામાં કૂવો હોય અને તેમાં કોઈ માણસ પડે તો કોનો
દોષ? શું કૂવો વચ્ચે આવ્યો માટે તે પડ્યો? નહિ; તે પોતે શા માટે આંધળો થઈને (–બેદરકારીથી) તેમાં
પડ્યો? તેણે જોઈને સાવધાનીથી ચાલવું હતું; કૂવો તો તેના ઠેકાણે જ પડ્યો હતો, કૂવાએ કાંઈ માણસને પરાણે
ખેંચીને પાડયો ન હતો. જો માણસ પોતે કૂવાથી જુદા રસ્તે ચાલે તો કૂવો કાંઈ તેને બળજબરીથી પોતા તરફ
ખેંચી લાવતો નથી. તેમ કાળ અને કર્મો વગેરે બધાં પરદ્રવ્યો પોત પોતાના કારણે આ જીવથી ભિન્નપણે સ્થિત
છે, તે કોઈ આ જીવના પુરુષાર્થને બળજબરીથી રોકતા નથી, જીવ પોતે ઊંધા પુરુષાર્થવડે પોતાના ઉપયોગને તે
તરફ લઈ જઈને વિકારી થાય છે. જો સવળા પુરુષાર્થથી તે તરફના ઉપયોગને ખસેડીને પોતાના સ્વભાવ તરફ
પરિણમન કરે તો કાંઈ તે કાળ કે કર્મ વગેરે પરદ્રવ્યો તેને કાંડુ ઝાલીને ના પાડતા નથી. માટે જીવોએ પ્રથમ તો
પોતાના ચૈતન્ય સ્વભાવને પરથી ભિન્ન જાણીને, ચૈતન્યનો જે ઉપયોગ પર તરફ એકાગ્ર થઈ રહ્યો છે તે
ઉપયોગને પોતાના આત્મા તરફ એકાગ્ર કરવાનો છે, એટલે માત્ર પોતાનો ઉપયોગ બદલવાનો છે, એ જ
મુક્તિનો ઉપાય છે. ‘ઉપયોગ સ્વતરફ એકાગ્ર કરવો’ તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે.
[શ્રી સમયસાર–મોક્ષ અધિકાર ઉપરના વ્યાખ્યાનોમાંથી]